ગુજરાત

વરસાદની ભારે ખેંચથી વાવેતરમાં ૪૦ ટકા ઘટાડો, માત્ર એક ઇંચ વરસાદથી કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર તાત્કાલિક પગલાં ભરે : અમિત ચાવડા 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર આગમન કરીને ખેડૂતો અને પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે, પરંતુ લગભગ પંદર વર્ષ પછી સૌથી નબળું ચોમાસું જોવા મળી રહ્યું છે અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં ડૂબ્યા છે. એક તરફ કુદરત રૂઠી છે, તો બીજી તરફ આખા ગુજરાતના કિસાન પરિવારો આર્થિક તંગી, દેવાના બોજ અને વહીવટી અન્યાય સામે રસ્તા પર ઉતરીને પોતાના હક્કની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતો અત્યારે ખોટી જમીન માપણી, પોતાના ખેતરોમાં મંજૂરી વિના નાખવામાં આવતા વીજ થાંભલાઓ, ખાતર અને બિયારણની તીવ્ર અછત તેમજ દેવા માફીની પાયાની માંગણીઓ સાથે ચારેય તરફથી સંઘર્ષ કરી રહ્યા છે. એક બાજુ આર્થિક પાયમાલી અને અન્યાય સામેની લડત અને બીજી બાજુ આકાશી આફત જેવા કોરા દુકાળના સંજોગોએ ગુજરાતના જગતના તાતને પડતા પર પાટુ જેવી અસહ્ય વેદનામાં મૂકી દીધા છે.
ગત વર્ષ જૂન ૨૦૨૫ની સરખામણીએ ચાલુ વર્ષે જૂન ૨૦૨૬માં વાવેતરમાં આશરે ૪૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ વરસાદની ભારે ખેંચ છે. ગયા વર્ષે આ સમયગાળામાં જ્યાં ૧૧.૫૫ ઇંચ વરસાદ પડ્યો હતો, તેની સામે ચાલુ વર્ષે માત્ર ૧ ઇંચ જેટલો જ વરસાદ થતાં ૮૦ થી ૮૫ ટકા જેટલી ચિંતાજનક ઘટ ઊભી થઈ છે. વરસાદના અભાવે અને નહેરોમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલા ઊભા ધરુવાળિયા પાણી વિના બળી રહ્યા છે અને તેની ગુણવત્તા સતત બગડી રહી છે. ચારેય તરફ આંદોલનો અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનો છતાં ભાજપ સરકાર આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે સંવેદનહીન અને ઉદાસીન છે, જેના લીધે જગતનો તાત આજે લાચાર અને હેરાન-પરેશાન થઈ ગયો છે. આ કપરા સમયે સરકાર પાસે તાકીદે માંગણી કરવામાં આવે છે કે નહેરોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામો તથા ખેતરો સુધી પાણી પહોંચે તેવી યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવે.
ગુજરાતમાં અત્યારે વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે, જેના કારણે પશુપાલકો અને પશુઓ ઘાસચારાની શોધમાં દરદર ભટકી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક સમગ્ર ગુજરાતમાં ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ, સિંચાઈ માટે હાલમાં ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી આપવામાં આવે છે, તેના બદલે ઓછામાં ઓછા બાર કલાક વીજ પુરવઠો આપવામાં આવે જેથી ટ્યુબવેલ દ્વારા પાણી ખેંચીને પાક બચાવી શકાય. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઘટીને આશરે વીસ ટકા જેટલો જ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદ વધુ મોડો પડે તો પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોકો તથા પશુપાલકોને પીવાના પાણી અને ઘાસચારાના અભાવે સ્થળાંતર કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દુઃખની વાત એ છે કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં ભાજપ સરકાર તરફથી હજુ સુધી જરૂરી આગોતરા અને અસરકારક પગલાં ભર્યા હોય તેવું દેખાતા નથી. તેથી રાજ્ય સરકારને વિનંતી છે કે સમગ્ર પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક સર્વે કરાવે, થયેલી અને સંભવિત નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરે તેમજ ઘાસચારો, પીવાનું પાણી, વધારાનો વીજ પુરવઠો અને અન્ય જરૂરી રાહત વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે ઉપલબ્ધ કરાવે
ગુજરાતમાં વર્તમાન સમયમાં ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે સતત આંદોલન કરી રહ્યા છે. અનેક સ્થળોએ ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક કોઈપણ પ્રકારની યોગ્ય મંજૂરી કે પૂરતા વળતર વિના પાણીની પાઇપલાઇન નાખવાના નામે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના હિતો માટે આખી સરકાર સક્રિય બની જાય છે, પરંતુ જ્યારે ખેડૂત પોતાના પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેની વ્યથા ભાજપ સરકાર સુધી પહોંચતી નથી. ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાઈને આર્થિક રીતે પાયમાલ બન્યા છે અને દેવા માફી, ખાતર-બિયારણની અછત, મોંઘવારી તથા જમીન સંબંધિત પ્રશ્નોને લઈને રાજ્યના જેતપર, સાણંદ, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ આંદોલનો ચાલી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ પ્રત્યે ભાજપ સરકારની નિષ્ક્રિયતા ચિંતાજનક છે.  વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. તેથી સરકારને અમારી સ્પષ્ટ રજૂઆત છે કે વરસાદની અછતને પહોંચી વળવા માટે તાત્કાલિક રાહતના પગલાં ભરે તેમજ ખેડૂતોના વિવિધ આંદોલનોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓનું વહેલી તકે ન્યાયસંગત અને કાયમી નિરાકરણ લાવે.

Related posts

અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર

GUJARAT NEWS DESK TEAM

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રીય અંગદાન દિવસ: ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી 2039 અંગોના દાન મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment