સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ૫૦૦થી વધુ ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરી બહાર સરકારના ૪ જુલાઈના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો. ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિતના તાલુકાના ખેડૂતો “વળતર નહીં તો ટાવર નહીં”ના સૂત્રોચ્ચાર સાથે ઉમટી પડ્યા હતા. ખેડૂતો બજાર કિંમતના ચાર ગણા વળતર અથવા ટાવર દીઠ ૨ કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે.
સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પાવરગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આજે શનિવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો મોરચો લઈને પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીની બહાર જ સરકારના ૪ જુલાઈના પરિપત્રની હોળી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
પાવરગ્રીડ લાઇનના ટાવર ઊભા કરવાથી જમીનને થઈ રહેલા નુકસાન સામે સુરત જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા. ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના વિસ્તારોમાંથી ૫૦૦થી વધુ ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. ખેડૂતોએ ‘વળતર નહીં તો ટાવર નહીં‘ના સૂત્રોચ્ચારો સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી.સરકાર દ્વારા પાવરગ્રીડના ટાવર ઊભા કરવા બદલ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે ૪ જુલાઈના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જાેકે, ખેડૂતોના મતે આ પરિપત્રમાં નક્કી કરાયેલું વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આથી જ ખેડૂતોએ આ પરિપત્રનો સખત વિરોધ કરીને તેની હોળી કરી દીધી છે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જાે તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ કામગીરી થવા દેશે નહીં. ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે કે, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે ચાર ગણું વળતર ચૂકવવામાં આવે. જમીનના નુકસાન સામે ટાવર દીઠ ૫૦,૦૦૦નું ભાડું ચૂકવવામાં આવે. અથવા તો ખેડૂતોને થાંભલા દીઠ ૨ કરોડનું વળતર આપવામાં આવે.
ખાનગી કંપની દ્વારા થતી કામગીરીથી ખેડૂતોની કિંમતી જમીન બિનઉપજાઉ બની જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં જાેવા મળી રહ્યા છે.