
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે મોંઘવારી એ દેશ અને ગુજરાતના એકેએક પરિવારને અસર કરતો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’નું સૂત્ર આપીને ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. લોકોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવાનાં સપનાં બતાવી મત મેળવ્યા હતા. આજે ૧૨ વર્ષ વીતી ગયાં, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા, પરંતુ મોંઘવારી ઘટવાને બદલે સતત વધી છે. હવે જનતા કહે છે કે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ હટાઓ ભાજપ સરકાર.’ એક તરફ સરકાર વિવિધ કરવેરા દ્વારા જનતાના ખિસ્સા ખાલી કરી પોતાની તિજોરી ભરે છે અને બીજી તરફ ઉત્સવો, તાયફાઓ તથા રાજકીય કાર્યક્રમો પાછળ નાણાં ખર્ચે છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૂધ, છાશ, ખાદ્યપદાર્થો, પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતાં સામાન્ય પરિવાર માટે ઘરનું બજેટ ચલાવવું મુશ્કેલ બન્યું છે.
કોંગ્રેસની યુપીએ સરકારના સમયમાં ખાદ્યતેલના ડબ્બાનો ભાવ આશરે રૂ. ૧,૧૦૦થી ૧,૨૦૦ હતો અને ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૩૫૦થી ૪૦૦ હતો ત્યારે ભાજપના નેતાઓ સિલિન્ડર માથે મૂકીને મોંઘવારી સામે દેખાવો કરતા હતા. આજે ગુજરાતમાં ખાદ્યતેલના ડબ્બાનો ભાવ રૂ. ૩,૧૧૦ સુધી પહોંચી ગયો છે. તેલ મિલરો સાથેની મિલીભગત અને કરોડો રૂપિયાના ચૂંટણી ફંડના આક્ષેપો વચ્ચે ખાદ્યતેલના ભાવમાં થયેલો આ અસહ્ય વધારો અનેક સવાલો ઊભા કરે છે. ગુજરાતની ગૃહિણીઓની સ્થિતિ એવી થઈ છે કે હવે પૂરી તળવા માટે પણ તેલનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. ગુજરાતના સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, ત્યારે સરકાર આ ભાવવધારા પાછળનાં કારણો અંગે જવાબદારી સ્વીકારે અને જનતાને રાહત આપે તે જરૂરી છે.
મોંઘવારીની ગંભીરતા દર્શાવતા આંકડાઓ રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે રિટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર ૨૦૨૬માં ૩.૫૮ ટકા હતો, જે નવેમ્બરમાં વધીને ૪.૮૮ ટકા થયો છે અને છેલ્લા ૧૫ મહિનાનું ઉચ્ચતમ સ્તર છે. શહેરી વિસ્તારોમાં મોંઘવારીનો દર ૩.૮૧ ટકાથી વધીને ૪.૯૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩.૩૬ ટકાથી વધીને ૪.૭૯ ટકા થયો છે. ખાદ્યપદાર્થોની મોંઘવારી ૧.૯૦ ટકાથી વધીને ૪.૪૨ ટકા થઈ છે, જ્યારે શાકભાજીના ભાવમાં આશરે ૨૨ ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ૩.૮ ટકાથી ઘટીને ૨.૨ ટકા થયો છે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો દર પણ ઘટ્યો છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે, જેના કારણે રોજગારીની તકો પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. હોલસેલ મોંઘવારીનો દર પણ જાન્યુઆરીમાં ૧.૧૯ ટકા હતો, જે એપ્રિલમાં ૮.૩૬ ટકા, મેમાં ૯.૮૮ ટકા, સપ્ટેમ્બરમાં ૧૧.૩૯ ટકા અને ઓક્ટોબરમાં વધીને ૧૨.૨૯ ટકા થયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે સરકારના શાસનમાં મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં સંપૂર્ણ નિષ્ફળતા મળી છે. એક તરફ સામાન્ય નાગરિકની આવક ઘટે છે, નોકરીઓ છૂટે છે અને બીજી તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધે છે. ઉદ્યોગપતિઓને કરવેરામાં રાહતો અને કરોડો રૂપિયાના દેવા માફીની સુવિધા આપતી સરકાર મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનહીન બની છે.
હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપરાંત સીએનજીના ભાવ પણ પ્રતિ કિલો રૂ. ૧૦૦ની સપાટીએ પહોંચવા તરફ છે. અદાણી અને ગુજરાત એનર્જી દ્વારા સીએનજીના ભાવમાં વધારાથી વાહનવ્યવહાર અને રોજિંદા જીવનના ખર્ચમાં પણ વધારો થયો છે. નરેન્દ્ર મોદીના કુશળ વહીવટ અને નેતૃત્વનાં વખાણ કરવામાં આવે છે, પરંતુ મોંઘવારીના સતત વધતા આંકડા દર્શાવે છે કે સામાન્ય જનતાને રાહત આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. એક તરફ સરકાર ટેક્સ દ્વારા જનતાના ખિસ્સામાંથી નાણાં વસૂલે છે અને બીજી તરફ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડે છે. આર્થિક નીતિઓના કારણે સામાન્ય પરિવારનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અને ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
મોંઘવારીથી પીડાતા સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જનઆંદોલન કરશે. ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને સાથે રાખીને રસ્તા પર ઉતરી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી વધારતા તત્વો અને મળતિયાઓના રેકેટને ખુલ્લું પાડવા તથા સામાન્ય જનતાને રાહત અપાવવા કોંગ્રેસ પક્ષ સંઘર્ષ કરશે. સરકારની નિષ્ફળતા સામે જનતાનો અવાજ બની કોંગ્રેસ પક્ષ મોંઘવારીના આ રાક્ષસને નાથવા માટે લડત આપશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, શ્રી નાગજી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી પંકજ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રૂત્વિક જોષી, વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી પુષ્પાબેન વાઘેલા, શ્રી આશીષ જોશી, ડીબેટ પેનાલીસ્ટશ્રી મુકેશ પંચાલ સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
| મોંઘવારીનું ટેબલ | ||
| ઓક્ટોબર – ૨૦૨૬ | નવેમ્બર – ૨૦૨૬ | |
| રીટેલ મોંઘવારી | ૩.૫૮ % | ૪.૮૮ % |
| ઔદ્યોગિક ઉત્પાદન | ૩.૮% | ૨.૨% |
| શહેરી વિસ્તારમાં મોંઘવારી | ૩.૮૧% | ૪.૯% |
| ગ્રામીણ મોંઘવારી | ૩.૩૬ % | ૪.૭૯ % |
| ખાદ્ય મોંઘવારી | ૧.૯% | ૪.૪૨% |
| શાકભાજી | ૨૨.૪૮% વધારો | |
| મેન્યુફેક્ચરીંગ | ૩.૮% | ૨.૫% |
| ડબલ એન્જીનની સરકારમાં મોંઘવારીનો વિકાસ | |
| મહિનો | મોંધવારીનો વિકાસ |
| જાન્યુઆરી | ૧.૧૯ % |
| ફેબ્રુઆરી | ૨.૧૮ % |
| માર્ચ | ૩.૯૮ % |
| એપ્રિલ | ૮.૩૬ % |
| મે | ૯.૮૮ % |
| જુન | ૯.૯૭ % |
| જુલાઈ | ૯.૭૮ % |
| ઓગસ્ટ | ૯.૯૨ % |
| સપ્ટેમ્બર | ૧૧.૩૯ % |
| ઓક્ટોબર | ૧૨.૨૯ % |
| કઈ કેટેગરીમાં કેટલો વધારો | ||
| કેટેગરી | સપ્ટેમ્બર | ઓક્ટોબર |
| પ્રાઈમરી આર્ટિકલ્સ | ૮.૬૭ % | ૯.૨૪% |
| ફૂડ ઈન્ફલેશન | ૮.૬૬% | ૮.૫૮% |
| ફ્યુઅલ અને પાવર | ૨૫.૮૫% | ૩૨.૮૪% |
| મેન્યુફક્ચર્ડ પ્રોડક્ટસ | ૯.૭૬% | ૯.૫૪% |
| ફ્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ | ૫૭.૩૨% | ૭૦.૮% |
| મિનલર ઓઈલ | ૪૦.૦૨% | ૪૫.૫૭% |
| વીજ દર | -૦.૪૩% | ૮.૦૬% |
| બેઝિક મેટલ | ૧૬.૯૬ % | ૧૭.૨૧% |
| કેમિકલ અને ઉત્પાદનો | ૧૬.૭૪ % | ૧૭.૫૩% |