
રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી, સાંસદ શ્રી રણદિપસિંહ સુરજેવાલાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. મંત્રી અને સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, કાર્યકારી પ્રમુખશ્રી લલીત કગથરા, પૂર્વ સાંસદશ્રી વિક્રમ માડમ, જામનગર પ્રભારી અને પૂર્વ ધારાસભ્યશ્રી લલીતભાઈ વસોયા, જામનગર પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા તથા અન્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના જામનગરના અને રાજ્ય કક્ષાના વરિષ્ઠ પદાધિકારીઓ તથા જામનગર કોર્પોરેશન ઉમેદવારો, આમ આદમી પાર્ટીની નીતિઓથી ભ્રમિત થયેલા અને જનતાના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહેલી પાર્ટીથી નારાજ થઈને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઉપસ્થિત તમામ આગેવાનોને કોંગ્રેસ પક્ષનો પરંપરાગત તિરંગો ખેસ પહેરાવીને કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારા હંમેશાં કોઈપણ જાતિ, ધર્મ, ભાષા કે પ્રાંતના ભેદભાવ વિના સંવિધાન દ્વારા આપવામાં આવેલા અધિકારોની રક્ષા કરવા માટે કટીબદ્ધ રહી છે. દેશમાં દરેક નાગરિકને અન્યાય કે અત્યાચાર સામે રક્ષણ મળે અને સમાનતા સાથે આગળ વધવાની તક મળે તે જ કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારી શાસન, જુલમ અને લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે ત્યારે તેની સામે સૌ સાથે મળીને લડત આપશે અને જામનગરથી શરૂ થયેલી આ તાકાત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મજબૂતાઈથી પહોંચાડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. પક્ષમાં જોડાયેલા તમામ નવસંયુક્ત સભ્યોને પક્ષમાં પૂર્ણ માન-સન્માન અને સૈનિક તરીકે કામ કરવાની તક મળશે તેવી ખાત્રી આપીએ છીએ.
કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યા બાદ આપના પૂર્વ આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપ સરકારની લોકવિરોધી નીતિઓ સામે લડવા અને પ્રજાના અવાજને બુલંદ કરવા માટે માત્ર કોંગ્રેસ પક્ષને જ સક્ષમ વિકલ્પ માને છે. આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરશે.