ગુજરાત

SD PAY – અપના પે” મોબાઇલ એપ દ્વારા રૂ. ૧,૨૧૧ કરોડના ડિજિટલ પેમેન્ટ ફ્રોડ માટે સીધી રીતે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે. સામાન્ય અને મહેનતકશ ગુજરાતીઓ તથા દેશવાસીઓના પૈસા લૂંટીને હવે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારોએ મૌન ધારણ કરી લીધું છે.: સુરજેવાલા

             રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી, સાંસદ  રણદિપસિંહ સુરજેવાલાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં ધવલ પટેલ અને અન્ય વ્યક્તિઓ દ્વારા ઉત્તર ગુજરાતમાંથી “SD PAY – અપના પે” મોબાઇલ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી હતી, જેના માધ્યમથી ગુજરાતની જનતાને લૂંટવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

          “SD PAY – અપના પે” મોબાઇલ એપ્લિકેશનને ૧૫ લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૬માં પીડિતો દ્વારા અમરેલી જિલ્લામાં FIR નોંધાવવામાં આવી ત્યાં સુધીમાં ૬,૫૨,૮૩૧ સામાન્ય વ્યક્તિઓના બેંક ખાતામાંથી રૂ. ૧,૨૧૧ કરોડની છેતરપિંડી અને ગબન કરવામાં આવ્યું હતું. એવો અંદાજ છે કે જો સંપૂર્ણ તપાસ કરવામાં આવે તો આ છેતરપિંડીની રકમ રૂ. ૩,૦૦૦ કરોડથી પણ વધુ હોઈ શકે છે.

          વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં આ ફ્રોડ ઉત્તર ગુજરાતમાં ફેલાયો અને વર્ષ ૨૦૨૫થી ધવલ પટેલ–નરેન્દ્ર સિંહ ઝાલા તથા તેમના સાથીઓ તેને ગાંધીનગર લઈ આવ્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાત અને દેશમાં લૂંટનો આ સિલસિલો આગળ વધતો રહ્યો. લૂંટ કરવાની રીત એ જ જૂની હતી. સામાન્ય મહેનતકશ લોકોને પૈસા વધારવાની સ્કીમમાં લલચાવો અને તેમની આખી જિંદગીની કમાણી લૂંટી લો. ઉદાહરણ તરીકે, કોલેજમાં ભણતા એક યુવકની શિક્ષક માતા પાસેથી ઘર વેચાવીને રૂ. ૯.૫ લાખ ‘અપના પે’માં રોકાણ કરાવવામાં આવ્યા હતા.

          આ જ રીતે, સુરેન્દ્રનગરના એક સામાન્ય વ્યક્તિને છેતરીને તેના અને તેની ધર્મપત્નીના નામે રૂ. ૨૦-૨૦ લાખની લોન લેવડાવવામાં આવી તથા ઘરેણાં ગીરવે મૂકીને રૂ. ૨૦ લાખની બીજી લોન પણ લેવામાં આવી. આ રીતે કુલ રૂ. ૬૦ લાખ “SD PAY તથા અપના પે”માં રોકાણ કરાવવામાં આવ્યા. આજ સુધીમાં આ પ્રકારના ૬,૫૩,૦૦૦ સામાન્ય લોકો છે, જેમાંથી ૭૫ ટકા ગુજરાતના ભાઈ-બહેનો છે.

          આશ્ચર્યની વાત એ પણ હતી કે “SD PAY – અપના પે” ચલાવનારા ફ્રોડ કરનારા લોકોનું જૂથ ક્યારેક પોતાને રાષ્ટ્રવાદી પ્રોજેક્ટ તરીકે રજૂ કરતું અને ક્યારેક એવું દર્શાવવાની કોશિશ કરતું કે “SD PAY – અપના પે”ને સરકાર સાથે સંબંધ છે. લૂંટની આ ખુલ્લી રમત વર્ષ ૨૦૨૪થી ચાલી રહી હતી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર હોય કે મોદી સરકાર, બંને આંખો બંધ કરીને બેઠાં રહ્યાં.

          પીડિતો દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર તથા દેશના અલગ-અલગ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૧૮ FIR નોંધાવવામાં આવી છે, જેમાંથી ૧૩ FIR ગુજરાતમાં છે.

          ૬,૫૩,૦૦૦ લોકોના રૂ. ૧,૨૧૧ કરોડ (જે એક અંદાજ મુજબ રૂ. ૩,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે)ના પૈસાની લૂંટ થઈ હોવા છતાં મોદી સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકારે મૌન સાધી રાખ્યું છે. જ્યારે ૬,૫૩,૦૦૦ પરિવારો દર-દરની ઠોકરો ખાઈ રહ્યા છે અને તેમની મહેનતની કમાણીનો કોઈ અતોપતો નથી.

છદ્મ રાષ્ટ્રવાદની આડમાં થયેલા “SD PAY – અપના પે” ફ્રોડ અંગે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારોને જનતાના સીધા સવાલો:

૧.    જ્યારે ૩ વર્ષ સુધી ગુજરાતની જનતા અને દેશવાસીઓ સાથે ખુલ્લેઆમ આ ફ્રોડ થઈ રહ્યો હતો, ત્યારે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારો શા માટે ઊંઘતી રહી?

૨.    શું આ રીતે જનતા સાથે ફ્રોડ કરનારી મોબાઇલ એપ પર નજર રાખવાની અને તેની તપાસ કરવાની જવાબદારી મોદી સરકાર – ભૂપેન્દ્ર પટેલ સરકારની નહોતી?

        શું આ માટે નીચેની વ્યવસ્થાઓની જવાબદારી નહોતી?

– રેગ્યુલેટરી ઓવરસાઇટ (નિયમનકારી દેખરેખ)

– બેંકિંગ સુપરવિઝન (બેંકિંગ દેખરેખ)

– ડિજિટલ પેમેન્ટ રેગ્યુલેશન / કંટ્રોલ

– ઇન્વેસ્ટર પ્રોટેક્શન (રોકાણકારોનું રક્ષણ)

– શંકાસ્પદ લેવડદેવડ પર નજર રાખવી અને તેની તપાસ કરવી.

૩.    “SD PAY – અપના પે” જેવી મોબાઇલ એપ ચલાવવા માટે RBI – કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી લાઇસન્સ લેવું અનિવાર્ય છે. કેન્દ્રની ભાજપ સરકાર અને RBIએ “SD PAY – અપના પે”ને લાઇસન્સ કેવી રીતે આપ્યું? ગુજરાતની કઈ વ્યક્તિની ભલામણ પર આ લાઇસન્સ આપવામાં આવ્યું? અને ત્રણ વર્ષ સુધી આ ડિજિટલ એપ દ્વારા ગુજરાતમાં થઈ રહેલા ફ્રોડની માહિતી કેન્દ્રની ભાજપ સરકાર અને RBIને કેમ ન મળી?

૪.    જ્યારે “SD PAY – અપના પે” દ્વારા ઉત્તર ગુજરાત બાદ સમગ્ર ગુજરાત તથા દેશના અલગ-અલગ વિસ્તારોમાં આ ફ્રોડ થઈ રહ્યો હતો, ત્યારે મોદી સરકારની નેશનલ સાઇબર ક્રાઇમ બ્યુરો – CBI – સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ – ED – IB વગેરે સંપૂર્ણપણે આંખો મીંચીને શા માટે બેઠાં હતાં?

૫.    “SD PAY – અપના પે” ચલાવનારા અને લૂંટ કરનારા લોકો અમદાવાદમાં બેસીને સેમિનાર કરી રહ્યા હતા, પ્રમોશન કેમ્પેઇન ચલાવી રહ્યા હતા, ખૂબ મોટા માર્કેટિંગ કેમ્પેઇન ચલાવી રહ્યા હતા અને લોકોના પૈસા લૂંટી રહ્યા હતા, તો ગુજરાતની ભાજપ સરકારની નાકની નીચે આ ફ્રોડ થઈ રહ્યો હોવા છતાં તેની જાણ શા માટે ન થઈ?

        શું કોઈ મોટો વ્યક્તિ જનતા સાથે છેતરપિંડી કરનારી આ મોબાઇલ એપને સંરક્ષણ આપી રહ્યો હતો?

૬.    શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોદી સરકાર જણાવશે કે ૬,૫૩,૦૦૦ લોકોના રૂ. ૧,૨૧૧ કરોડ કે તેનાથી વધુની રકમ, જે બેંકિંગ ચેનલોમાંથી ગાયબ થઈ ગઈ છે, તે પૈસા આખરે ક્યાં છે?

        શું આ પૈસા કોઈના બેંક ખાતામાં છે? શું આ પૈસાથી ચલ કે અચલ સંપત્તિ, ગાડીઓ, રોકાણ, શેર વગેરે ખરીદવામાં આવ્યાં છે? શું આ બધી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે? શું મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ અંગે જવાબ આપશે?

૭.    જ્યારે ગુજરાતમાં ૧૩ FIR નોંધાઈ છે અને બાકીની FIR દેશના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાઈ છે, ત્યારે “SD PAY – અપના પે” મોબાઇલ એપ દ્વારા એકથી વધુ રાજ્યોમાં ગુનો થયો છે. આવી સ્થિતિમાં તપાસ માત્ર અમરેલી કે સુરેન્દ્રનગર પોલીસ કેવી રીતે કરી શકશે?

        શું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આ તપાસ CBIને સોંપી ત્રણ મહિનામાં પૂર્ણ કરવી જોઈતી નહોતી?

        શું આ સમગ્ર મામલો મની લોન્ડરિંગનો નથી? શું EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવો જોઈતો નહોતો? શું સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) દ્વારા કેસ નોંધવામાં આવવો જોઈતો નહોતો?

        શું ગુજરાત સરકારે જાણીજોઈને આ તમામ તથ્યો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા નહોતા કે પછી કેન્દ્ર સરકારે જ કોઈ કારણોસર કાર્યવાહી કરી નહોતી? શું કોઈ મોટો વ્યક્તિ “SD PAY – અપના પે”ના લૂંટારાઓને બચાવી રહ્યો નથી?

૮.    શું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરી છે કે જેના દ્વારા ફ્રોડનો ભોગ બનેલા આ ૬,૫૩,૦૦૦ લોકોના દાવા એકત્રિત કરી શકાય?

        શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્ર સરકારે આ તમામ પીડિતોના દાવા મેળવવા માટે કોઈ પોર્ટલ બનાવ્યું છે? જો આવું કરવામાં આવ્યું નથી, તો શા માટે કરવામાં આવ્યું નથી?

૯.    શું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એક વિશેષ ફંડ બનાવીને એ તમામ મહેનતકશ લોકોના પૈસા પાછા આપશે, જેમની પાસેથી “SD PAY – અપના પે” દ્વારા રૂ. ૧,૨૧૧ કરોડ કે તેનાથી વધુની લૂંટ કરવામાં આવી છે?

        શું ગુજરાતના લોકો અને દેશવાસીઓ પ્રત્યે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની આ જવાબદારી નથી?

૧૦.  શું ગુજરાત સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર ગુજરાત તથા દેશમાં ચાલી રહેલી આવી અન્ય મોબાઇલ એપ્લિકેશનોની તપાસ કરવાનો આદેશ આપશે, જેથી ભવિષ્યમાં લાખો-કરોડો લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી અને લૂંટ ન થાય?

          આર્થિક ગુન્હેગારોને મોકળા મેદાનથી ગુજરાતના નાગરિકો લુંટાઈ રહ્યાં છે ત્યારે ભોગ બનેલા નાગરિકોને ન્યાય મળે તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોભામણી સ્કીમના નામે લોકોને વારંવાર લૂંટવામાં આવી રહ્યા છે. એક તરફ ડિજિટલ ટેક્નોલોજીની વાત કરવામાં આવે. અમે ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમને રોકવા માટે અનેક પગલાં લીધા છે એવી જાહેરાતો કરવામાં આવે. રાજ્યના ગૃહમંત્રી વારંવાર કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી રીલ્સો બનાવતા હોય. પણ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જે આવા ફ્રોડ કરવાવાળા એ સાબરકાંઠાના જે બનાવો બન્યા અને એ વખતે રાજ્ય સરકારના મંત્રીઓની સાથે એમનો કેટલો ઘરોબો હતો એ હકીકત તો આપણે બધાએ જોઈ છે. એ જ રીતે આ એસ.ડી.પે.માં જે પણ પરિવારો લૂંટાયા છે, જેને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો, જેના માટે સરકાર આજે પણ ઊંઘે છે કાં તો ઢાંકપિછોડો કરે છે, સમર્થન કરે છે, એમના જે મળતિયાઓ છે એને બચાવે છે, એવા તમામ લોકો સામે સુરજેવાલાજીએ જણાવ્યું છે તેમ કોંગ્રેસ પક્ષ કોર્ટ રાહે પણ લડીશું. લોકોના ઘેર ઘેર જઈને એમનું જે દર્દ, પીડા અને તકલીફ છે એને પણ ઉજાગર કરીશું અને ભોગ બનેલા બધા જ પરિવારોને સાથે લઈ સરકાર સમક્ષ રજુઆત કરશું અને જો ન્યાય નહીં આપે, એના પૈસા પાછા નહીં અપાવે, તો એને ન્યાય માટેની તમામ લડત કોંગ્રેસ પક્ષ લડશે અને એના માટે આજે શરૂઆત થઈ છે. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને જાણીતા એડવોકેટ ડૉ. અમીબેન યાજ્ઞિક એના માટેની કાયદાકીય પ્રક્રિયાઓમાં પણ આગળ વધશે અને કોંગ્રેસ પક્ષ પણ આવા પરિવારોને મળી અને રાજીવ ગાંધી ભવનમાં આમંત્રિત કરીને એમના જે તકલીફ છે અને એમની જે આ લૂંટ થઈ છે એમાંથી એમને ન્યાય મળે, એમના પૈસા પાછા મળે એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

          આજની વિશેષ પત્રકાર પરિષદમાં એ.આઈ.સી.સી.ના મંત્રી શ્રી રામકિશન ઓઝા, સી.ઈ.સી. મેમ્બર ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. નિદત્ત બારોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઇ

GUJARAT NEWS DESK TEAM

શું આ રીતે ભણશે ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

જે ધારાસભ્યોને ફોન આવ્યાં તેમની યાદી

GUJARAT NEWS DESK TEAM

વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફરી એકવાર મુખ્યમંત્રીને કરી અપીલ

GUJARAT NEWS DESK TEAM

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment