
‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સંકલ્પ સાથે 1977થી સમાજ સેવાના ક્ષેત્રમાં સતત કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશને તેની પાંચ દાયકાની સેવાયાત્રાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર, ચિંતક અને કટારલેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન ડૉ. શશાંક પંડ્યા અને ડૉ. શેફાલી દેસાઈની નિઃસ્વાર્થ અને અવિરત તબીબી સેવાઓ બદલ પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી સીએ આર. એસ. પટેલે જાહેરાત કરી હતી કે આશીર્વાદ ફાઉન્ડેશનના 50માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે માનવતાની સેવાના સંકલ્પને વધુ આગળ વધારવા માટે હવે રાહત દરે બ્રેસ્ટ કેન્સર બાયોપ્સી રિપોર્ટ પણ શરૂ કરવામાં આવશે.
આશીર્વાદ ફાઉન્ડેશનની 50 વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા માનવતાની આટલી લાંબી સેવાથી દર્દીઓને જે મદદ મળે છે, તેનાથી સેવા આપતા માનવતાવાદી કાર્યકરોના હૃદય પવિત્ર બને છે અને તેની ઊર્જા સમાજ માટે આવી સેવાને આગળ ધપાવવાની પ્રેરણા બને છે.
પ્રમુખ સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે આશીર્વાદ ફાઉન્ડેશનને ‘AAA’ એટલે કે ‘આશીર્વાદ ઓલ્વેઝ અહેડ’ (આશીર્વાદ હંમેશા અગ્રેસર) તરીકે ઓળખવામાં આવે છે:
- આશીર્વાદ ફાઉન્ડેશને અગ્રેસર બની તેમની ફાર્મસી શોપમાં વોકિંગ દર્દીઓને સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ પર 20% ડિસ્કાઉન્ટ અને સંસ્થાના ડાયગ્નોસ્ટિક દર્દીઓને 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
- ફાઉન્ડેશને અગ્રેસર બની ધોરણ 12 ‘બી’ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ‘કેરિયર ઇન મેડિસિન’ કાર્યક્રમ શરૂ કર્યો હતો.
- ફાઉન્ડેશને અગ્રેસર બની માત્ર રૂ. 5/- ના ટોકન દરે 24 કલાકના રોકાણ માટે ગેસ્ટ હાઉસ શરૂ કર્યું હતું.
- ફાઉન્ડેશને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અગ્રેસર બની કોવિડ રસી માટે ‘ડ્રાઇવ-થ્રુ વેક્સિનેશન’ સેવાઓ વિનામૂલ્યે આપી.
- ફાઉન્ડેશને અગ્રેસર બની કોવિડ લોકડાઉનના પ્રથમ મહિનામાં સૌપ્રથમવાર 1 લાખ સેનિટાઇઝર ટ્યુબ વિનામૂલ્યે વહેંચી.
- ફાઉન્ડેશને સમગ્ર ભારતમાં સૌપ્રથમ ‘વોક ફોર હર’ (WALK for HER) ઇવેન્ટ શરૂ કરી હતી, જે અંતર્ગત લોકોને વિશ્વ મહિલા દિવસના સપ્તાહ દરમિયાન ચાલવા માટે વિનંતી કરવામાં આવી હતી અને ચાલેલા ડગલાં (સ્ટેપ્સ) સાથે મફત બ્રેસ્ટ કેન્સર ચેકઅપને જોડવામાં આવ્યું હતું.