રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠક માટેની ચૂંટણીને લઈને આજે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સહિતના હોદ્દેદારો સાથે ઉમેદવારોની બેઠક યોજાઇ હતી. આવતીકાલે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારો વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં બપોરે ૧૨:૩૯ કલાકે પોતાની ઉમેદવારી નોંધાવશે.રાજયસભામાં ગુજરાતની ચાર બેઠકના ઉમેદવારોની મુદત આગામી તા. ૨૧-૦૬-૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે. જેને લઈને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચાર સહિતના ૧૦ રાજયોની ૨૪ બેઠકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેના અંતર્ગત તા. ૮મી જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. જેને લઈને આજે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેયની ઉપસ્થિતિમાં ચારેય ઉમેદવારો અને ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોના ટેકેદારોની સહી લેવામાં આવી હતી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યસભાના ઉમેદવારો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેય તેમજ અન્ય મહામંત્રીઓ સાથે ઉમેદવારોની વધુ એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉમેદવારોના કાનૂની દસ્તાવેજો તેમજ ટેકેદારોના જરૂરી કાગળોની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાજપના રાજ્યસભા ચારેય ઉમેદવારો આવતીકાલે બપોરે ૧૨:૩૯ કલાકે ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેય તેમજ ટેકેદાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.