ગુજરાત

સરકારી સ્વચ્છતા સર્વેક્ષણના દાવાઓની પોલ ખોલવા કોંગ્રેસ દ્વારા  જનભાગીદારીથી ‘વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ’ QR કોડ લોન્ચ

સરકારી સ્વચ્છતા સર્વેક્ષણના દાવાઓની પોલ ખોલવા કોંગ્રેસ દ્વારા
જનભાગીદારીથી ‘વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ’ QR કોડ લોન્ચ
• સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડની ઉજવણી કરતા પહેલાં અમદાવાદ, સુરત અને વડોદરાની જમીની હકીકતનો હિસાબ આપો :  ડૉ. મનિષ દોશી
• સ્વચ્છતા સર્વેક્ષણ” કાગળ પરના ‘ચસકા અને ભ્રષ્ટાચારથી ધન કમાવાના નુસખા’ : હેમાંગ રાવલ
• એવોર્ડના ઢોલ-નગારાં વચ્ચે શહેરોની ગંદકી, પ્રદૂષણ અને જાહેર સુવિધાઓની દયનીય સ્થિતિનો જવાબ કોણ આપશે?  :
ડૉ. હિરેન બેન્કર
• સફાઈ કર્મચારીઓની મહેનતને રાજકીય પ્રસિદ્ધિનું સાધન બનાવવાને બદલે સર્વેક્ષણના આંકડા અને ખર્ચનો હિસાબ જાહેર કરો. : ડૉ. પાર્થિવરાજ કઠવાડિયા
• સ્વચ્છતા એવોર્ડ ને મોહતાજ નથી, નાગરિકનો મૂળભૂત અધિકાર છે. : ડૉ. અમિત નાયક
• શૌચાલયોના સર્વે, ડિઝાઇન અને કોન્ટ્રાક્ટ પાછળના ખર્ચનો હિસાબ જાહેર કરો, ટેન્ડર પ્રક્રિયાની વિગતો આપો:નિશાંત રાવલ
• સામાન્ય નાગરિકનો સ્વાભાવિક પ્રશ્ન છે કે આ સ્વચ્છતા શહેરના દરેક વિસ્તારમાં કેમ દેખાતી નથી? : નાગજી દેસાઈ
• સ્વચ્છતા સર્વેક્ષણ અને જાહેર શૌચાલયોના વિકાસના નામે થતા ખર્ચ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે : મુકેશ પંચાલ
• જાહેર સુવિધાઓના વિકાસ પાછળ થયેલા ખર્ચ, ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટ ફાળવણી અને ચૂકવણીઓની વિગતો જાહેર કરવામાં આવે : રમેશ વોરા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૫-૨૬નાં પરિણામો જાહેર થયાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સહિતનાં શહેરોની સિદ્ધિઓનાં ઢોલ-નગારાં વગાડવામાં આવી રહ્યાં છે. સત્તાધારી પક્ષના નેતાઓ આ પરિણામોને પોતાની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે એવોર્ડ અને રેન્કિંગના આંકડાઓની પાછળ શહેરોની વાસ્તવિક સ્થિતિ કેટલી સ્વચ્છ છે? શું સામાન્ય નાગરિકને ખરેખર સ્વચ્છ હવા, સ્વચ્છ રસ્તા, યોગ્ય કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ જાહેર શૌચાલયોની સુવિધા મળી રહી છે? કે પછી સ્વચ્છતાના નામે કાગળ પર આંકડાઓની રમત અને પ્રચારનું મોટું તંત્ર ઊભું કરવામાં આવ્યું છે?
સૌપ્રથમ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આપણા સફાઈ કર્મચારીઓની મહેનત સામે કોઈને જરા પણ શંકા નથી. તડકો હોય કે વરસાદ, વહેલી સવારથી મોડી સાંજ સુધી તેઓ શહેરને સ્વચ્છ રાખવા માટે અથાક પરિશ્રમ કરે છે. તેમની નિષ્ઠા અને સેવા વંદનને પાત્ર છે. પરંતુ સફાઈ કર્મચારીઓની આ મહેનતની આડમાં જો રાજકીય પ્રચાર, વહીવટી બેદરકારી અને કોન્ટ્રાક્ટરોના હિતોનું રક્ષણ થતું હોય તો તેની જવાબદારી કોની? કર્મચારીઓની મહેનતને સરકારની સિદ્ધિ તરીકે રજૂ કરતાં પહેલાં તેમના કામની યોગ્ય પરિસ્થિતિ, સાધનો, સુરક્ષા અને ન્યાયસંગત વ્યવસ્થાની પણ ચર્ચા થવી જોઈએ.
જો અમદાવાદ અને સુરત જેવા શહેરોને સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશનાં અગ્રણી શહેરો તરીકે રજૂ કરવામાં આવતાં હોય, તો સામાન્ય નાગરિકનો સ્વાભાવિક પ્રશ્ન છે કે આ સ્વચ્છતા શહેરના દરેક વિસ્તારમાં કેમ દેખાતી નથી? ખરેખર શહેર સ્વચ્છ હોય તો માત્ર સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે કે વીવીઆઈપી વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના દરેક વોર્ડ, દરેક સોસાયટી અને દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સ્વચ્છતા દેખાવી જોઈએ. અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટની આસપાસના વિસ્તારોની સ્થિતિ આજે પણ ગંભીર ચિંતાનો વિષય છે. પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, સેટેલાઇટ, દાણીલીમડા અને નારોલ સહિતના વિસ્તારોમાં કચરો, દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યાઓ અંગે સ્થાનિક નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે. રહેવાસીઓની ફરિયાદો મુજબ દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે ઘરોમાં એસી ચલાવવું પણ મુશ્કેલ બને છે અને એસીના ફિલ્ટર તથા મશીનરી પર તેની અસર અને ગેસ ઊડી જતો હોવાની ફરિયાદો છે. જે શહેરના નાગરિકોને સ્વચ્છ હવા માટે સંઘર્ષ કરવો પડે, ત્યાં સ્વચ્છતાના નંબર અને એવોર્ડનો અર્થ શું રહે છે?
સ્વચ્છતાનું મૂલ્યાંકન માત્ર રસ્તા પરનો કચરો ઉઠાવવામાં આવ્યો કે નહીં તેના આધારે થઈ શકે નહીં. હવાની ગુણવત્તા, ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા નાગરિકોનું સ્વાસ્થ્ય, ગંદા પાણીનો નિકાલ, ગટર વ્યવસ્થા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને પણ એટલું જ મહત્ત્વ મળવું જોઈએ. શહેરના એક છેડે એવોર્ડની ઉજવણી થતી હોય અને બીજા છેડે નાગરિકો દુર્ગંધ અને પ્રદૂષણથી પરેશાન હોય તો આ બે વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત સમજાવવો સરકારની જવાબદારી છે.
સ્વચ્છતા સર્વેક્ષણની વિશ્વસનીયતા અંગે સૌથી મહત્ત્વનો સવાલ તેની માહિતી એકત્ર કરવાની અને તેની ચકાસણી કરવાની પદ્ધતિનો છે. નાગરિકોના પ્રતિસાદને સર્વેક્ષણમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ખરેખર કેટલા નાગરિકોએ પ્રતિસાદ આપ્યો? કેટલા પ્રતિસાદ ઓનલાઇન મળ્યા? કેટલા QR કોડ દ્વારા નોંધાયા? કેટલા સ્વચ્છતા એપ્લિકેશન અથવા અન્ય માધ્યમોથી મળ્યા? આ તમામ વિગતો જાહેર થવી જોઈએ. સરકારના સત્તાવાર આંકડા મુજબ ૨૦૨૫-૨૬ના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં ૪,૭૫૧ શહેરોનો સમાવેશ થયો હતો અને સમગ્ર દેશમાં આશરે ૨.૭ કરોડ નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો. સર્વેક્ષણમાં ૪૩ માપદંડો અને ૧૦ ક્ષેત્રોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે ૩,૦૦૦થી વધુ તાલીમબદ્ધ એસેસર્સે મેદાની ચકાસણી કરી હતી. પરંતુ આ રાષ્ટ્રીય આંકડાઓથી ગુજરાતનાં શહેરોમાં નાગરિકોની ભાગીદારી કેટલી હતી તેનો જવાબ મળતો નથી.
અમદાવાદ, સુરત અને વડોદરામાંથી કેટલા નાગરિકોએ પ્રતિસાદ આપ્યો તેની શહેરવાર વિગતો જાહેર થવી જોઈએ. આ પ્રતિસાદ શહેરની કુલ વસ્તીની સરખામણીએ કેટલા ટકા થાય છે? એક જ વ્યક્તિએ વારંવાર પ્રતિસાદ આપ્યો હોય તો તેની ઓળખ કેવી રીતે ચકાસવામાં આવી? અલગ-અલગ માધ્યમો દ્વારા મળેલા પ્રતિસાદનું પ્રમાણ કેટલું હતું? પ્રતિસાદ આપનાર નાગરિકો ખરેખર તે જ શહેરના રહેવાસી છે તેની ખાતરી કેવી રીતે કરવામાં આવી? આ સવાલોના જવાબ વિના માત્ર કુલ પ્રતિસાદની સંખ્યા બતાવીને સર્વેક્ષણની વિશ્વસનીયતા સાબિત કરી શકાય નહીં. મોબાઇલ નંબર અથવા OTP આધારિત લોગિનથી પ્રતિસાદ નોંધાવવાની વ્યવસ્થામાં નાગરિકની ઓળખ અને પ્રતિસાદની પ્રામાણિકતા ચકાસવા માટે કયા સુરક્ષા માપદંડો અપનાવવામાં આવ્યા હતા તે પણ જાહેર કરવું જોઈએ. આધારકાર્ડ ફરજિયાત ન હોવું એ પોતે ગેરરીતિનો પુરાવો નથી, પરંતુ ડુપ્લિકેટ કે બિનઅધિકૃત પ્રતિસાદ અટકાવવા માટે કઈ વ્યવસ્થા હતી તે જાણવાનો નાગરિકોને પૂરો અધિકાર છે.
સર્વેક્ષણમાં નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે QR કોડ, સ્વચ્છતા એપ્લિકેશન અને અન્ય ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ થયો છે. કેટલાક સ્થળોએ સ્વચ્છતા કર્મચારીઓ, વોર્ડ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકો સુધી QR કોડ પહોંચાડવામાં આવ્યા હોવાના અહેવાલો પણ આવ્યા છે. આવી સ્થિતિમાં પ્રતિસાદ સ્વતંત્ર રીતે નોંધાયો હતો કે સ્થાનિક તંત્રના પ્રભાવ હેઠળ નોંધાયો હતો તેની ચકાસણી પણ જરૂરી છે. નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવવો અને તે પ્રતિસાદની સ્વતંત્રતા તથા વિશ્વસનીયતા જાળવવી એ બે અલગ બાબતો છે. સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં માત્ર ૩,૦૦૦ જેટલા તાલીમબદ્ધ એસેસર્સ દ્વારા મેદાની મૂલ્યાંકન કરવામાં આવ્યું હોવાનું સરકાર કહે છે. આ આંકડો નાગરિકોના સેમ્પલનો નથી, પરંતુ મૂલ્યાંકન કરનારા લોકોનો છે. તેથી પ્રશ્ન એ છે કે આ એસેસર્સને કયા વિસ્તારોની મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા? દરેક શહેરમાં કેટલા સ્થળોનું નિરીક્ષણ થયું? કયા વોર્ડમાંથી કેટલા નમૂના લેવામાં આવ્યા? કયા સ્થળોની પસંદગી કરવામાં આવી અને તેની પસંદગીના માપદંડો શું હતા?
માત્ર પસંદગીના રસ્તાઓ, મુખ્ય વિસ્તારો કે સુંદર રીતે તૈયાર કરાયેલા સ્થળોની મુલાકાત લઈને આખા શહેરની સ્વચ્છતાનું મૂલ્યાંકન ન થવું જોઈએ. દરેક વોર્ડ, આંતરિક રસ્તાઓ, ગીચ વસાહતો, ઝૂંપડપટ્ટીઓ, ઔદ્યોગિક વિસ્તારો, ડમ્પિંગ સાઇટની આસપાસના વિસ્તારો અને જાહેર શૌચાલયોની સ્થિતિનો પણ સમાવેશ થવો જોઈએ. મૂલ્યાંકન દરમિયાન GPS આધારિત સ્થળ નોંધણી અને ડિજિટલ ચકાસણીનો ઉપયોગ થયો હોય તો તેનાં રેકોર્ડ પણ જાહેર કરવા જોઈએ. બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોની સ્થિતિ અને તેમની અલગ-અલગ કેટેગરીમાં થયેલી કામગીરી અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે. કયા શહેરને કઈ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું, કયા શહેરે કઈ શરતો પૂર્ણ કરી અને કયા માપદંડોના આધારે અંતિમ ક્રમ નક્કી થયો તેની સંપૂર્ણ માહિતી જાહેર થવી જોઈએ. શહેરોની સરખામણી માત્ર રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, પરંતુ સમાન માપદંડો અને પારદર્શક આંકડાઓના આધારે થવી જોઈએ.
આ વર્ષે જાહેર થયેલા પરિણામોમાં અલગ-અલગ કેટેગરી છે. અમદાવાદ અને સાણંદને ‘સ્વચ્છ શહેર જોડી’ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. સુરત ‘સુપર સ્વચ્છ લીગ’માં ટોચનાં ત્રણ શહેરોમાં સામેલ છે. વડોદરાને ‘સ્ટેટ ફર્સ્ટ સ્વચ્છ સિટી’ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ અલગ-અલગ કેટેગરીના પરિણામો છે. તેને એક જ પ્રકારની રાષ્ટ્રીય રેન્કિંગ ગણાવીને અમદાવાદ, સુરત કે વડોદરા આખા દેશમાં નંબર વન બની ગયાં છે એવો પ્રચાર કરવો યોગ્ય નથી. સ્વચ્છ શહેર જોડીમાં અમદાવાદ અને સાણંદનું સંયુક્ત મૂલ્યાંકન થયું છે. એટલે આ પરિણામને અમદાવાદ એકલા શહેરની રાષ્ટ્રીય પ્રથમ ક્રમાંકની સિદ્ધિ તરીકે રજૂ કરી શકાય નહીં. તેવી જ રીતે સુરતની સુપર સ્વચ્છ લીગમાં ટોચનાં ત્રણ શહેરોમાં હાજરી અને વડોદરાની રાજ્ય સ્તરની કેટેગરીમાં મળેલી સિદ્ધિને તેની પોતાની કેટેગરીના સંદર્ભમાં જ રજૂ કરવી જોઈએ. સરકાર એવોર્ડની ઉજવણી કરે તે સામે વાંધો નથી, પરંતુ પ્રજાને ગેરમાર્ગે દોરે તેવી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત સામે ચોક્કસ વાંધો છે.
શાસકો દાવો કરે છે કે ઘરે-ઘરેથી ભીનો અને સૂકો કચરો અલગ-અલગ લેવામાં આવે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોનો અનુભવ અલગ છે. મ્યુનિસિપાલિટીની કચરાની ગાડીઓમાં જ ભીનો અને સૂકો કચરો એક જ જગ્યાએ ભેગો કરવામાં આવતો હોવાની ફરિયાદો છે. જો નાગરિકો ઘરમાં કચરાનું વર્ગીકરણ કરે અને કચરો લઈ જતી વખતે તંત્ર જ તેને એકસાથે ભેળવી દે, તો પછી આ વ્યવસ્થાનો અર્થ શું? કચરાનું વર્ગીકરણ માત્ર ઘરેથી કચરો લેતી વખતે નહીં, પરંતુ તેના પરિવહન, પ્રોસેસિંગ અને અંતિમ નિકાલ સુધી જળવાઈ રહેવું જોઈએ. કચરો લેવા આવતી ગાડીમાં પણ ઉપરથી બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે (ભીના અને સૂકા કચરા માટે) પરંતુ અંદર કચરોએ જગ્યાએ જતો હોય છે. શહેરમાં દરરોજ કેટલો કચરો ઉત્પન્ન થાય છે? તેમાંથી કેટલો ભીનો અને કેટલો સૂકો છે? કેટલો કચરો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ થાય છે? કેટલો કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચે છે? કેટલો કચરો રિસાયકલ થાય છે? આ આંકડાઓ જાહેર થવા જોઈએ. માત્ર ગાડીઓની સંખ્યા અને કચરો ઉઠાવવાના દાવાથી સ્વચ્છતા સાબિત થતી નથી.
શહેરના જાહેર શૌચાલયોની સ્વચ્છતાના દાવા કેટલા સાચા છે તે જાણવા માટે કોઈ મોટા સરકારી અહેવાલની જરૂર નથી. પાલડી ચાર રસ્તા પાસે એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં આવેલું જાહેર શૌચાલય હોય કે જીવરાજ પાર્કનું જાહેર શૌચાલય, અમદાવાદ વડોદરા સુરત સહિતના શહેરો સ્થિતિનો નાગરિકોને સીધો અનુભવ છે. ઘણી જગ્યાએ સફાઈ, પાણી, દુર્ગંધ અને જાળવણીની સ્થિતિ એવી હોય છે કે સામાન્ય નાગરિક તો ઠીક, મહિલાઓ માટે પણ તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. વિપક્ષ તરીકે અમારી ખુલ્લી ચેલેન્જ છે કે ભાજપના પદાધિકારીઓ અમારી સાથે જાહેર શૌચાલયની મુલાકાત લઈને અને ત્યાંની વાસ્તવિક સ્થિતિ જુએ. માત્ર એવોર્ડ સમારંભમાં ફોટા પડાવવાથી શહેર સ્વચ્છ બનતું નથી. જાહેર શૌચાલયોની નિયમિત સફાઈ, પાણીની ઉપલબ્ધતા, મહિલાઓ માટેની સુવિધા અને જાળવણીની જવાબદારી નક્કી થવી જોઈએ. સર્વેક્ષણમાં જાહેર શૌચાલયોની સ્થિતિ, સફાઈ અને જાળવણીને મહત્ત્વ આપવામાં આવતું હોય તો અમદાવાદ, સુરત અને વડોદરાનાં જાહેર શૌચાલયોની સ્થળવાર યાદી, તેમની સફાઈનું સમયપત્રક, જાળવણી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને ફરિયાદોના નિકાલની વિગતો પણ જાહેર કરવી જોઈએ.
તાજેતરમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે જુદી જુદી આઠ કેટેગરી માટે રીલ અને જીંગલ બનાવવા માટે મોટા પાયે વ્યાપક જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ આ આઠ કેટેગરીના કુલ 48 ઇનામો માટે માત્ર 33 પ્રતિયોગીએ ભાગ લીધો હતો અંતે આ સ્વચ્છતા માટેની સ્પર્ધા રદ કરવામાં આવી હતી આ જ બતાવે છે કે સ્વચ્છતા પ્રત્યેના સરકારી અભિગમ સંપૂર્ણ નિષ્ફળ ગય…

Related posts

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારે, ૧૩ જિલ્લામાં વરસાદની આગાહી

ગાંધીનગરની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા અને સંચાલકો દ્વારા પરિવાર ને ધમકી આપવામાં આવી: AAP પોલ ખોલ ટીમ

GUJARAT NEWS DESK TEAM

ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અનોખો પ્રયાસ

કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક ઃમનહર પટેલ

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment