
અમદાવાદ અને તિરુવનંતપુરમ શહેરો વચ્ચે Twin City MoU કરવાની દિશામાં આગળ વધતાં તિરુવનંતપુરમના મેયરશ્રી એડવોકેટ વી. વી. રાજેશ સહિત 8 સભ્યોનું પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. ગત તા. 15 ઓક્ટોબરના રોજ બંને શહેરો વચ્ચે MoU અંગે થયેલી મુલાકાત દરમિયાન અમદાવાદ મેયર શ્રી હિતેશભાઇ બારોટ તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા આ અંગે સકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દાણાપીઠ ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મેયરશ્રી હિતેશભાઈ બારોટ,ડેપ્યુટી મેયર શ્રી અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી મમતાબેન હિરપરા અને શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર દ્વારા તિરુવનંતપુરમના મેયરશ્રી એડવોકેટ વી.વી.રાજેશના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ કમિટી ચેરપર્સન શ્રી એમ.આર. ગોપન, કોર્પોરેશન સેક્રેટરી શ્રી મુહમ્મદ શફી, ફાઈનાન્સ કમિટી મેમ્બર એડવોકેટ ગિરીકુમાર, હેલ્થ ઓફિસર ડૉ. ગોપકુમાર અને ક્લીન સિટી મેનેજર શ્રી સુજિત સુધાકર ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા મ્યુનિસિપલ બોન્ડ, મ્યુનિસિપલ ફાઈનાન્સ, વેસ્ટ સેગ્રેગેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, STP, WTP તથા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી નાણાંકીય સંસાધનો ઊભા કરવાની પ્રક્રિયા અંગે પણ પ્રતિનિધિમંડળને જાણકારી આપવામાં આવી હતી.
ત્યારબાદ તિરુવનંતપુરમના મેયરશ્રી અને પ્રતિનિધિમંડળે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને શહેરો વચ્ચે Twin City MoUના અનુસંધાને શહેરી વિકાસ, મ્યુનિસિપલ સેવાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહકાર તથા શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ, સેગ્રેગેશન પ્લાન્ટ તેમજ લિક્વિડ અને સોલિડ વેસ્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લઈ અમદાવાદની કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા અને પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. દિવસના અંતિમ તબક્કામાં પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને રિવર વોક-વેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ, જાહેર સુવિધાઓ અને શહેરી આયોજન અંગે માહિતી મેળવી હતી.
તિરુવનંતપુરમના પ્રતિનિધિમંડળની આ મુલાકાતથી બંને શહેરો વચ્ચે મ્યુનિસિપલ ગવર્નન્સ, નાણાંકીય વ્યવસ્થાપન, વેસ્ટ મેનેજમેન્ટ, પાણી વ્યવસ્થાપન, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ ક્ષેત્રે પરસ્પર જ્ઞાન તથા શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને વધુ વેગ મળવાની અપેક્ષા છે.