
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ગાંધીનગરમાં ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન અને વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખો યુવરાજસિંહ, કાયનાત અંસારી આથા, રાજુ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રીઓ નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, મહેશ અણઘણ, વિક્રમ દવે, રાજુ બોરખતરીયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, રાકેશ બારિયા, મુકેશ ડાભી, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં દારૂનો અને ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે, પરંતુ એ માફિયાઓને સરકાર જેલમાં નથી નાખતી, ચારેબાજુ અપરાધ થઈ રહ્યા છે તો એના અપરાધીઓને જેલમાં નથી નાખતી, પરંતુ ચૈતર વસાવાએ લોકોનો અવાજ ઉઠાવ્યો, મનરેગાના કૌભાંડનો અવાજ ઉઠાવ્યો, એટલા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા. ઝઘડિયામાં ફેક્ટરીના મજૂરો માટે ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો, સમગ્ર ગુજરાતના આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવ્યો અને એટલા માટે જ ભાજપ સરકાર ચૈતર વસાવાથી ડરી રહી હતી. અગાઉ પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા હતા ત્યારે વિધાનસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતાએ ચૈતર વસાવાને મોટી જીત અપાવી હતી અને આ વખત પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે તો એનો જવાબ જનતા 2027માં ભાજપની સરકાર ઉખાડીને આપશે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, આદિવાસી સમાજનો અવાજ બની બની રહી છે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો અવાજ બની રહી છે, ઉત્તર ગુજરાતમાં પશુપાલકોનો અવાજ બની રહી છે. જો આ લોકોએ ઝુલ્મ કરવાનું બંધ ન કર્યું, તાનાશાહી બંધ નહીં કરી, તો તમને ગુજરાતમાં એ રીતે હરાવવામાં આવશે કે તમને આખા ગુજરાતમાં કોઈ જગ્યા નહિ મળે. ચૂંટણી લડવી અને જીતવી એ હવે નાની બાબત છે પરંતુ જો તમારે ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેવો હોય અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી હોય તો તમામ લોકોએ મજબુરીથી કમર કસી લેવી પડશે. ગુજરાતમાં પરિવર્તન ઈચ્છતા હોય તો કેવો હોંસલો જોઈએ, કેવી ઉર્જા જોઈએ, એ જાણવું હોય તો એક વખત ચૈતરભાઈ અને તેમના પરિવારને જોઈ લેજો. ચૈતરભાઈ જેલમાં છે, તેમના ભાઈ હોસ્પિટલમાં છે, તેમના પરિવારમાં નાના નાના બાળકો છે તેમ છતાં પણ તેમના બંને ધર્મપત્ની બંને વીરાંગનાઓ 24 તારીખથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, તેઓ આદિવાસી સમાજના હક અને ન્યાય માટે નીકળ્યા છે. તો ગુજરાતમાં પરિવર્તન ત્યારે આવશે જ્યારે તમે આ બંને બહેનોની જેમ મજબૂતીથી મહેનત કરશો. પોતાના વિસ્તારમાં દરેક વ્યક્તિ મજબૂતીથી સંગઠન બનાવે. આપણે દરેક વિધાનસભામાં એવા નેતૃત્વની જરૂરત છે જે કોઈપણ પરિસ્થિતિમાં ડરે નહીં અને ઝુકે નહીં. બીજું આપણે મજબૂત સંગઠનની જરૂર છે અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જેની આપણે જરૂરત છે એ છે ગુજરાતના દરેક દબાયેલા – કચડાયેલા વર્ગના લોકો માટે આંદોલન કરવાની જરૂરત છે. દિવાળી બાદ દરેક બૂથ પર સંગઠન મજબૂત કરવાનું છે અને નવા વર્ષની શરૂઆતમાં દરેક વિધાનસભામાં દરેક ગામ અને શહેરમાં આંદોલનના અવાજ ઉઠાવવાના છે. એક ચૈતર વસાવાને આ લોકો જેલમાં નાખી શકે છે પરંતુ દરેક ગામથી ચૈતર વસાવા નીકળશે તો ભાજપની જેલો પણ ઓછી પડી જશે પરંતુ ચૈતર વસાવાના સમર્થકો ઓછા નહીં પડે. આ બંને બહેનોએ જે મહેનત કરી છે એ બદલ એમને સલામ છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આજે થોડા સમયમાં કેબિનેટની મીટીંગ થવા જઈ રહી છે અને આશા રાખીએ છીએ કે ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને જોઈને એ લોકો નિર્ણય લઈ લે કે ધારાસભ્ય ચૈતર વસાવાને મુક્ત કરવામાં આવે. હું એ લોકોને કહેવા માગું છું કે આજે જ કેબિનેટની મિટિંગમાં સહી કરીને નિર્ણય લઈ લો નહિતર 2027 માં તમે તમામ લોકો ઘર ભેગા થશો. જ્યાં સુધી તમારી સહીમાં શક્તિ છે ત્યાં સુધી સારી રીતે સહી કરો નહીંતર જનતા જો સાવરણાનું બટન દબાવી દેશે તો તમારી પેનમાં કે તમારામાં કોઈ તાકાત વધશે નહીં. ગુજરાતમાં સામાન્ય ગાળાગાળી, બોલાચાલી કે ધક્કા મુક્કીનો કેસ હોય તો પણ દસ વર્ષ સુધી કેસ આગળ વધતો નથી પરંતુ ચૈતરભાઈનો કેસ એક જ વર્ષમાં ચાલી ગયો, આગળ વધ્યો અને તેમને સજા પણ કરી દેવામાં આવી, તો આપણને સવાલ થાય છે કે આટલી બધી ઝડપ કેમ કરવામાં આવી? અને જો આટલી ઝડપથી જ કોર્ટમાં કામ થતું હોય તો પછી તો ગુજરાતમાં કોઈ દુઃખી જ ન રહેતું. ચૈતરભાઈ એક દિવસ પણ પોતાના ઘરે બેસતા નથી, તેઓ હંમેશા લોકોની લડત લડતા રહે છે, અને ભાજપથી આ જોવાતું ન હતું અને એ લોકોએ વિચાર્યું કે જો ચૈતર વસાવાને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભાજપની સરકાર પણ પડી શકે તેમ છે એટલા માટે એ લોકોએ ચૈતરભાઈને હરાવવાની ઘણી કોશિશ કરી પરંતુ હવે કોઈ પણ ચૂંટણીમાં પણ ચૈતરભાઈને હરાવી શકાય એવો માહોલ નથી કારણ કે જનતાએ ચૈતરભાઈને પોતાના દિલમાં સ્થાન આપી દીધું છે. એટલા માટે એ લોકોએ ચૈતર વસાવાને કોર્ટમાં હરાવવાનું નક્કી કર્યું. આખા ગુજરાતમાં દારૂ વેચનારા લોકો ગળામાં ભાજપનું લાયસન્સ લઈને ફરે છે અને પોલીસ એમને રોકતી નથી, ભાજપના લોકોએ નદીઓને ખોદી ખોદીને નદીઓ બરબાદ કરી, કેમિકલ વાળું પાણી નાખીને નદીઓ બરબાદ કરી પરંતુ કોઈની મજાલ નથી કે આ માફિયાઓને પકડીને કોઈ જેલમાં નાખે કારણ કે એ લોકોએ ભાજપનું લાયસન્સ ગળામાં પહેરેલું છે. મને અને ચૈતરભાઈને અમારી વિધાનસભાના લોકોએ જનતાની લડાઈ લડવાનું લાઇસન્સ આપ્યું અને ભાજપનું લાયસન્સ ન લીધું એટલા માટે ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને હવે એ લોકો કહી રહ્યા છે કે હવે ગોપાલનો વારો છે. હું એમને એટલું જ કહીશ ક…