મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા)માં તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ કૂટનીતિક વિકાસ સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારના મુસદ્દા પર પ્રારંભિક સહમતિ બની ગઈ છે. મુસદ્દામાં સૈન્ય પ્રવૃત્તિઓ રોકવા, સમુદ્રી માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, આર્થિક પ્રતિબંધોમાં રાહત, ઈરાનના પુનર્નિર્માણમાં સહયોગ અને પરમાણુ કાર્યક્રમ પર દેખરેખ જેવા અનેક મહત્વપૂર્ણ પ્રાવધાનો સામેલ છે. અમેરિકા ના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને બુધવારે સાંજે ફ્રાન્સના વર્સાય પેલેસમાં આયોજિત રાત્રિભોજન દરમિયાન અમેરિકા-ઈરાન કરારના મુસદ્દા પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા.
વ્હાઇટ હાઉસ અને ફોક્સ ન્યૂઝે, તેમના એક્સ હેન્ડલ પર સૌથી પહેલા તેની પુષ્ટિ કરી. ત્યારબાદ આ સમાચાર દુનિયામાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા. ઈરાનના પ્રેસ ટીવી, ગલ્ફ ન્યૂઝ, અલ જઝીરા, સીએનએન, ટાઇમ મેગેઝિન અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, આ કરારમાં હોર્મુઝ જળમાર્ગ ખોલવા, પ્રતિબંધોમાં રાહત, પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા અને 60 દિવસની અંદર અંતિમ કરારની દિશામાં પગલાં સામેલ છે. જણાવવામાં આવે છે કે ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોં સાથેની મુલાકાત દરમિયાન આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર તાત્કાલિક અસરથી અમલમાં પણ આવી ગયો છે.
અમેરિકાએ આ દસ્તાવેજને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચેનું ઇસ્લામાબાદ સમજૂતીપત્ર’ તરીકે જાહેર કર્યું છે. અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કરારનો મુખ્ય હેતુ હોર્મુઝ જળમાર્ગને તરત ખોલવો, ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડાર સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવો અને પ્રતિબંધોમાં તબક્કાવાર રાહત આપવા માટે એક ઢાંચો તૈયાર કરવો છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ પુષ્ટિ કરી કે કરારના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપી બંને પક્ષોએ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે. તેમણે જણાવ્યું કે આ વિષય પર ઓમાન અને અન્ય દેશો સાથે લાંબા સમયથી પરામર્શ ચાલી રહ્યો હતો. સાથે જ હોર્મુઝ જળમાર્ગના સંચાલન સાથે જોડાયેલા મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી હતી. બઘાઇએ કહ્યું કે હવે સમુદ્રી માર્ગથી પસાર થતા જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે. હોર્મુઝ જળમાર્ગ પર ઇસ્લામિક રિપબ્લિક ઈરાનની સાર્વભૌમતા અને અધિકારો સુરક્ષિત રહેશે.
મુસદ્દાના 14 મુદ્દા
1- તમામ પ્રકારના સંઘર્ષ અટકાશે: અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશોએ તાત્કાલિક અસરથી તમામ સૈન્ય અભિયાનો સમાપ્ત કરવા અને ભવિષ્યમાં એકબીજા સામે યુદ્ધ અથવા સૈન્ય કાર્યવાહી શરૂ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમાં લેબનાન સાથે જોડાયેલા સંઘર્ષો પણ સામેલ છે. લેબનાનની સાર્વભૌમતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવામાં આવશે.
2- એકબીજાની સાર્વભૌમતા નું સન્માન: બંને દેશો એકબીજાની સ્વતંત્રતા, ક્ષેત્રીય અખંડિતતા અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ અપનાવશે.
3- 60 દિવસમાં અંતિમ કરારનું લક્ષ્ય.
4- અમેરિકી નૌસૈનિક નાકાબંધી દૂર થશે: તેમાં શરત છે કે એમઓયુ પર હસ્તાક્ષર થતાં જ અમેરિકા ઈરાન સામે લાગુ નૌસૈનિક નાકાબંધી અને અન્ય અવરોધો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. 30 દિવસની અંદર તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
5- હોર્મુઝ જળમાર્ગ: ઈરાન 60 દિવસ સુધી ફારસની ખાડી અને ઓમાન સાગર વચ્ચે વ્યાવસાયિક જહાજોને મુક્ત અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવશે. તકનીકી અને સૈન્ય અવરોધો દૂર કર્યા બાદ તેમજ સમુદ્રી બારૂદી સૂરંગોની સફાઈ પછી 30 દિવસમાં અવરજવર સામાન્ય સ્તરે પહોંચાડવાની યોજના છે.
6- ઈરાન માટે 300 અબજ ડોલરની આર્થિક યોજના.
7- પ્રતિબંધો હટાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.
8- ઈરાને પુનરાવર્તન કર્યું છે કે, તે પરમાણુ હથિયાર હાંસલ નહીં કરે. બંને દેશ સમૃદ્ધ પરમાણુ સામગ્રીના નિકાલ, યુરેનિયમ સમૃદ્ધિકરણ અને અન્ય પરમાણુ જરૂરિયાતો પર અંતિમ કરાર હેઠળ વિગતવાર ચર્ચા કરશે.
9- વાટાઘાટ દરમિયાન યથાસ્થિતિ જળવાઈ રહેશે.
10- તેલ નિકાસને તાત્કાલિક રાહત: એમઓયુ અમલમાં આવતા જ અમેરિકી ટ્રેઝરી વિભાગ ઈરાની કાચા તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને તેનાથી જોડાયેલી બેન્કિંગ, વીમા તથા પરિવહન સેવાઓ માટે ખાસ છૂટ જાહેર કરશે.
11- અમેરિકા ઈરાનની ફ્રીઝ અથવા પ્રતિબંધિત સંપત્તિઓ અને રકમને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવા પર સહમત.
12- દેખરેખ તંત્ર: કરારના અસરકારક અમલીકરણ અને ભવિષ્યમાં પાલન સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ કાર્યકારી તંત્ર સ્થાપિત કરવામાં આવશે.
13- અંતિમ કરાર પર ઔપચારિક વાટાઘાટ શરૂ થશે.
14- અંતિમ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બાધ્યકારી પ્રસ્તાવ દ્વારા વૈધતા આપવામાં આવશે.