યુરોપમાં મોંઘવારી વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે. ખાસ કરી ઇટલી અને ફ્રાન્સમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાન હિંસા અને આગકાંડના પણ સમાચાર છે. પ્રદર્શનકારીઓએ દુકાનોમાં લૂંટફાટ કરી, વાહનો અને અન્ય સંપત્તિઓમાં આગ લગાવી. સ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સમાં પોલીસે ઓછામાં ઓછા ૨૭૨ લોકોની ધરપકડ કરી જ્યારે ઇટલીના મિલાનમાં આશરે ૫૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
ઇટલીના મિલાનના મધ્ય હિસ્સામાં શનિવારે પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઘર્ષણ બાદ દુકાનોમાં લૂંટ ચલાવી અને સંપત્તિઓમાં આગ લગાવી. હિંસાને કારણે પિયાજા ડેલ ડુઓમો ચોક અને મોંઘી વસ્તીઓની દુકાનોની એક બજાર ખાલી થઈ ગઈ, જ્યાં સામાન્ય રીતે ભીડ જાેવા મળે છે. અલગ-અલગ જગ્યાએ યુદ્ધ અને વધતી મોંઘવારી વિરુદ્ધ કાઢવામાં આવેલી માર્ચ શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી પરંતુ બાદમાં કેટલાક લોકોએ તોફાન નિયંત્રણ પોલીસ પર પથ્થરો અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ઘટના બાદ સામે આવેલી તસવીરોમાં કારાબિનિએરી પોલીસ પોલીસની એક ગાડી ક્ષતિગ્રસ્ત જાેવા મળી હતી.
સમાચાર એજન્સી લાપ્રેસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછા બે પોલીસકર્મી ઘાયલ થયા અને ઘણા સગીરો સહિત આશરે ૫૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઇટલીના પ્રધાનમંત્રી જાેર્જિયા મેલોનીએ હિંસાની નિંદા કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ શહેરોને આગના હવાલે કરવા નહીં.
ફ્રાન્સમાં પણ વધતી મોંઘવારીને લઈને મોટા પાયે પ્રદર્શન થયા. આ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ થઈ. રાજધાની પેરિસમાં કારને આગના હવાલે કરવામાં આવી અને દુકાનોમાં લૂટફાટ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કરવા માટે ટિયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. દેશભરમાં ઓછામાં ઓછા ૨૭૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝના કાર્યાલય પ્રમાણે દેશના ઘણા હિસ્સામાં પોલીસકર્મી પર હુમલા, લૂટફાટ અને જાહેર ઈમારતોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી.
લ્યોનમાં એક ટૂરિઝ્મ ઓફિસની અંદર આગ લાગી, જ્યારે માર્સિલેમાં દુકાનો અને નગરપાલિકા પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચાડવામાં આવ્યું. કેટલાક પ્રદર્શનકારી શહેરના સિટી હોલની લોબીમાં ઘૂસી ગયા હતા.