ગુજરાત

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો
ગુજરાત પોલીસની GP-SMASH ટીમને X (ટ્વિટર) પર મળેલી માહિતીના આધારે ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપતી કોમેન્ટ X પર કરી, ગણતરીના સમયમાં પાંચેયના સફળતાપૂર્વક રેસ્ક્યુ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ટ્વીટર પર આપી અપડેટ
લોકેશનથી અજાણ માતાએ પોતાના દીકરા સહિત પાંચ યુવાનો ફસાયા હોવાની ટ્વીટ કરતાની સાથે જ સમગ્ર તંત્ર રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગયું
નર્મદા જિલ્લામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા પાંચ વિધાર્થીઓ ફસાઈ ગયા હતા
માતા સહિત રેસ્ક્યુ કરાયેલા યુવા વયના વિધાર્થીઓએ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો માન્યો આભાર
….
ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systematic Handling) એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે. નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ત્વરિત માર્ગદર્શનની નિર્ણાયક ભૂમિકા રહી હતી.
ઘટનાની વિગત અનુસાર, સુભાષિની એમ. નામની એક મહિલાએ X (ટ્વિટર) પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટૅગ કરીને જાણકારી આપી હતી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો રસ્તો ભૂલી ગયા છે અને ફસાઈ ગયા છે.
ગુજરાત પોલીસને આ બાબત ટેગ થતાની સાથે જ GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી એસ.જી.ચૌહાણે આ બાબતે લોકેશન સહિત તમામ વિગત મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા નર્મદા પોલીસને કોમેન્ટ કરી જરૂરી સૂચના આપી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું હતું.
આ બાબત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના ધ્યાને X મારફતે આવતા તેઓશ્રીએ ત્વરિત સંવેદનશીલતા દાખવી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે જ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પણ તરત જ નર્મદા જિલ્લા પોલીસ વડાશ્રીને આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા અને સ્થાનિક પોલીસ તથા ફોરેસ્ટ ટીમની મદદથી તમામ યુવાનોને રેસ્ક્યુ કરવા આદેશ આપ્યો હતો.
બનાવની વિગત એવી હતી કે, વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીના પાંચ યુવા વિદ્યાર્થીઓ સવારે આશરે 10:30 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ ઝરવાણી વોટરફોલની ટિકિટ લઈને ઝરવાણી ગામના ભાંગરા ફળિયા ખાતે પોતાની બાઇકો મૂકીને ટૂંગાઇ હિલ સ્ટેશન ચડવાની શરૂઆત કરી હતી. બપોરે 2:30 વાગ્યાની આસપાસ તેઓ હિલ સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ પરત ફરતી વખતે ભૂલા પડી ગયા હતા.
સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે 4:30 વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા યુવાનોમાં (1) હિતેશ સુરેશ પેનમુસુ (ઉં.વ. 22), (2) હિમતેજ વારા પ્રસાદ વાલ સ્વામી, (3) વિકીયાત નાગેશ્વર રાવ ચીલીયાલા (ઉં.વ. 21), (4) લિખિત ચેતન્ય મેકા (ઉં.વ. 22) અને (5) સુશીલ રમેશભાઈ ભંડારુ (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે, જે તમામ વડોદરાના માધવપુરા વિસ્તારમાં રહે છે.
રેસ્ક્યુ કરાયેલા વિદ્યાર્થીઓએ ગુજરાત પોલીસ અને મદદ કરનાર સ્થાનિક માણસોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હાલમાં સહી સલામત છે. આ બાબતની પોસ્ટ મૂકનાર મહિલાએ પણ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો આભાર માન્યો છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસની GP-SMASH ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કટોકટીના સમયમાં નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

Related posts

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

સ્ટાર એરની અમદાવાદથી ઇન્દોર માટે ફ્લાઇટ શરૂ

GUJARAT NEWS DESK TEAM

દુબઈમાં યોજાયેલા એશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025માં અમદાવાદના મેયર પ્રતિભા જૈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment