સ્પોર્ટ્સ

19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

ટુ-સ્ટાર નેશનલ સર્કિટ ટુર્નામેન્ટ, ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપનની પ્રથમ આવૃત્તિ ખેલાડીઓ વચ્ચે ચાર દિવસના હાઈ-વોલ્ટેજ મુકાબલા બાદ રવિવારે સંપન્ન થઈ હતી. સ્ક્વૉશ રેકેટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસઆરએફઆઈ) અને ઑલ ગુજરાત સ્ક્વૉશ રેકેટ એસોસિએશન (એજીએસઆરએ)ના સહયોગથી આયોજિત ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026માં 19 રાજ્યોના આશરે 229 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જુનિયર અંડર-11થી લઇને મેન્સ ઓવર-45 સુધીની કુલ 11 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી અને સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત અને એકા ક્લબ ખાતે કુલ 218 મેચો રમાઈ હતી.

ફાઈનલમાં દરેક વયજૂથમાં જબરદસ્ત અને ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જુનિયર કેટેગરીમાં, નૈના આનંદે ગર્લ્સ અંડર-11 ટાઇટલ જીતી લીધું હતું, જ્યારે કાન્ધા સ્વામી બોઇઝ અંડર-11માં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો હતો. આર્ના રાવ અને રોહન ખુરાનાએ અનુક્રમે ગર્લ્સ અને બોઇઝ અંડર-13 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ત્રિશા શાહ (ગર્લ્સ અંડર-15), વેદાંત અગ્રવાલ (બોઇઝ અંડર-15) અને પ્રદીપ સિંહ રાઠોડે (બોઇઝ અંડર-17) પોત-પોતાની કેટેગરીમાં નિર્ણાયક જીત હાંસલ કરી હતી. સીનિયર ઇવેન્ટ્સમાં, આધ્યા બુધિયાએ વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું અને વેદાંત પટેલે મેન્સ ફાઇનલ જીતી લીધી હતી, જ્યારે વેટરન્સ કેટેગરીમાં લક્ષ્મણ જોશીએ મેન્સ ઓવર-35નો તાજ હાંસલ કર્યો હતો અને ભરત દાનમે મેન્સ ઓવર-45નો ખિતાબ મેળવ્યો હતો.

રવિવારે સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર શ્રી વંશ ચિરીપાલ; એજીએસઆરએના સચિવ શ્રી ભાનુ પ્રતાપ સિંહ વાળા; સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાતના માનદ સચિવ શ્રી ચિંતન ચોક્સી અને સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાતની સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ શ્રી નેહલ શાહ હાજર રહ્યાં હતાં.

ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર શ્રી વંશ ચિરીપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ચિરીપાલ ગ્રૂપમાં અમે રમતગમતને શિસ્ત, સ્થિતિસ્થાપકતા અને સમુદાયના નિર્માણમાં લાંબાગાળાના રોકાણ તરીકે જોઈએ છીએ. ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપનની પ્રથમ આવૃત્તિને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને તે ગુજરાતમાં સ્ક્વૉશની સ્થાયી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા તથા યુવા ખેલાડીઓને આગળ વધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિવિધ એસોસિએશન અને કૉચ સાથે મળીને કામ કરવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. અમારું ફૉકસ ફક્ત ટુર્નામેન્ટ્સ પૂરતું જ મર્યાદિત નથી પરંતુ યુવા પ્રતિભાઓના વિકાસ માટે માર્ગ મોકળો કરી આપવા અને તેમને યોગ્ય કૉચિંગ, એક્સપોઝર અને આંતરમાળખાકીય સહાય પૂરી પાડીને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવાનું છે.”

આ ટુર્નામેન્ટ ચિરીપાલ સ્ક્વૉશ એક્સેલન્સ પ્રોગ્રામનો એક હિસ્સો છે, જે સમગ્ર ગુજરાતમાં સમર્પિત સ્ક્વૉશ ક્લિનિક્સ સ્થાપીને, કૉચિંગ પ્રોગ્રામ્સ અને વિવિધ શહેરોમાં ટુર્નામેન્ટ્સ લૉન્ચ કરીને અને તેને સંચાલિત કરીને પ્રતિભાની ઓળખ, ખેલાડીઓના મેનેજમેન્ટ, સ્પર્ધાત્મક એક્સપોઝર અને ઇકોસિસ્ટમના વિકાસ પર એજીએસઆરએ સાથે મળીને કામ કરે છે. આ ચેમ્પિયનશિપના સુચારુ સંચાલન માટે આયોજકોએ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત, એકા ક્લબ, એસઆરએફઆઈ, એજીએસઆરએ, મેચના અધિકારીઓ, મેડિકલ પાર્ટનર્સ, ઓપરેશન ટીમો અને સપોર્ટ સ્ટાફનો સહયોગ સાધવા બદલ આભાર માન્યો હતો.

તેની મજબૂત રાષ્ટ્રીય સહભાગીદારી અને ગહન સ્પર્ધાત્મકતાની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026એ એક સફળ શરૂઆત કરી છે અને ભવિષ્યની આવૃત્તિઓ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે.

Related posts

 ઉર્વિલ પટેલનું તોફાન, ૧૩ બોલમાં ફટકારી ફિફ્ટી

રાજસ્થાનના જયપુર ખાતે રમાનારી સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમ આજે રાત્રે આઠ વાગે રવાના થશે..

GUJARAT NEWS DESK TEAM

વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે ત્રણ અલગઅલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલો થશે

GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

Leave a Comment