
અમદાવાદના નેશનલ હાઈવે નંબર-8 પર એક્સપ્રેસ હાઈવે નજીકથી ગોર ના કુવા તરફ જતી ખારીકટ કેનાલમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં કેનાલ નજીક સ્થાનિક નાગરિકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં. નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર, અંદાજે બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ ખારીકટ કેનાલમાંથી મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ સાથે નાળ જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે બાળકીનો જન્મ થયા બાદ તેને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, બાળકીના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ અને તેને કેનાલમાં કોણે ફેંકી તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ વિસ્તારમાં મેટરનિટી હોસ્પિટલો આવેલી હોવાથી બાળકીના જન્મ બાદ તેને ત્યજી દેવામાં આવી હોવાની આશંકાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. નિર્દોષ નવજાત બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી નવજાત બાળકીને ત્યજી દેનાર મહિલા સહિત જવાબદાર વ્યક્તિઓને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.