
પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ઝાલમૂરી ખાઈને કરી હતી.પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની મજબૂત લીડ સામે આવતા ગુજરાતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’થી લઈને રાજ્યમાં રસ્તાઓ સુધી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનોખી રીતે ઝાલમૂરી બનાવીને જીતની ઉજવણી કરાઈ હતી. સમગ્ર રાજ્યમાં નારા, ફટાકડા અને મીઠાઈ સાથે કાર્યકરો આ જીતને ભવ્ય રીતે ઉજવી હતી.
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી હોવાના સંકેતો મળતા જ ગુજરાતમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમૂરી બનાવીને અનોખી રીતે જીતની ઉજવણી કરાઈ હતી. ઝાલમૂરી બનાવવા માટે ખાસ કારીગરો સામગ્રી સાથે કમલમ પર પહોંચ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવે છે. બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાનગી દ્વારા જીતનો આનંદ વ્યક્ત કરાયો હતો.
ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન ઝાલમૂરી ખાધી હતી. જેના કારણે આ વાનગી ખાસ ચર્ચામાં આવી હતી. હવે જીતના અવસરે એ જ ઝાલમૂરી બનાવીને ઉજવણી કરાઈ હતી. જે કાર્યકરો માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. કમલમ ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને બધા જ જીતના ઉત્સાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ રીતે સ્થાનિક સંસ્કૃતિને જોડીને ઉજવણી કરવાનું દ્રશ્ય સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના વિજયને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ઉપમુખ્યમંત્રીએ વધાવ્યો
પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં આજે મતગણતરી થઈ રહી છે અને ત્રણેય રાજ્યોમાં ભાજપ આગળ છે અને સાથે ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં પણ ભારતનો વિજય થયો છે તેની ખાસ ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે ઝાલમૂરી બનાવીને કરાઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે નિવેદનો આપી વિજયને વધાવ્યો છે.
આજે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે 3 રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપ ભારે સરસાઈ સાથે આગળ વધી રહ્યું છે. આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતને પીએમ નરેન્દ્ર મોદીની જીત ગણાવી હતી.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ સાથે પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. જે પક્ષ માટે ગૌરવની બાબત છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો વિજય થયો છે. જે જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. સાથે જ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મળેલી જીતને પણ તેમણે મહત્વપૂર્ણ ગણાવી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ જીત ખરેખર બંગાળની જનતાનો વિજય છે જેમણે વિકાસ અને સકારાત્મક રાજકારણને પસંદ કર્યું છે.
વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે ભાજપ હંમેશા નારી શક્તિના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને પશ્ચિમ બંગાળમાં મળેલો વિજય પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ‘વંદે માતરમ’ ગીતને પૂર્ણ સ્વરૂપે માન અપાવવા માટે જે પહેલ કરી હતી, તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવે છે. અંતમાં તેમણે જણાવ્યું કે આ જીત પીએમ મોદીના નેતૃત્વ પર જનતાએ મૂકેલા વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે, જે ભાજપને આગળ વધવા માટે નવી શક્તિ આપે છે.પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને દેશભરની નજર ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર કેન્દ્રિત રહી હતી.
આ ભવ્ય વિજય બદલ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું કે એક પછી એક રાજ્ય પીએમ મોદીના વિકાસ અને સકારાત્મક રાજકારણ સાથે જોડાઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારતનો સંકલ્પ હવે વધુ મજબૂત બની આગળ વધી રહ્યો છે.મુખ્યમંત્રીએ ચૂંટણીમાં કાર્યકર્તાઓની મહેનતને વખાણીને કહ્યું હતું કે. ભાજપ માટે કાર્યકર જ સાચી તાકાત છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો હારથી શીખીને વધુ મજબૂત બની આગળ વધે છે. જે પક્ષની સૌથી મોટી શક્તિ છે. પાંચેય રાજ્યોમાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલું કાર્ય સરાહનીય છે અને તે જ જીતનું મુખ્ય કારણ છે. ઉપરાંત, ઉમરેઠ પેટા ચૂંટણીમાં મળેલી જીત બદલ પણ તેમણે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા અને આ સફળતાને ભાજપની સતત પ્રગતિનું પ્રતિક ગણાવ્યું.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને લઈને ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય થયો છે, આ જીત માત્ર એક રાજકીય જીત નહીં પરંતુ લોકોની ઇચ્છાશક્તિનો પ્રતિક છે. તેમણે જણાવ્યું હતું કે, બંગાળના લોકો હવે લાંબા સમયથી ચાલતા જંગલરાજમાંથી મુક્તિ મેળવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે રાજ્યના દરેક ખૂણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોંચશે, જે વિકાસને નવી દિશા આપશે. ભાજપની જીતથી બંગાળમાં વિકાસને વધુ ગતિ મળશે અને ખાસ કરીને યુવાનો માટે વધુ રોજગારની તકો ઊભી થશે.
સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ગામડાં સુધી લોકો સાથે જોડાવામાં સફળ રહી છે. જે આ જીતનું મુખ્ય કારણ છે. તેમણે આ જીતને દેશની રાજનીતિની સૌથી મોટી જીત ગણાવી અને વર્ષોથી સંઘર્ષ કરતા તેમજ શહાદત આપનાર કાર્યકરો અને તેમના પરિવારોને નમન કર્યું હતું.