મારું શહેર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૬૨મું અંગદાન: ૬૨ વર્ષીય બ્રેઈનડેડ પુરુષના અંગદાનથી ૫ જરૂરિયાતમંદોને નવજીવન

રાજ્ય સરકાર સંચાલિત અમદાવાદ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ અને કાઉન્સેલર્સની નિષ્ઠાપૂર્વકની કામગીરી તેમજ સમાજમાં વધી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન સંપન્ન થયું છે.
માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા અમદાવાદના ૬૨ વર્ષીય પુરુષનાં પત્નીએ ભારે હૈયે અંગદાનની સંમતિ આપતાં પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને દ્રષ્ટિની નવી આશા મળી છે. આ ઉમદા કાર્ય સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીના સફળ અંગદાનનો કુલ આંકડો ૨૬૨ પર પહોંચ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રહેવાસી એવા ૬૨ વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે ગત ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે શક્ય તમામ સારવાર અને પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથાની ગંભીર ઈજાઓને કારણે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
દર્દીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમ અને તબીબોએ તેમનાં પત્ની સાથે અત્યંત સંવેદનાપૂર્વક વાતચીત કરી હતી. તેમને બ્રેઈનડેથની તબીબી સ્થિતિ તેમજ અંગદાનના માધ્યમથી અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પત્નીએ અદભુત હિંમત અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી.
આ અંગદાન થકી એક લીવર અને બે કિડની મળી કુલ ત્રણ મહત્વપૂર્ણ અંગો તથા બે આંખોનું દાન પ્રાપ્ત થયું હતું. દાનમાં મળેલું લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટી કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલ (IKDRC) ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે બંને આંખો સિવિલ કેમ્પસમાં આવેલી એમ.એન.જે. આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી.
આ ૨૬૨મા અંગદાન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧,૧૩૭ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૮૭૧ મહત્વપૂર્ણ અંગોનો સમાવેશ થાય છે—જેમાં ૪૮૪ કિડની, ૨૩૬ લીવર, ૮૪ હૃદય, ૩૪ ફેફસાં, ૨૫ સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), ૬ હાથ અને ૨ નાનાં આંતરડાં સામેલ છે. આ ઉપરાંત કુલ ૨૬૬ પેશીઓના દાનમાં ૨૧૪ આંખો (કોર્નિયા) અને ૫૨ સ્કિન (ચામડી)નું દાન પ્રાપ્ત થયું છે.
પરિવારના આ નિર્ણયને બિરદાવતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “પોતાના જીવનસાથીને ગુમાવવાની અત્યંત કપરી અને દુઃખદ ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવાયેલો અંગદાનનો આ નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન એ મહાદાન છે અને તે અનેક પરિવારોના જીવનમાં નવો ઉજાસ લાવે છે. સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સની નિષ્ઠા તેમજ સમાજમાં વધી રહેલી જાગૃતિને કારણે આજે આપણે ૨૬૨મા અંગદાન સુધી પહોંચી શક્યા છીએ, જેનાથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે.”

Related posts

એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ACIલેવલ-5એક્રેડિટેશન પ્રાપ્ત, ભારતનું ત્રીજું એરપોર્ટ બન્યું

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત

GUJARAT NEWS DESK TEAM

નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment