રાજયમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે સરકારી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરીને વધુ તેજ બનાવવામાં આવી છે. રાજયમાં મુશ્કેલભરી સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ૪૯ ટીમો તહેનાત કરાઇ છે. આ સાથે ભારતીય સેનાની ૬ ટીમો પણ અમદાવાદ, વલસાડ અને નવસારીમાં તહેનાત કરાઇ છે. જ્યારે રાજયમાં ૫૫૦૦થી વધુ વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે ૩૮,૬૫૩ વ્યક્તિનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે.
રાજયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી), ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજયમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૪૯ ટીમો તહેનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેના (ઇન્ડિયન આર્મી) ની ૨-૨ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરા ખાતે એરફોર્સની ટીમ દ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
સરકારી તંત્રના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૫,૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.