અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમજ પરીક્ષાની નવી તારીખ પણ હવે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. તેમજ હજુ પણ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે રવિવારે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી (MPT) અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી (M. Optometry) માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
રેડ એલર્ટની પરિસ્થિતિ હોવાથી પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં 775 અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રીમાં પ્રવેશ માટે 17 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જે તમામ વિદ્યાર્થીઓને ફોન અને મેસેજ કરીને પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ કરવામાં આવી છે.
ભારે વરસાદની શક્યતાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને મુસાફરી દરમિયાન મુશ્કેલી સર્જાઈ શકે તેવી સ્થિતિને જોતા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ GCAS દ્વારા પરીક્ષાની નવી પણ આગામી સમયમાં જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GCAS પોર્ટલના માધ્યમથી જ નવી તારીખો જાહેર કરવામાં આવશે.