મારું શહેર

અસારવામાં પાણીની ટાંકીમાંથી કંકાલ મળવાની ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે સંખ્યાબંધ નાગરિકો ની સહી સાથે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવીયો છે અને આ પત્ર મા અસારવા પાણીની ટાંકી સંદર્ભે જણાવ્યું છે કે…
અમદાવાદ શહેરનો અસારવા વિસ્તાર એક પૌરાણિક અને ઐતિહાસિક વિસ્તાર છે અને તેની આગવી સામાજિક તથા સાંસ્કૃતિક ઓળખ છે. અસારવા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવવાની અત્યંત ગંભીર ઘટના સામે આવતા સમગ્ર અમદાવાદમાં લોકોના જાહેર આરોગ્ય ની ગંભીર સ્થિતિ ઉદભવી છે.
નીચેના મુદ્દાઓ ગંભીરતાથી વિચારણામાં લેવા આપનું ધ્યાન દોરવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સામે ઉદભવનાર ગંભીર સ્થિતિ નેનિવારી શકાય જે અંગે આપ તંત્ર ના વહીવટી અધિકારી તરીકે તમામ સત્તા ધરાવો છો.
અસારવા વિસ્તારમાં આવેલી આ પાણીની ટાંકી/પમ્પિંગ વ્યવસ્થા મારફતે આશરે ૪૫,૦૦૦થી વધુ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટના માત્ર સુરક્ષાનો પ્રશ્ન નથી, પરંતુ હજારો પરિવારોના આરોગ્ય અને પીવાના પાણીની સલામતી સાથે સીધી રીતે સંકળાયેલો અત્યંત ગંભીર જાહેર આરોગ્યનો મુદ્દો છે.
છેલ્લા કેટલાક દિવસોથી અસારવા વિસ્તારના રહેવાસીઓ તેમજ અસારવા યુથ સર્કલ દ્વારા સ્થાનિક કોર્પોરેટરોને પીવાનું પાણી ગંદુ આવતું હોવા તથા પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં આ ફરિયાદો અંગે સમયસર અને અસરકારક કાર્યવાહી થઈ ન હોવાની સ્થાનિક રહેવાસીઓમાં લાગણી છે.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને અસારવા યુથ સર્કલ તથા અસારવાના રહેવાસીઓ વતી નીચેની બાબતો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે:
૧. પાણીની ટાંકીની તાત્કાલિક સંપૂર્ણ સફાઈ અને સેનિટાઈઝેશન કરવામાં આવે.
૨.  ટાંકી તથા પમ્પિંગ સ્ટેશનમાંથી પીવાના પાણીના નમૂના તાત્કાલિક લેવામાં આવે અને માન્યતાપ્રાપ્ત સરકારી લેબોરેટરીમાં તેનું બેક્ટેરિયોલોજિકલ તથા કેમિકલ પરીક્ષણ કરાવવામાં આવે.
૩. પાણીના પરીક્ષણનો સત્તાવાર અહેવાલ જાહેર કરી અસારવાના રહેવાસીઓને પાણી પીવા માટે સલામત છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે.
૪. ટાંકી અને પમ્પિંગ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે અને ૨૪ કલાક સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે.
૫. પાણીની ટાંકી તથા પમ્પિંગ સ્ટેશનની આસપાસ CCTV કેમેરા લગાવી સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવે તથા તેનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખવામાં આવે.
૬. પાણીની ટાંકીમાં અનધિકૃત વ્યક્તિ પ્રવેશી ન શકે તે માટે પ્રવેશદ્વાર, દરવાજા, તાળા તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.
૭. પાણીની ટાંકીની છેલ્લે ક્યારે સફાઈ કરવામાં આવી હતી, તેની સફાઈ કોણે કરી હતી અને તેની નિયમિત સફાઈ તથા જાળવણીનો રેકોર્ડ AMC દ્વારા ચકાસવામાં આવે.
૮. માનવ કંકાલ મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદાર વ્યક્તિ/વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તપાસની પ્રગતિ અંગે સ્થાનિક રહેવાસીઓને માહિતગાર કરવામાં આવે.
૯. ઘટના બાદ અસારવા વિસ્તારમાં પીવાના પાણી અંગે કોઈપણ પ્રકારનું આરોગ્ય જોખમ ન રહે તે માટે AMCના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે.
૧૦. અસારવા વિસ્તારમાં પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ માટે સમયબદ્ધ વ્યવસ્થા કરવામાં આવે અને પાણીના ટેસ્ટિંગના અહેવાલો ઉપલબ્ધ કરાવવામાં આવે.
૧૧. પાણી પુરવઠાની વ્યવસ્થામાં કોઈ ખામી, લીકેજ, બાહ્ય પ્રવેશ અથવા અન્ય ટેકનિકલ સમસ્યા હોય તો તેની તાત્કાલિક તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે.
૧૨. ભવિષ્યમાં આવી ગંભીર ઘટના ફરી ન બને તે માટે પાણીની ટાંકી અને પમ્પિંગ સ્ટેશન માટે સ્પષ્ટ સુરક્ષા તથા જાળવણીની SOP અમલમાં મૂકવામાં આવે.
આ સમગ્ર મામલો હજારો પરિવારોના પીવાના પાણી અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલો હોવાથી તેને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અસારવા વિસ્તારના રહેવાસીઓ તથા અસારવા યુથ સર્કલ વતી વિનંતી છે.
સાથે સાથે, આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી, પાણીના પરીક્ષણના પરિણામો તથા આગળની કાર્યવાહી અંગે અસારવાના રહેવાસીઓને લેખિતમાં માહિતગાર કરવામાં આવે તેવી પણ વિનંતી છે.
આપશ્રી દ્વારા આ ગંભીર બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ અરજી મળ્યાના દિવસથી પંદર દિવસની મુદતમાં જરૂરી અને અસરકારક પગલાં ભરવામાં આવે તથા કરવામાં આવેલી કાર્યવાહી અંગે અમોને લેખિતમાં જાણ કરવામાં આવે તેવી વિનંતી છે.

Related posts

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

અમદાવાદમાં 30મી નવેમ્બરે ‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું ભવ્ય આયોજન : 24,000+ રનર્સ ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતા ઝુંબેશ: નિયમ ભંગ કરનારા ૧૩૩ ઈસમો પાસેથી ₹૪૨,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો

GUJARAT NEWS DESK TEAM

નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

Leave a Comment