ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. (એડીસી બેન્ક) ની ૧૦૧મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદના ટાગોર હોલ ખાતે બેંકના ચેરમેન અજય પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિનો ચિતાર રજૂ કરાયો હતો.
સાધારણ સભામાં બેન્કના ચેરમેન અજય પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, બેન્કે ગત વર્ષની સરખામણીએ ૧૩.૨૫% ના વધારા સાથે રૂ. ૨૦,૨૧૨ કરોડથી વધુનો કુલ બિઝનેસ હાંસલ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બેન્કની કુલ ડિપોઝીટ રૂ. ૧૧,૯૨૬ કરોડ અને કુલ ધિરાણ રૂ. ૮,૨૮૬ કરોડ પર પહોંચ્યું છે. બેન્કની મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાને રાખીને સભાસદ મંડળીઓને ૧૫% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે.
નાણાકીય વર્ષના અંતે બેન્કે રૂ. ૧૦૩.૭૧ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કનું નેટ એન.પી.એ. (એનપીએ) માત્ર ૦.૧૮% છે, જે છેલ્લા ૧૩ વર્ષથી શૂન્ય ટકાની નજીક જળવાઈ રહ્યું છે. બેન્કના ખાતેદારોની સંખ્યામાં ૧,૬૦,૬૯૫નો વધારો થતા હવે કુલ ખાતેદારો ૧૭,૭૫,૨૧૨ થયા છે. ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે પણ બેન્કે મોટી સિદ્ધિ મેળવી છે, જેમાં ૧,૨૨૬ માઈક્રો એટીએમ અને ૧૫૦ એટીએમ કાર્યરત છે અને વર્ષ દરમિયાન રૂ. ૧,૫૧,૫૨૧ કરોડના ડિજિટલ ટ્રાન્જેક્શન થયા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના “સહકાર થી સમૃદ્ધિ” ના વિઝનને સાકાર કરવા બેન્ક સતત પ્રયત્નશીલ છે. બેન્ક દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સાયબર છેતરપિંડીથી બચવા માટે “સાયબર સાથી” પુસ્તિકાનું વિતરણ જેવા કાર્યો કરાયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં બેન્ક કુલ બિઝનેસ રૂ. ૨૧,૦૦૦ કરોડને પાર કરી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
પાછલી પોસ્ટ