ગુજરાત

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ


—–
મંદિરમાં નાનાબાળકોના મંગલ મંત્રોચ્ચારનો વિરોધ એ ભારતીય સંસ્કૃતિની ભાવનાથી વિરુદ્ધ

સોમનાથ તા. ૧૧/૧૦/૨૦૨૫,શનિવાર,

ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થમાં ઘટિત એક અત્યંત ખેદજનક અને અસમાજિક ઘટના સામે ટ્રસ્ટ પોતાની દૃઢ લાગણી વ્યક્ત કરે છે.

ગત તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ જ્યારે દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના શુભ પદાર્પણથી સોમનાથની ભૂમિ પુલકીત થઈ હતી, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના નાના વિદ્યાર્થીઓએ મંદિરના સભા મંડપના એક ખૂણે ઊભા રહીને, થોડી ક્ષણો માટે મંગલમય મંત્રોચ્ચાર દ્વારા તેમને હૃદયપૂર્વક આવકાર્યા હતા . આ દિવ્ય ધ્વનિથી સ્વયં મહામહિમ પણ પ્રસન્ન થયા હતા અને તેઓશ્રીના સોશિયલ મીડિયાના માધ્યમથી આ પવિત્ર બાળ-આવકારનો ધ્વની સમગ્ર વિશ્વમાં ગુંજ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ બાળકોને વ્યવહારિક સંસ્કૃત શિક્ષણ મળે અને તેમની સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા વધુ સુદ્રઢ થાય, તે ઉદ્દેશ્યથી મહાનુભાવોના આગમન સમયે તેમને મંત્રોચ્ચાર માટે પ્રોત્સાહિત કરતું આવ્યું છે.

ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે, પ્રભાસ પાટણમાં પોતાના અંગત સ્વાર્થ અને સંકુચિત માનસિકતાથી પ્રેરિત અમુક તત્વોએ નિર્દોષ બાળકો દ્વારા કરાતા આ શુદ્ધ મંત્રજાપનો અશોભનીય અને સંપૂર્ણપણે ગેરવ્યાજબી વિરોધ કર્યો છે. ગઈકાલે લગભગ ૧૦૦ જેટલા લોકોનું એક ટોળું, સ્વાર્થની ભાવનાથી પ્રેરાઈને, ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રીના કાર્યાલયમાં રજુઆતના બહાને કોઈપણ પરવાનગી વગર ધસી આવ્યું હતું અને નાના બાળકોના આ પવિત્ર મંત્રોચ્ચાર સામે અયોગ્ય વિરોધ કર્યો હતો. તેમનું આ કૃત્ય માત્ર બાળકોનો વિરોધ નથી, પરંતુ સંસ્કૃત શિક્ષણના ભગીરથ કાર્ય માટે એક અપમાનજનક ઘટના છે. આ તત્વો ટ્રસ્ટ પાસે એવી અત્યંત ગેરવ્યાજબી માંગ કરી રહ્યા છે કે આ પાઠશાળાના બાળકોને ફરી ક્યારેય મંદિર પરિસરમાં મંત્ર જાપ કરવા દેવામાં ન આવે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ સ્પષ્ટ કરે છે કે તે દરેક બાળકને, કોઈપણ જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના, સંસ્કૃત, પુરાણો, વેદ અને વેદાંગનું જ્ઞાન આપીને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહ્યું છે. આવા સંકુચિત, સ્વાર્થ-સંચાલિત વિરોધ સામે સોમનાથ ટ્રસ્ટ પોતાના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારેય નહીં કરે. ટ્રસ્ટની પાઠશાળામાં અભ્યાસ કરતા બાળકો માટેના નિર્ણયો માત્રને માત્ર ટ્રસ્ટ દ્વારા લેવાશે, તેમાં કોઈપણ તત્વોની દખલઅંદાજી સહન કરવામાં આવશે નહીં.
ટ્રસ્ટ આ બાબતનો સખત વિરોધ સહ રદિયો આપે છે.

Related posts

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

GUJARAT NEWS DESK TEAM

“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો

GUJARAT NEWS DESK TEAM

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

GUJARAT NEWS DESK TEAM

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

Leave a Comment