અમદાવાદ જિલ્લાના બગોદરા અને આસપાસના ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને મોટી રાહત મળી હતી. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જાેવા મળી હતી. જાેકે ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ થઈ હતી.
ગુજરાતના દાહોદ જિલ્લામાં અચાનક ફૂંકાયેલા તીવ્ર પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિએ ભારે નુકસાન સર્જ્યું હતું. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી અંતર્ગત લગાવવામાં આવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં બે લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ૭૦ વર્ષીય શક્કરિયાભાઈ નીનાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તોફાની પવનના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વાહન વ્યવહાર પર પણ અસર જાેવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.
બીજી તરફ, ભીલવાડા વિસ્તારમાં બાઈક સવાર પર ટીનનું પતરું પડી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉપરાંત ગલાલીયાવાડ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. વાવાઝોડા જેવી સ્થિતિને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે બફારા વચ્ચે પડેલા વરસાદે લોકોને ગરમીમાંથી રાહત અપાવી હતી. બીજી તરફ વરસાદ અને તોફાની પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં શહેરમાં થોડા સમય માટે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહીને અનુરૂપ પાટણ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જાેકે આ સમયે પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. વરસાદને કારણે શહેરના વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જાેરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ભારે બફારામાંથી રાહત મળી હતી. જાેકે વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાની ફરિયાદો પણ સામે આવી હતી.
વલસાડ જિલ્લાના વાપી, ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી હતી. વાપીના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને ખેડૂતોને ઉકળાટમાં રાહત મળી હતી. વીજળી ડુલ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવનના લીધે હોર્ડિંગ્સ ઉડ્યા હતા. સ્ટેશન બહાર આવેલી દુકાનનું બેનર તૂટ્યુ હતુ. હાલર વિસ્તારમાં વોકવેનો શેડ વાવાઝોડામાં ઉડી ગયો હતો. ભારે પવનના લીધે વાયરો પણ તૂટતા જીઇબીની ટીમ દોડતી થઈ ગઈ હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથકમાં ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન ધંધુકા વિસ્તારમાં અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બોટાદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ઉપરાંત બરવાળા, સાળંગપુર, સમઢીયાળા, નાગનેશ, દિવળિયા, બોડીયા અને માલણપુર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.
આગામી પોસ્ટ