
એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ (AS) વિશે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી, ‘અંતર્ધ્વનિ’ સંસ્થા દ્વારા તાજેતરમાં એક ખાસ ઇન્ટરેક્ટિવ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં શહેરના અગ્રણી ચિકિત્સકો અને નાગરિકોએ ઉપસ્થિત રહીને આ બીમારીની શરીરના વિવિધ અંગો પર થતી અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પહેલના માધ્યમથી નિષ્ણાતોએ સમજાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં સામાન્ય ગણીને અવગણવામાં આવતો આ રોગ માત્ર કરોડરજ્જુ (Spine) પૂરતો સીમિત નથી, પરંતુ તે શરીરની સમગ્ર અંગ પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. તબીબોના મતે, ઘણા દર્દીઓને ગંભીર લક્ષણો દેખાય ત્યાં સુધી ખ્યાલ જ નથી આવતો કે તેઓ આ બીમારીથી પીડિત છે, જે દર્શાવે છે કે આ રોગનું વહેલું નિદાન કેટલું અનિવાર્ય છે.
તબીબી નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસના કારણે આંખની દ્રષ્ટિની સમસ્યા, પાચનની લાંબા સમયની તકલીફો અને ત્વચાના ચોક્કસ રોગો જેવા લક્ષણો એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે. તેથી, આવા કોઈપણ પ્રારંભિક ચિહ્નો દેખાતા જ તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એક અંદાજ મુજબ, ભારતમાં દર 10,000 વ્યક્તિઓમાંથી 7 થી 9 લોકો આ બીમારીનો ભોગ બને છે, જેમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. આ રોગ મોડો ઓળખાવાને કારણે દર્દીઓની હલનચલન કરવાની ક્ષમતા ઘટી જાય છે અને ગંભીર કિસ્સાઓમાં સાંધાઓ જકડાઈ (Fuse થઈ) જાય છે.
આ વિષય પર વધુ પ્રકાશ પાડતા જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. કૌશલ વ્યાસે જણાવ્યું હતું કે, “એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ આપણા આંતરડાના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ઘણા દર્દીઓમાં કોઈ દેખીતા લક્ષણો વિના પણ અંદરખાને આંતરડાની બળતરા (Inflammation) જોવા મળે છે. જો આ જોડાણને શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવામાં આવે, તો આ રોગનું સંચાલન ખૂબ જ સરળ બની જાય છે.”
આંખના સ્વાસ્થ્ય અંગે વાત કરતા નેત્ર ચિકિત્સક ડૉ. ચિંતન સરવૈયાએ નોંધ્યું હતું કે, “એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસથી પીડાતા મોટાભાગના દર્દીઓમાં ‘HLA-B27’ જનીન (Gene) જોવા મળે છે, જે આંખની ગંભીર બીમારી ‘યુવેઇટિસ’ (Uveitis) થવા પાછળ જવાબદાર છે. આંખોમાં લાલાશ, દુખાવો કે ઝાંખપ જેવા લક્ષણોને સામાન્ય ગણીને ક્યારેય અવગણવા ન જોઈએ. આંખની ગંભીર ગૂંચવણોથી બચવા માટે વહેલી તપાસ ખૂબ જરૂરી છે.”
ત્વચા પર થતી અસરો વિશે સમજાવતા ત્વચા નિષ્ણાત ડૉ. જીજ્ઞા પઢિયારે જણાવ્યું હતું કે, “સોરાયસિસ (Psoriasis) જેવા ત્વચાના રોગો એ એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જેવા આંતરિક બળતરાના રોગોના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. કોણી, ઘૂંટણ કે માથાની ત્વચા (Scalp) પર લાલ અને ભીંગડા જેવા પેચ પડવા, અસહ્ય ખંજવાળ આવવી, સતત ખોડો રહેવો કે નખના રંગ-આકાર બદલાવા જેવા લક્ષણો આના સંકેત હોઈ શકે છે. તેને વહેલા ઓળખવાથી સમયસર સચોટ સારવાર શરૂ કરી શકાય છે.”
ડૉ. ભોમિક મેઘનાથી, (ર્યુમેટોલોજિસ્ટ) જણાવ્યું કે “એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસનું વહેલું નિદાન લાંબા ગાળાની અશક્તિને અટકાવવા અને ગતિશીલતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે,”
આ સત્રમાં દર્દીઓ, તેમના પરિવાજનો અને જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે લોકો હવે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે વધુ સભાન થઈ રહ્યા છે.
આ પ્રસંગે ‘અંતર્ધ્વનિ’ સંસ્થાના સ્થાપક શ્રી પ્રણિત બંથિયાએ જણાવ્યું હતું કે, “આવી પરિસ્થિતિઓ વિશે વ્યાપક સ્તરે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે રોગની પ્રારંભિક સમજણ દર્દીના જીવનની ગુણવત્તામાં મોટો સુધારો લાવી શકે છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે લોકો લક્ષણોને વહેલા ઓળખે અને યોગ્ય સમયે સાચી તબીબી સારવાર મેળવે.”
દર્દીઓમાં જાગૃતિ મજબૂત કરવા, સાચું તબીબી માર્ગદર્શન પૂરું પાડવા અને પેશન્ટ સપોર્ટ નેટવર્ક ઊભું કરવા માટે ‘અંતર્ધ્વનિ’ સંસ્થા સતત કાર્યરત છે.
—————————————————————————————————————————————————————–