
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ)ના નવા ચેરમેન તરીકે શ્રી પ્રજ્ઞેશ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે શ્રી અંકિત રાઠોડની વિધિવત્ વરણી કરવામાં આવી છે. આજે અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સમિતિના નવા હોદ્દેદારોનાં નામ નક્કી કરવામાં આવ્યાં હતાં. ડૉ. સુજય મહેતાનો ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી નિમણૂકો કરવામાં આવી છે.
આ બેઠકમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલ મિશ્રા સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવા ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યો તરીકે શ્રી નવીન પટેલ, ડૉ. નિલય શુક્લ, શ્રી લીલાધર ખડકે, શ્રી પાર્થ ત્રિવેદી, શ્રીમતી નીકી શાહ, શ્રી ચંદ્રદીપસિંહ વાઘેલા, શ્રીમતી નીતાબેન પ્રજાપતિ, શ્રી અમૃત વ્યાસ, શ્રીમતી નંદિની પંડ્યા અને શ્રીમતી સોનલ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સરકારી સભ્ય તરીકે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. બિનસરકારી સભ્યો તરીકે શ્રી ચિરાગ સોલંકી અને શ્રી ભવાનીસિંહ શેખાવતની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શહેરમાં પ્રાથમિક શિક્ષણના સંચાલન અને ગુણવત્તા સુધારણા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી સાથે સમિતિના આગામી કાર્યકાળમાં શૈક્ષણિક સુવિધાઓના વિકાસ, શાળાઓની કામગીરીમાં સુધારણા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટેની કામગીરીને નવી દિશા મળવાની અપેક્ષા છે.