
ગણપત યુનિવર્સિટીએ તેના “ગુની સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ સ્ટડીઝ (GUNI CARS)” દ્વારા ૮–૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગણપત વિદ્યાનગર ખાતે રિસર્ચ કોન્ક્લેવ ૨૦૨૬ — “શેપિંગ ધ ફ્યુચર થ્રુ રિસર્ચ એન્ડ ઇનોવેશન” નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ બે દિવસીય બહુવિધ શાખાકીય કોન્ક્લેવે સંશોધનને પ્રદર્શિત કરવા, વિચારોની આપ-લે કરવા અને એકેડેમિક-ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવા માટે ડિપ્લોમા, સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, ઉદ્યોગના વ્યાવસાયિકો, સાહસિકો અને નવપ્રવર્તકોને એક મંચ પર આમંત્રિત કાર્ય હતા.
આ કોન્ક્લેવે સહભાગીઓને તેમના સંશોધન કાર્યને રજૂ કરવા, નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવા અને વિવિધ શાખાઓમાં ઉભરતી તકો અન્વેષણ કરવા માટે એક આકર્ષક મંચ પૂરો પાડ્યો હતો. તેમાં કૃષિ, મૂળભૂત વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, હેલ્થ સાયન્સ, મેનેજમેન્ટ, માનવવિદ્યા (હ્યુમેનિટિઝ), આર્કિટેક્ચર અને આંતરશાખાકીય સંશોધન સહિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. પુનઃપ્રાપ્ય ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનો, એડિટિવ મેન્યુફેક્ચરિંગ (૩D પ્રિન્ટિંગ), ફૂડ સાયન્સ, નેનોટેકનોલોજી, સેમિકન્ડક્ટર ટેકનોલોજી, અને ‘ફાઈવ-જી’ તથા વાયરલેસ ટેકનોલોજી જેવા સમકાલીન અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રિસર્ચ કોન્ક્લેવ ૨૦૨૬ નું આયોજન બે અલગ-અલગ સંશોધન મંચો દ્વારા કરવામાં આવ્યું હતું. અન્વેષક (ANVESHAK) — ઉભરતા સંશોધકો (Emerging Researchers) એ વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના સંશોધકોને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા તેમનું કાર્ય રજૂ કરવા માટે સક્ષમ બનાવ્યા. આ મંચે સહભાગીઓને રચનાત્મક પ્રતિસાદ (ફીડબેક) અને સમકાલીન સંશોધન પદ્ધતિઓનું મૂલ્યવાન એક્સપોઝર પૂરું પાડવાની સાથે વૈજ્ઞાનિક જિજ્ઞાસા, સંશોધન સંચાર, નવીન વિચારસરણી અને આંતરશાખાકીય ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરી. અનુસંધાતા (ANUSANDHATA) — અગ્રણી સંશોધકો (Advanced Researchers) એ અનુભવી સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના નિષ્ણાતો માટે અદ્યતન સંશોધન દ્રષ્ટિકોણ, નવીન અભિગમો અને વિશેષ નિપુણતા શેર કરવા માટેના ફોરમ તરીકે કાર્ય કર્યું. આ મંચે અર્થપૂર્ણ વિદ્વતાપૂર્ણ આપ-લેને સુગમ બનાવી અને શૈક્ષણિક સંશોધનને વ્યવહારુ, ઉદ્યોગ-સંગત અને સામાજિક રીતે પ્રભાવશાળી ઉકેલોમાં પરિવર્તિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો.
૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ગણપત યુનિવર્સિટીના ડાયરેક્ટર-R&D ડૉ. અજય કુમાર ગુપ્તાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ગણપત યુનિવર્સિટીના માનનીય ગ્રુપ પ્રો ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ સમારોહનું સંબોધન આપ્યું હતું, જેમાં તેમણે યુનિવર્સિટીના બહુવિધ શાખાકીય અભિગમને રેખાંકિત કર્યો હતો અને જિજ્ઞાસા-પ્રેરિત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સી. વી. રામનના પ્રશ્ન “દરિયો વાદળી કેમ છે?” નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણમાં સહયોગના મૂલ્ય અને નવીનતા આધારિત પ્રગતિ માટે “જય અનુસંધાન” ના આહ્વાન પર ભાર મૂક્યો હતો.
ગણપત યુનિવર્સિટીના માનનીય પ્રમુખ અને પેટ્રન-ઇન-ચીફ ગણપત આઇ. પટેલે સહભાગીઓ અને આયોજકોને આશીર્વાદ આપ્યા હતા અને સંશોધકોને અલગ રીતે વિચારવા, ગણતરીપૂર્વકના જોખમો લેવા અને અર્થપૂર્ણ સંશોધન કરવા વિનંતી કરી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી સુસંગતતા અને તેને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ (SI – અધ્યાત્મિક બુદ્ધિમત્તા) સાથે પૂરક બનાવવાના મહત્વની પણ નોંધ લીધી હતી.
‘ધ ડિપ્લોમેટિક ક્લબ’ ના ગ્લોબલ પ્રેસિડેન્ટ ડૉ. મૂર્તિ દેવરાભોટલાએ સંશોધન અને નવીનતા માટે સહયોગને ઉત્પ્રેરક (કૅટાલિસ્ટ) તરીકે ગણાવી વાત કરી હતી. તેમણે ગણપત યુનિવર્સિટી ખાતે ‘યુથ ચેપ્ટર’ ના પ્રારંભની જાહેરાત કરી, જેનાથી વિદ્યાર્થી નેતૃત્વ, જોડાણ અને વૈશ્વિક નેટવર્કિંગ માટેના નવા માર્ગો ખુલ્યા. યુનિવર્સિટી અને ધ ડિપ્લોમેટિક ક્લબ વચ્ચેના એમઓયુ (Memorandum of Understanding) એ સહયોગ, સંશોધન અને જ્ઞાનની આપ-લે માટેની શક્યતાઓને વધુ મજબૂત બનાવી.
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડાયરેક્ટર અને હેડ–R&D અને MSTG (ટેકનિકલ) તથા ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. હિરેન પટેલે સંશોધકોને જિજ્ઞાસા કેળવવા, સહયોગ વધારવા અને ઝડપ સાથે ચોકસાઈ જાળવવા પ્રોત્સાહિત કર્યા હતા. અનૂપ એન્જિનિયરિંગ લિમિટેડના હેડ–ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ શ્રી ભાવેશ પ્રજાપતિએ સહભાગીઓને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવા, બહાદુરીપૂર્વક પ્રશ્નો પૂછવા અને લાંબા ગાળાનું મૂલ્ય સર્જતા ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના ડાયરેક્ટર (ઈન-ચાર્જ) ડૉ. રાકેશ રાવલે પ્રભાવશાળી સંશોધન માટેનો રોડમેપ દર્શાવ્યો હતો: 3Cs—જિજ્ઞાસા (Curiosity), હિંમત (Courage) અને સક્ષમતા (Competence); 5Is—વાસ્તવિક સમસ્યાઓની ઓળખ (Identify real problems), તપાસ (Investigate), નવીનતા (Innovate), સંકલન (Integrate) અને પ્રભાવ (Impact); અને 4Ds—સ્વપ્ન (Dream), ઈચ્છા (Desire), દ્રઢ સંકલ્પ (Determination) અને ગંતવ્ય (Destination).
ઉદ્ઘાટન સત્રમાં ‘યુનિવર્સિટી જર્નલ ઓફ રિસર્ચ’ નું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે યુનિવર્સિટીના સંશોધન અને પ્રકાશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
રિસર્ચ કોન્ક્લેવ ૨૦૨૬ માં પોસ્ટર પ્રેઝન્ટેશન અને સંશોધન રજૂઆતો ધરાવતા બે અલગ-અલગ ટ્રેકમાં ૨,૦૦૦ થી વધુ સંશોધકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. સમાપન સમારોહ દરમિયાન, ગુની (GUNI) ના ડાયરેક્ટર – R&D ડૉ. અજય ગુપ્તાએ ઇવેન્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કોન્ક્લેવની મુખ્ય પ્રવૃત્તિઓ, સંશોધન યોગદાન અને સિદ્ધિઓને રેખાંકિત કરવામાં આવી હતી. આ સમારોહમાં સોલિયોસ એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક શ્રી ભાવેશકુમાર રાઠોડનું વિશિષ્ટ સંબોધન પણ સમાવિષ્ટ હતું, જેમણે સંશોધકોને તેમના સંશોધન પ્રયાસોમાં સદાનિષ્ઠા (ઇન્ટિગ્રિટી) અને પ્રામાણિકતા જાળવવા પ્રેરણા આપી હતી. તેમણે નવીનતાને પ્રોત્સાહિત કરવા, વ્યવહારુ ઉકેલો વિકસાવવા અને વાસ્તવિક દુનિયાના પડકારોનો ઉકેલ લાવવા માટે ઉદ્યોગ અને સંશોધકો વચ્ચેના સહયોગને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
બે દિવસ દરમિયાન યોજાયેલા આ રિસર્ચ-કોન્ક્લેવેમાં કુલ ૨,૯૬૫ લોકો સહભાગી બન્યા હતા જેમાં ૧૯૫૦ વિધાર્થીઓ, ૮૨૫ ફેકલ્ટી મેન્ટર્સ, ૯૦ જ્યુરિ મેમ્બર્સ, ૧૦૦થી વધુ ઑર્ગેનાઈઝિંગ કમિટી મેમ્બર્સ, ૧૧ ફેકલ્ટીઝ, ૧૯ સંસ્થાઓ, ૧૨ અભ્યાસ-ક્ષેત્રો અને ૯ ખાસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
સમાપન સમારોહમાં દરેક ટ્રેકના ટોચના ત્રણ પુરસ્કાર વિજેતાઓને તેમના સંશોધન વિચારો, વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સહભાગીઓ, માર્ગદર્શકો (મેન્ટર્સ) અને જ્યુરી સભ્યો તરફથી મળેલો સકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિસાદ જીવંત સંશોધન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, જ્ઞાનની આપ-લે વધારવા અને યુવા સંશોધકોને પ્રભાવશાળી સંશોધન કરવા માટે પ્રેરણા આપવામાં કોન્ક્લેવની સફળતા દર્શાવે છે. કાર્યક્રમનું સમાપન ગુની (GUNI) ના ડીન – R&D ડૉ. રાજેશ ભોસલે દ્વારા આભાર વિધિ સાથે થયું હતું, જેમણે કોન્ક્લેવને સંશોધન, નવીનતા અને એકેડેમિયા-ઉદ્યોગ સહયોગ માટે અર્થપૂર્ણ મંચ બનાવવા બદલ નેતૃત્વ, આયોજકો, સહભાગીઓ, માર્ગદર્શકો, જ્યુરી સભ્યો અને ઉદ્યોગના પ્રતિનિધિઓના યોગદાનને બિરદાવ્યું હતું.
સમગ્ર કોન્કલેવનું સુપેરે સંચાલન પો. ડૉ. આનંદ મંકોડિયાએ કર્યું હતું.