
વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, છેલ્લા આઠ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાની ઘટના ઘણી જ ગંભીર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસમાં સુરતમાં ૧૮ સપ્ટેમ્બરે બી.કોમ ની પ્રરીક્ષા આપી ઘરે પહોંચી ૧૩ માળે થી કુદીને જીવન ટૂંકાવ્યુ. બીજી ઘટના સુરતમાં ૨૪ સપ્ટેમ્બરે પી.જી. મેડીકલના બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. વડોદરામાં ૧૦ ધોરણની વિદ્યાર્થીનીએ આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યુ. મારવાડી યુનીવર્સીટીમાં ૧૯ સપ્ટેમ્બરે ૧૦ માળે થી કુદીને આત્મહત્યા કરી ત્યારે આજે વધુ એક ત્રીજા વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ છટ્ઠા માળે થી કુદીને જીવન ટૂંકાવ્યુ. મારવાડી યુનીવર્સીટીમાં સતત બીજી વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના શિક્ષણક કેમ્પસ માટે અને રાજ્ય માટે પણ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, વર્ષ ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું. એટલે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીના લીધે ૧૫૯ યુવાનોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૨૪થી વધુ દીકરીઓએ આપઘાતનું અતિમ પગલું ભર્યું છે. આ છે વરવી વાસ્તવિકતા…! તાજેતરમાં નીટની પરીક્ષાનાં પેપર લીકના કારણે હતાશ – નિરાશ થઈને ૨૧ જેટલા આશાસ્પદ બાળકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું જેમાંથી એક આશાસ્પદ વિદ્યાર્થી ગુજરાતનો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૪૨૪ જેટલા વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,જ્યારે ૨૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જીવન ટૂંકાવ્યું. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી એટલે કે દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ બાળકો અને કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી, પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે, આત્મહત્યામાં જીવન ટુંકાવનારાની સંખ્યા આ માત્ર આંકડા નથી, આ દરેક આંકડાની પાછળ એક પરિવારનો આક્રંદ, માતા-પિતાની જીવનભરની મહેનત અને એક યુવાનનું અધૂરું સ્વપ્ન દફનાયેલું છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા માત્ર વ્યક્તિગત નિષ્ફળતા નથી; તે સરકારની નીતિગત નિષ્ફળતાનું સૌથી કરુણ પ્રતિબિંબ છે. શિક્ષણના અતિ વધતા ખર્ચાને ઘટાડવા નીતિ ઘડવામાં આવે. વિદ્યાર્થી આત્મહત્યાઓ અંગે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરીને સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવામાં આવે. ડિગ્રી પછી રોજગારની ખાતરી, સમયસર ભરતી અને યુવાનો માટે સ્પષ્ટ કારકિર્દી માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે. એક પણ વિદ્યાર્થીનું જીવન પેપર લીક, ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણના વ્યાપારીકરણ અથવા નીતિગત નિષ્ફળતાના કારણે ગુમાવવું ન જોઈએ. જો દેશના યુવાનો પોતાના સપનાઓ સાકાર કરવા પહેલાં જ જીવન ટૂંકાવવા મજબૂર બને, તો તે માત્ર પરિવારની નહીં, સમગ્ર સમાજ અને સરકારની સામૂહિક નિષ્ફળતા છે. હવે સમય માત્ર સંવેદના વ્યક્ત કરવાનો નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો, વિદ્યાર્થીઓને આશા આપવાનો અને તેમના જીવનની સુરક્ષા માટે કડક તથા અસરકારક પગલાં લેવાનો છે.