સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સમરદુંગ ટનલમાં થયેલી મોટી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ટનલની અંદર અચાનક થયેલા ભૂસ્ખલન બાદ મિથેન ગેસ લીકેજ થતાં ઓછામાં ઓછા સાત કામદારોનાં મોત થયાં હોવાનું જિલ્લા વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ અનેક કામદારો ટનલની અંદર ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત બચાવ કામગીરી ચાલી રહી છે.
આ ઘટના સોમવારે બપોરે બની હતી, જ્યારે સમરદુંગ વિસ્તારમાં ટનલનું બાંધકામ ચાલી રહ્યું હતું. અચાનક ભારે ભૂસ્ખલન થતાં ટનલનો પ્રવેશ માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે અંદર કામ કરી રહેલા શ્રમિકો બહાર નીકળી શક્યા નહોતા. ત્યારબાદ ટનલમાં મિથેન ગેસનું લીકેજ શરૂ થતાં સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
મિથેન ગેસના કારણે બચાવ કામગીરીમાં અનેક પડકારો ઉભા થયા છે. ગેસના પ્રભાવને કારણે કેટલાક બચાવકર્મીઓને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અને બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ગેસ માસ્ક અને વિશેષ સુરક્ષા સાધનો વિના ટનલમાં પ્રવેશ કરવો જાેખમી બની ગયો છે.
રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ), સિક્કિમ પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તથા અન્ય સરકારી એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. ભારે જાેખમ વચ્ચે બચાવ દળો ફસાયેલા કામદારો સુધી પહોંચવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે મૃતકોના પાર્થિવ દેહોને વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. બીજી તરફ, ટનલની અંદર હજુ કેટલા લોકો ફસાયેલા છે તેની ચોક્કસ માહિતી એકત્રિત કરવાની કામગીરી પણ ચાલુ છે.
નામચી જિલ્લાના કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે ટનલની સાંકડી રચના, નબળી દૃશ્યતા અને મિથેન ગેસની હાજરીને કારણે બચાવ કામગીરી અત્યંત જટિલ બની ગઈ છે. તેમ છતાં, તમામ એજન્સીઓ સંકલન સાથે કામ કરી રહી છે અને ફસાયેલા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂસ્ખલન બાદ જમીનની અંદર રહેલા સ્તરોમાંથી કુદરતી રીતે મિથેન ગેસ બહાર આવવાનું શરૂ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સમગ્ર વિસ્તારને સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી બચાવ કામગીરી સાવચેતીપૂર્વક આગળ વધારવામાં આવશે.
રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે ઘટનાના કારણોની વિગતવાર તપાસ બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે. હાલમાં વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે.