અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને રાહત મળી છે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ બાલાસિનોરમાં ૫.૭૯ ઇંચ વરસતા જનજીવન અસ્તવ્યસ્થ થયુ છે. જાેકે, હજુ સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને કોઇ માહિતી સામે આવી નથી.
ગુજરાતમાં વરસાદી માહોલ જામતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં નોંધાયો હતો. અહીં ૫.૭૯ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જાેવા મળી હતી. ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જાેવા મળી હતી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જાેવાઈ રહી હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં ૨.૯૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
મહેસાણાના સતલાસણા તાલુકામાં ૨.૮૭ ઈંચ, અરવલ્લીના ધનસુરા તાલુકામાં ૨.૬૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડાના ગળતેશ્વરમાં ૨.૨૪ ઈંચ વરસાદ, કપડવંજમાં ૨.૧૭ ઈંચ વરસાદ, પંચમહાલના ઘોઘંબામાં ૨.૦૫ ઈંચ અને જાંબુઘોડામાં ૨.૦૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે.
ગઈકાલે રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એસ.જી. હાઈવે, મકરબા અને સરખેજ સહિતના આસપાસના વિસ્તારોમાં જાેરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જાેવા મળી શકે છે. ે