“હું ચા ઉદ્યોગમાં આગળની તકો વિકસિત કરવા તેમજ ઉદ્યોગના પડકારોનો સામનો કરવા અને તેના સુખદ ઉકેલ માટે તમામ હિતધારકો સાથે એકબીજાના સહયોગથી કાર્ય કરવા માટે ઉત્સુક છું”: પારસ દેસાઈ
અમદાવાદ: વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, FAITTA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન) ના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. આની સાથે જ, વાઘ બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા દેસાઈને FAITTAની એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, FAITTA એ સમગ્ર ભારતમાં ચાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સ્તરની ટોચની સંસ્થા છે. આ સંસ્થા સરકારી ઓથોરિટી, ચા બોર્ડ અને અન્ય સંબંધિત સંગઠનો સાથે ઉદ્યોગના પ્રશ્નોના નિવારણ તેમજ વિવિઘ પડકારોનો સામનો કરીને ચા ખરીદનારાઓ અને વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે કાર્ય કરે છે.
પારસ દેસાઈ વાઘ બકરી ટી પરિવારના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક છે અને વર્ષ 1993 થી આ ગ્રુપ સાથે સંકળાયેલા છે. તેમના નેતૃત્વ હેઠળ, વાઘ બકરી ગ્રુપ ભારતના સૌથી મોટાં પેકેજ્ડ ટી બિઝનેસ હાઉસ તરીકે વિકસ્યું છે, જે આજે 24 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 60+ દેશોમાં નિકાસ કરે છે.
તેમણે NABL-માન્યતા પ્રાપ્ત ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં અને ઇન્સ્ટન્ટ ટી પ્રિમિક્સ, વેલનેસ બ્લેન્ડ્સ અને વાઘ બકરી ટી લાઉન્જ જેવાં ઈનોવેશનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, વાઘ બકરી બ્રાન્ડના સંચાલનને મોર્ડન ટચ આપવામાં, ડિસ્ટ્રીબ્યુશનમાં સુધારો કરવામાં અને મજબૂત રિટેલ નેટવર્ક બનાવવામાં પણ તેમણે ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે. તેઓ વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
FAITTA ના ચેરમેન તરીકે પોતાની વરણી અંગે શ્રી દેસાઈએ કહ્યું હતું કે, “FAITTA નું નેતૃત્વ કરવું, એ ખરેખર ખુબજ સન્માનની વાત છે. હું બધા સભ્યોનો તેમના વિશ્વાસ અને સહકાર માટે તેમજ ભૂતપૂર્વ ચેરમેનો અને પદાધિકારીઓનો તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું. આજે ચા ઉદ્યોગ, એક નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. વિતેલાં કેટલાક સમયથી આ ઉદ્યોગ, ગ્રાહકોની રુચિઓમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. મારું મુખ્ય ધ્યાન, ચાની વિવિઘ કેટેગરીને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગજગતના સભ્યો, સરકાર અને નિયમનકારો સાથે સહકારથી કામ કરવા પર રહેશે. હું આગળ રહેલી તકો વિકસિત કરવા અને પડકારોનો સામનો કરવા અને તેના સુખદ ઉકેલ માટે તમામ હિતધારકો સાથે એકબીજાના સહયોગથી કાર્ય કરવા માટે ઉત્સુક છું.”
શ્રી દેસાઈએ અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યું છે. તેઓ ટી ટેસ્ટીંગમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ CSR(કોર્પોરેટ સામાજિક જવાબદારી)ની અનેક પહેલો, ખાસ કરીને મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને પુનર્વસનનું સક્રિયપણે સમર્થન કરે છે.
અત્રે ખાસ નોંધનીય છે કે, વર્ષ 2014 માં સ્થપાયેલી, FAITTA સંસ્થા, ચા ઉદ્યોગમાં હરાજી, જથ્થાબંધ અને છૂટક વેપાર, પેકેજિંગ, વેરહાઉસિંગ અને નિકાસ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે ભારતભરના ચા વેપારીઓના સંગઠનો સાથે મળીને સહકાર સાથે કામ કરે છે. તે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ(ખાદ્ય સુરક્ષા ધોરણો), ખાસ કરીને ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) ના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે તેમજ હરાજી પ્રથાઓમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત, આ સંસ્થા સતત વધતા ખર્ચભારણ, બદલાતા નિયમો અને ગ્રાહકોની છૂટક ચામાંથી પેકેજ્ડ ચા તરફ વધતી પસંદગી વચ્ચે વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે પણ પૂરા સમર્પણ સાથે કામ કરે છે.