OTHER

સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ‘આધાર શિક્ષા’ પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું

સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ‘આધાર શિક્ષા’ પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું

MyCPE ONEની નોન-પ્રોફિટ પાંખ દ્વારા 2,000 વંચિત વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે રૂ. 80 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી

 

MYCPE ONEની નોન-પ્રોફિટ પાંખ, સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા શનિવારે તેના મુખ્ય શૈક્ષણિક અભિયાન, ‘આધાર શિક્ષા’ના લૉન્ચિંગની સાથે અમદાવાદના આશરે 2,000 વંચિત વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક ધોરણે રૂ. 80 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી (ડીઇઓ) શ્રી રોહિત ચૌધરીની ઉપસ્થિતિમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં શહેરની 71 સહભાગી શાળાઓના આચાર્યો અને ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી.

 

દરેક લાભાર્થી વિદ્યાર્થીને આવશ્યક શાળા ફી પેટે રૂ. 4,000 પ્રાપ્ત થશે, જેની રકમ સીધી શાળાઓમાં જમા કરવામાં આવશે. અત્યાર સુધીમાં, આ ફાઉન્ડેશન દ્વારા અગાઉથી જ 100 શાળાઓના આશરે 4,000 વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે અને સમગ્ર દેશના 5 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા તથા 5,000 શાળાઓને જોડવા માટે પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

 

CSR કાર્યક્રમો હેઠળ કૉર્પોરેટ્સ અને ચકાસણી કરેલા વિદ્યાર્થીઓ વચ્ચે ટેકનોલોજી દ્વારા સંચાલિત સેતુ તરીકે તૈયાર કરવામાં આવેલ ‘આધાર શિક્ષા’ શૈક્ષણિક ભંડોળની સુલભતા અને પારદર્શકતાના મુખ્ય પડકારોનું નિરાકરણ લાવે છે. આ પ્લેટફોર્મ વચેટિયાઓ વિના પ્રત્યક્ષ અને ટ્રેસેબલ સપોર્ટને શક્ય બનાવે છે, જે એ બાબતની ખાતરી કરે છે કે, કૉર્પોરેટ્સ દ્વારા આપવામાં આવેલું યોગદાન સંપૂર્ણ જવાબદારી સાથે લાભાર્થીઓ સુધી પહોંચે. હાલમાં, આ પ્લેટફોર્મ પર આશરે 6,000 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાં જૂન 2026 સુધીમાં 50,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો અને આગામી પાંચ વર્ષમાં 5 લાખ વિદ્યાર્થીઓ સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે.

 

સોશિયલ આઈ ફાઉન્ડેશનના ચીફ ઈમ્પેક્ટ ઑફિસર અને MYCPE ONEના સીઇઓ શ્રી શાલિન પરીખે જણાવ્યું હતું કે, ‘કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રાલયના ડેટા મુજબ, ભારતીય કૉર્પોરેટ્સ દ્વારા કરવામાં આવતા સીએસઆર ખર્ચ માટે શિક્ષણ એ સૌથી વધુ પસંદગીનું વિકાસલક્ષી ક્ષેત્ર છે. વર્ષ 2023-2024માં ગુજરાતમાં થયેલા કુલ સીએસઆર ખર્ચના 52.6% શૈક્ષણિક ક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવ્યાં હતાં. આધાર શિક્ષાનો ઉદ્દેશ્ય ઈરાદા અને અસર વચ્ચેના અંતરને દૂર કરવાના હેતુથી કરવામાં આવ્યો છે, કારણ કે તે કૉર્પોરેટ્સને તેમના ભંડોળનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે બાબતે જરૂરી આત્મવિશ્વાસ આપે છે. આકરી ચકાસણી અને શાળાઓને સીધી ચૂકવણીની ખાતરી કરીને, અમે એક એવી સિસ્ટમ બનાવી છે જેના પર દાતાઓ વિશ્વાસ કરી શકે છે. અમારો ઉદ્દેશ્ય એ વાતની ખાતરી કરવાનો છે કે, આર્થિક મર્યાદાઓને કારણે કોઈ પણ બાળકને ક્યારેય શાળા છોડવાની ફરજ ન પડે.’

 

ફાઉન્ડેશન દ્વારા ‘આધાર સ્કૂલ ટૅક’ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે સહભાગી શાળાઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી એઆઈથી સંચાલિત સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ પ્રકારના સોલ્યુશન્સની કિંમત સામાન્ય રીતે રૂ. 10 લાખથી રૂ. 50 લાખની વચ્ચે હોય છે. આ સોફ્ટવૅર હાજરી અને ટાઈમટેબલના મેનેજમેન્ટ, વિદ્યાર્થીઓના રેકોર્ડ અને ફીની સિસ્ટમના ડિજિટાઈઝેશન તથા વાલીઓ સાથે મોબાઈલ-આધારિત સંચાર સહિત એન્ડ-ટુ-એન્ડ સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને શક્ય બનાવે છે. આ પહેલ દ્વારા, સોશિયલ આઈ ફાઉન્ડેશન 10,000 શાળાઓનું ડિજિટાઈઝેશન કરવાનું, વંચિત વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડતી સંસ્થાઓ સુધી આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે.

 

આ પહેલની પ્રશંસા કરતાં, અમદાવાદના ડીઇઓ શ્રી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા અપનાવવામાં આવેલ મોડલ વ્યવહારુ અને ખૂબ જ પારદર્શક છે. આ ફાઉન્ડેશન ‘આધાર સ્કૂલ ટૅક’ જેવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ફી સહાયને સીધી જોડીને શાળાની ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે. દરેક વિદ્યાર્થીની ચકાસણી કરવાની અને ફી સીધી શાળાઓને ચૂકવવાની કટિબદ્ધતા શૈક્ષણિક સહાય કાર્યક્રમો માટે એક ઊંચો માપદંડ સ્થાપે છે.’

કાર્યક્રમ દરમિયાન, ફાઉન્ડેશને તેનો વિઝન 2030 રોડમેપ પણ રજૂ કર્યો હતો, જેમાં તેના નેટવર્કને 100થી વધારીને 5,000થી વધુ શાળાઓ સુધી વિસ્તારવાનો, શૈક્ષણિક સાતત્યતાની ખાતરી કરવા માટે આશરે 5 લાખ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો અને 500થી વધુ કૉર્પોરેટ્સ સાથેની ભાગીદારી દ્વારા વાર્ષિક રૂ. 200 કરોડનું સીએસઆર ભંડોળ એકઠું કરવાનો સમાવેશ થાય છે.

 

Related posts

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા ઉત્તરપ્રદેશથી પકડાયો

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

માણો મેલબોર્નનો અદભૂત નજારો

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

GUJARAT NEWS DESK TEAM

અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment