

આજે ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ દેશ અને દુનિયાભરમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગની ખાસ થીમ પર મનાવવામાં આવી રહ્યો છે. આ નિમિત્તે ગુજરાતમાં રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગાભ્યાસ કરીને લોકોને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.
માણસાની કોલેજના મેદાનમાં આયોજિત આ ભવ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી જ શરૂ થયેલા આ કાર્યક્રમમાં માણસા શહેર, શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ૫,૦૦૦ થી વધુ નાગરિકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય જે.એસ. પટેલની અપીલને માન આપીને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તંત્ર દ્વારા તમામ સહભાગીઓ માટે યોગ મેટ અને ટી-શર્ટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ પ્રજાજાેગ સંદેશામાં યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા આગ્રહભરી અપીલ કરી હતી.
એક તરફ ગુજરાતમાં ઉત્સાહનો માહોલ હતો, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે અંદાજે ૧૦ લાખ લોકોની વિશાળ જનમેદની સાથે યોગાભ્યાસ કરીને દેશભરમાં એક નવો ઊર્જા સંચાર કર્યો હતો. વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ભારતની આ પ્રાચીન ધરોહર વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે.કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વિદેશ મુલાકાતોને યાદ કરતા ગૌરવભેર જણાવ્યું હતું કે આજે વિદેશની ધરતી પર પણ વિદેશી નાગરિકો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને યોગ થકી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવે છે. આ સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે. માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં આજે આકર્ષક પગાર સાથે ભારતીય યોગ શિક્ષકોની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમણે સામાન્ય નાગરિકો સુધી યોગ પહોંચાડવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રોજિંદી ટ્રેનિંગ અને સુવિધાઓની સરાહના કરી હતી અને ચેરમેન સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ એ વાત પર ભાર મૂકે છે કે વધતી ઉંમર સાથે શરીરને સ્વસ્થ, સક્રિય અને માનસિક રીતે શાંત રાખવા માટે યોગ અનિવાર્ય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે માત્ર એક દિવસ પૂરતો યોગ ન કરતા, તેને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવે જેથી એક સ્વસ્થ અને સશક્ત ગુજરાતનું નિર્માણ થઈ શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આહ્વાન કરતાં કહ્યું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતાં આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવો જાેઈએ. આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક સાથે આશરે સવા કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ અલગ અલગ સ્થળેથી આ ઉજવણીમાં જાેડાઈને યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યના સૌ નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છે. તેમણે કહ્યું કે ૧૨મા વિશ્વ યોગ દિવસની ઉજવણી એ રીતે પણ વિશેષ છે કે વડાપ્રધાનના સુશાસનનાં પણ ૧૨ વર્ષ પૂર્ણ થયાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફિટ ઇન્ડિયા અને વિશ્વ યોગ દિવસ જેવી મોટી ભેટ આપી છે. જેના પરિણામે યોગ આજે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્ત્વનું માધ્યમ બની ગયો છે. આ સાથે જ પર્યાવરણ સુરક્ષા માટે એક પેડ માઁ કે નામ, કેચ ધ રેઇન અને સોલાર એનર્જી દ્વારા ગ્રીન-ક્લીન ઊર્જાનો અભિગમ તેમજ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તેમજ મિશન લાઈફ દ્વારા પર્યાવરણ સાથે સંતુલિત જીવન જીવવાનો માર્ગ પણ વડાપ્રધાનશ્રીએ બતાવ્યો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના તણાવપૂર્ણ જીવનમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે યોગ એ સ્વાસ્થ્યપ્રદ જીવનનો સૌથી સરળ અને સચોટ માર્ગ છે. આ વર્ષની થીમ ‘યોગ ફોર હેલ્ધી એજિંગ છે. રાજ્યમાં વિવિધ સ્થળે આજના ૧૨મા વિશ્વ યોગ દિવસે સમગ્ર ગુજરાતમાં ૩૩૦થી વધુ સ્થળોએ સવા કરોડથી પણ વધુ લોકો સામૂહિક યોગમાં જાેડાયા છે.
મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાત યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧.૫ લાખ યોગ ટ્રેનર તૈયાર કરી દેશમાં સૌથી વધુ ટ્રેનર બનાવવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૫૦૦૦થી વધુ નિ:શુલ્ક યોગ ક્લાસ દ્વારા એક વર્ષમાં ૮ લાખથી વધુ લોકોને યોગ સાથે જાેડવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકાએ યોગ બોર્ડ સાથે વિશેષ એમઓયુ કરીને ૧૫ મિનિટ યોગ સિટીનો નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ સ્થળેથી ૧૫ મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન છે.