
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યુ હતુ કે ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે ભાજપ સરકાર અને તેના પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું છે અને કોળી સમાજ તથા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી સહિત અન્ય સાત લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. ગુજરાતમાં દુષ્કાળ, હડદડ કે થાંભલાઓ જેવી દરેક ઘટનામાં ખેડૂતો પર પોલીસ અને સરકાર દ્વારા સતત દમન થઈ રહ્યું છે, તેમજ દરેક જ્ઞાતિઓ પર પણ દમન ગુજારવાનું ભાજપ સરકારે બાકી રાખ્યું નથી. ચૈતર વસાવાને જેલમાં નાખી આદિવાસી સમાજ પર અને હડદડમાં ખેડૂતોને જેલમાં નાખી કોળી સમાજ પર દમન કરાયું હતું. હવે સરગવાળામાં ફરીથી કોળી સમાજના લોકો પર દમન ગુજારી 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે બ્રિજરાજભાઈ સહિત અન્ય લોકો પર થયેલા ખોટા કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે આ ઉપરાંત જીએસપીએલ કંપનીની પાઈપલાઈન દ્વારકા સુધી જેટલા પણ જિલ્લાઓ અને વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યાં આવતા તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને તેમની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવે. આ તમામ માંગણીઓ સાથે આવનારી 29 તારીખે રવિવારે ધોળકા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં ગુજરાતના તમામ ખેડૂતો, કોળી સમાજ, અન્ય સમાજો તથા પાઈપલાઈન પસાર થતી હોય તે વિસ્તારના ખેડૂતોને ઉપસ્થિત રહી અવાજ બુલંદ કરવા અને સંઘર્ષની લડાઈમાં સાથે જોડાવા પ્રવીણ રામે આહ્વાન કર્યું છે.