
ભારતીય વેઇટલિફ્ટિંગ મહાસંઘ દ્વારા ગાંધીનગર ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવા આવ્યું છે. જેમાં ઓલિમ્પિક, વર્લ્ડ અને એશિયન ગેમ્સના અનેક મેડલ વિજેતા ખેલાડીઓ ભાગ લેશે. સાથે જ આ ઇવેન્ટ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10 થી 17 મે 2026 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાનાર છે. જે અંગે માહિતી આપતા ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું હતું કે, આ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં 31 દેશોના આશરે 400થી વધુ ખેલાડીઓ, 200થી વધુ અધિકારીઓ તથા અનેક આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ ઓફિશિયલ્સ ભાગ લેશે.
જયારે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અશ્વનીકુમાર અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના ડાયરેકટર કુમ્બાસી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, તા.10થી 17 મે દરમિયાન યોજાનારી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ તા. 12 મેના રોજ સાંજે 6-30 કલાકે મહાત્મા મંદિર ખાતે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના મુખ્ય મહેમાનપદે યોજાશે. જેમાં રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીત, આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રથમ વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ હસન જલૂદ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ બિન યુસફ અલ માના અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ અહેમદ અલ હર્બી સહિત વિવિધ દેશોના રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતને ચોથી વખત આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે, જે દેશ માટે ગૌરવની વાત છે. અગાઉ પુને અને ગ્રેટર નોઇડામાં સફળ આયોજન બાદ હવે ગાંધીનગર આ ભવ્ય સ્પર્ધાનું યજમાન બનશે. આ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક, વર્લ્ડ અને એશિયન ગેમ્સના અનેક મેડલ વિજેતા ખેલાડીઓ ભાગ લેશે. સાથે જ આ ઇવેન્ટ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે.
આ ચેમ્પિયનશીપમાં 6 ઓલિમ્પિક ગેમ્સ મેડાલીસ્ટ, 35 વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડાલીસ્ટ, 10 એશિયન ગેમ્સ મેડાલીસ્ટ સહિત કોમનવેલ્થ ગેમ્સ અને કોન્ટીનેન્ટલ ચેમ્પિયનશીપ મેડાલીસ્ટો સહિતના ખેલાડીઓ ભાગ લેશે.