નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું

આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેશે
અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે સ્પર્ધાનું આયોજન
મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું.
31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેવાના છે. જેમાં જમ્મુ–કાશ્મીરથી લઈને અંડમાન–નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા.
હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન અહીં ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે. શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં આ એસોસિએશન મહત્વનું યોગદાન આપે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત 28 મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થયું છે. હર્ષ સંઘવીએ વધુ ઉમેરતાં કહ્યું કે, અમદાવાદના આંગણે આયોજિત સ્પર્ધામાં દેશભરમાંથી 4600થી વધુ શૂટરો ભાગ લઈ રહ્યા છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો સમાવેશ કરાયો છે જે ઓલિમ્પિક રમતોમાંની એક છે. સ્પર્ધાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા 1991માં કરવામાં આવી હતી, શ્રી જી.વી. માવલંકર, લોકસભાના પ્રથમ અધ્યક્ષ અને NRAIના પ્રથમ પ્રમુખ હતા તેમની સ્મૃતિમાં કરાઈ હતી. અમદાવાદ 10મી વાર આ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે.
આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર ઉપપ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજક સચિવ શ્રી અતુલ બારોટ, શ્રી જયેશ મોદી, શ્રી ગગન નારંગ અને શ્રી ઋષિરાજ બારોટ જેવા ખેલાડીઓ અને મોટી સંખ્યામાં શૂટરો તથા રાઇફલ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.