ગુજરાત

રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ   ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું

રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ
 ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું : વન મંત્રી  અર્જુન મોઢવાડિયા
………………………..
આ અભિયાન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને જીવતદાન મળ્યું
………………………
અભિયાનની અન્ય સિદ્ધિઓ
 વિવિધ સ્વરૂપે રેસ્ક્યુ કરેલા પક્ષીઓ પૈકી ૯૦ ટકાને બચાવાયા
 અમદાવાદમાં સૌથી વધુ ૬,૫૦૦ જ્યારે સુરતમાં ૪,૧૦૦થી વધુ પક્ષીઓને જીવતદાન
 રાજ્યમાં અંદાજે ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૬૦થી વધુ કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો પર અબોલ પક્ષીઓની સારવાર અપાઈ
 આ કેન્દ્રો પર કુલ ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત હતા
પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ  દરમિયાન કુલ ૧૬,૩૮૦ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી ૧૪,૬૯૦ પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે ૯૦ ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
વન મંત્રી શ્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૭,૦૪૦ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી ૬,૫૩૨ પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત  મુખ્યત્વે સુરતમાં ૪,૮૦૦માંથી ૪,૧૯૪, વડોદરામાંથી ૭૨૨માંથી ૬૪૯, રાજકોટમાંથી ૬૭૬માંથી ૫૫૩ તેમજ ગાંધીનગરમાં ૩૨૯ પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી ૩૧૩ જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. આમ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪,૬૯૦ પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે.
આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી શ્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ ૧૩,૬૩૬ કબૂતર, ૯૦૫ સમડી, ૨૮૧ કાગડા, ૧૮૦ ઢાંક, ૧૩૭ બ્લેક આઈબીસ, ૧૩૪ ઘુવડ, ૧૨૧ બગલા અને ૧૧૦ પોપટ, અન્ય ૧૮૫ સહિત કુલ ૪૧ વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે.
  વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ ૨૦૧૭માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષે ૨૦૧૭માં ૭,૩૦૧ ઘાયલ પક્ષીઓ પૈકી ૬,૫૯૭ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૨૯ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ ૯૨ ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય મંત્રી શ્રી માળીએ કહ્યું હતું કે, કરુણા અભિયાન-૨૦૨૬ને સફળ બનાવવા રાજ્યમાં અંદાજે ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૬૦ વધુ કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયા હતા. આ કેન્દ્રો પર અંદાજે ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે ખડે પગે સેવા આપી હતી. ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા ૨૪x૭ કાર્યરત રહેતી વન વિભાગની હેલ્પલાઈન ૧૯૨૬ નંબર અને વોટ્સએપ નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં વર્ષ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાવી શકાય છે.

Related posts

જય સોમનાથના નાદ સાથે સોમનાથના માર્ગો ઉપર પીએમ મોદીની શૌર્ય યાત્રા

GUJARAT NEWS DESK TEAM

અમરેલીના ઢુંઢિયામાં દંપત્તિતા હત્યારાઓને ઝડપથી પકડવા આમ આદમી પાર્ટી એ માગણી કરી

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment