ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતા ઝુંબેશ: નિયમ ભંગ કરનારા ૧૩૩ ઈસમો પાસેથી ₹૪૨,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો

ગાંધીનગર શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ શહેરમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા આશય સાથે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોની જાહેરમાં ગંદકી કરવાની તથા કચરો ફેંકવાની આદતોમાં સુધારો લાવી શકાય તે હેતુથી, તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ સેક્ટર-૨૨ સ્થિત પંચદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભરાયેલા મેળામાં સેનિટેશન શાખાની ટીમ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થતી હોવાથી, ધોળેશ્વર મંદિર સહિતના સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ, ગંદકી, ઓપન યુરીનેશન તથા જાહેર વિસ્તારમાં થૂંકતા ઈસમો સામે વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી.
આ સઘન ડ્રાઇવ દરમિયાન સેનિટેશન ટીમ દ્વારા કુલ ૧૩૩ જેટલા ઈસમો સામે પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત કાર્યવાહી કરી કુલ રૂ. ૪૨,૮૦૦ની રકમ વહીવટી ચાર્જ તરીકે વસૂલ કરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા ૧૮ જેટલા ઈસમો પાસેથી રૂ. ૯,૦૦૦ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા ૧૦૨ જેટલા ઈસમો પાસેથી રૂ. ૩૨,૫૦૦નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત, જાહેર જગ્યાએ ઓપન યુરીનેશન કરતા ૧૨ ઈસમો પાસેથી રૂ. ૧,૨૦૦ તથા જાહેર રસ્તા પર થૂંકતા (રેડ સ્પોટ) ૧ ઈસમ પાસેથી રૂ. ૧૦૦ લેખે વહીવટી ચાર્જ વસૂલી કડક સંદેશ આપવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ રાખવા માટે જનજાગૃતિ ફેલાવવાનો અને નિયમભંગ કરનારા તત્વોને અટકાવવાનો છે.