
ગાંધીનગરમાં પરિવર્તનના સંકલ્પ સાથે આજે AAP ઉમેદવારોના સમર્થનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના રાંધેજા ખાતે “જનસભા” યોજાઈ હતી. આ જનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગાંધીનગરના લોકો સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી, એક નવી પાર્ટી ચૂંટણીમાં આવી છે પરંતુ જનતાને એનાથી શું ફાયદો? એનો જવાબ એકદમ સરળ છે કે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ જ ચાલતું હતું પરંતુ આમ આદમી પાર્ટીએ સામાન્ય ઘરના લોકોને નેતા બનાવવા માટે જગ્યા કરી આપી છે, એ માટે આમ આદમી પાર્ટીને વોટ આપવો જોઈએ. આમ આદમી પાર્ટીએ એવું બીડું ઝડપ્યું છે કે ગુજરાતના યુવાનોને નેતા બનાવવા છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનું પાંચ પૈસાનું પણ ચાલતું નથી તો વોર્ડના લોકો પાસે કયા મોઢા લઈને વોટ માંગવા આવતા હશે? આ લોકોને ઉપરથી આદેશ આવે એટલે મન કી વાત સાંભળો, તેલના દીવાઓ કરો, આ લોકો પબ્લિકનું કામ કરવાવાળા લોકો નથી, આ લોકો ફક્ત દિલ્હીથી જે આદેશ આવે એને માનવાવાળા લોકો છે. શું ક્યારેય કોઈ વ્યક્તિએ એવું સાંભળ્યું કે ભાજપના લોકોએ કહ્યું હોય કે તેઓ ઘરે ઘરે જશે અને જનતાની સમસ્યાની નોંધ રાખશે? અમે નાનપણમાં વિચારતા હાથે કે ગાંધીનગર કેવું હશે પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ તો મારા ગામ જેવું જ છે કારણ કે અમારા ગામમાં રોડ નથી બનતા, નળમાંથી પાણી નથી આવતું, ગટરોની સરખી વ્યવસ્થા નથી, લાઈટો ઝટકા મારે છે અને અહીંયા પણ એવી જ હાલત છે. જો હવે આ પરિસ્થિતિ બદલવી હોય તો સાવરણો ફેરવો ઝાડુનું બટન દબાવો અને કંઈ પરિવર્તન લાવો એવી મારી ગાંધીનગરની જનતાને વિનંતી છે
આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત સ્થાનિક નાગરિકો જોડાયા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના લોકોને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. ગાંધીનગર અને ગુજરાતમાં લાંબા સમયથી પૂર્ણ બહુમતવાળી ભાજપની સરકાર હોવા છતાં ગાંધીનગરમાં લોકોએ આજે નાનામાં નાના કામ માટે ધક્કા ખાવા પડે છે, કગરવું પડે છે, પૈસા પણ આપવા પડે છે અને આવા તમામ કામ કર્યા બાદ પણ ઘણી વખત કામ નથી થતા, જેથી લોકોએ માનસિક રીતે યાતના ભોગવવી પડે છે. ત્યારે હવે યુવાનોનો નવો વિકલ્પ ઊભો થાય અને નવો રાજકીય પક્ષ ઊભો થાય અને સારા માણસો રાજનીતિમાં આવે, એવી ભાવનાથી આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા કર્યા છે. મને વિશ્વાસ છે કે આ વખતે ગાંધીનગરના લોકો ઝાડુના બટન પર પોતાનો મત આપીને આમ આદમી પાર્ટીને વિજય બનાવશે.