
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આવતીકાલે 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યકર્તાઓના ઘડતર માટે પ્રશિક્ષણ એ ભાજપમાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે. રાષ્ટ્રીય ભાજપાની યોજના અનુસાર માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજીના માર્ગદર્શન હેઠળ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬” સમગ્ર દેશમાં અમલિકૃત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓના વિચાર, કાર્યશૈલી, સંગઠન કુશળતા અને રાષ્ટ્રીય ચેતનાને વધુ બળવતર બનાવવા ઉપરાંત આ મહા અભિયાનનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં એકાત્મ માનવદર્શન, અંત્યોદયની વિચારધારા, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા જનસેવા મૂલ્યોને પ્રગાઢ બનાવવાનો છે.
અત્રે એ પણ નોંધનીય છે કે પંડિત દીનદયાળજીના એકાત્મક માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંતો ભાજપની વિચારધારાનો મૂળ આધાર છે. આ અભિયાન માત્ર સંગઠનાત્મક કાર્યક્રમ નથી પરંતુ વૈચારિક સશક્તિકરણનું મહા અભિયાન છે. જેના માધ્યમથી વૈચારિક પ્રતિબદ્ધતાનું નિર્માણ, કાર્યપદ્ધતિ અને કાર્યકર્તાઓના વર્તનમાં સમાજ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના જાગૃત કરવા, પક્ષના ઇતિહાસ અને વિકાસ વિશે માહિતી પૂરી પાડવાનો ઉદ્દેશ્ય રહેલા છે. વ્યક્તિ નિર્માણથી સંગઠન નિર્માણ અને સંગઠન નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ સંગઠન સશક્તિકરણ માટે એક મહત્વનું માધ્યમ પ્રશિક્ષણ ગણાય છે. આ અભિયાન કાર્યકર્તાઓને વૈચારિક રીતે મજબૂત, શિસ્તબદ્ધ અને સેવાની ભાવનાથી પ્રતિબદ્ધ બનાવવા માટે એક મહત્વપૂર્ણ આયામ છે.
જેના અનુસંધાને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા માન. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ૧૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨:૦૦ કલાકે કરવામાં આવેલ છે. જેમાં પ્રદેશ ભાજપ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ ભાજપા મોરચાના પ્રમુખશ્રીઓ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન પ્રદેશ ટીમના સદસ્યો, જીલ્લા/મહાનગર ભાજપા પ્રમુખશ્રીઓ ભાગ લેશે.