નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને કોંગ્રેસે અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો : રક્ષા ખડસે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં મુકાયેલા મહિલાઓને સન્માન અને અધિકાર આપતા નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધને લોકસભામાં પસાર થતું અટકાવ્યું તે અંગે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ‘, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેને કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લવાયેલા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય માટે હતું. સીમાકંન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમનુ સપનું છે કે એક લાખ સામાન્ય વર્ગના યુવક-યુવતીઓ રાજકારણમાં આવે.
રક્ષા ખડસેએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તેનો યોગ્ય જવાબ આપશે.
પ્રિયંકા ગાંધી દ્વારા કરાયેલી ટિપ્પણીઓને અંગે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી મહિલાઓને આગળ રાખીને રાજનીતિ કરે છે એવો તેમનો આક્ષેપ નિરાધાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેમને સારી રીતે ખબર છે કે 2023માં પાસ થયેલા બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સીમાકંન પછી જ આ કાયદો લાગુ થશે. આ બિલ વહેલું લાવવાનું મુખ્ય કારણ એ હતું કે તે 2029થી જ અમલમાં આવી શકે. દેશની વધતી જનસંખ્યા અને વિસ્તારોમાં મતદારોની અસમાન સંખ્યા ધ્યાનમાં લેતા સીમાકંન અનિવાર્ય હતું. ક્યાંક મતદારોની સંખ્યા વધુ છે તો ક્યાંક ઓછી, જેથી યોગ્ય પ્રતિનિધિત્વ માટે રિ-એડજસ્ટમેન્ટ જરૂરી બન્યું. સીમાકંન આજે નહીં તો કાલે થવાનું જ છે, અને જો આ બંને પ્રક્રિયા સાથે આગળ વધે તો આવનારી ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓને સમાન રીતે લાભ મળી શકે તેમ હતું, સાથે જ મહિલાઓને તેમનો યોગ્ય હક પણ મળી શક્યો હોત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા-બહેનોનું સન્માન અને ગૌરવ વધારવાની એક ઐતિહાસિક સુવર્ણ તક દેશને મળી હતી. આ દિશામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું હતું. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આ બિલમાં રોડા નાખીને મોટું પાપ કર્યું છે, જેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના દાયકાઓ સુધી દેશ પર એકહથ્થુ શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી આજે પણ નકારાત્મક રાજનીતિ જ કરી રહી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો સોનેરી અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન અત્યાર સુધી માત્ર પરિવારવાદને જ પોષણ આપતા આવ્યા છે. તેમને ભય છે કે આ અધિનિયમ લાગુ થતાં સામાન્ય પરિવારોની બહેનોને સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે. કોંગ્રેસે બિલનો વિરોધ કરીને પોતાની સંકુચિત માનસિકતા ફરીથી ઉજાગર કરી છે. એક તરફ મહિલાઓના હિતની વાતો કરવી અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે તેને અટકાવવાનો પ્રયાસ કરવો, આ કોંગ્રેસની બે મોઢાની રાજનીતિ છે, જે હવે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત.પરંતુ કોંગ્રેસ અને તેની સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ મહિલાઓના અધિકારો પર કાળો ડાઘ બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર ન હતી તે ભારતની 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને NDA ની મહિલાઓને સશક્ત બનાવવાની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ છે, જે મહિલાઓના માર્ગમાં અવરોધ બનીને ઉભી છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનના નેતાઓએ બિલ પડ્યું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ થપથપાવી, તે નારી શક્તિનું હળહળતું અપમાન છે. મહિલાઓના અધિકારોને રોકવા એ કોંગ્રેસ પોતાની રાજકીય જીત સમજે છે.
આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુ વેકરિયા, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલ તથા પ્રદેશના સહ પ્રવકતા શ્વેતા બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.