આંતરરાષ્ટ્રીય

વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.

New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ
વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી.
સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ માર્ચ 2026નો  એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ અને તેની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષો અને અસ્થિરતાને કારણે વિશ્વના વધુ 4.5 કરોડ લોકો તીવ્ર ભૂખમરાનો શિકાર બની શકે છે. જો યુદ્ધ અને હિંસા લાંબો સમય ચાલશે, તો આ આંકડો માનવ ઇતિહાસની સૌથી મોટી કટોકટીમાં ફેરવાઈ શકે છે.
દુનિયાના અલગ-અલગ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ઝઘડાઓને કારણે સામાન્ય લોકો માટે બે ટંકનું જમવાનું મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. UN ના અહેવાલમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે માનવીય સહાય માટે મળતા ફંડમાં મોટો ઘટાડો થયો છે. આ કારણે જરૂરિયાતમંદોને અપાતા રાશનમાં 50% સુધીનો કાપ મૂકવો પડ્યો છે.
સમગ્ર વિશ્વમાં અરાજકતાનો માહોલ છે. માત્ર ગોળીબાર કે બોમ્બમારો જ નહીં, પરંતુ તેનાથી ઉભી થતી આર્થિક અસરો આ વિનાશનું કારણ બની રહી છે.
આ સમસ્યા આટલી વિકટ કેમ બની?
યુદ્ધ અને ભયાનક સશસ્ત્ર હિંસાખોરીને કારણે ખેતરો ઉજ્જડ થઈ ગયા છે, ખેડૂતો પલાયન કરી રહ્યા છે. એટલું જ નહી, ખાતર અને ઇંધણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો માટે પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે.
અનાજ લાવતી ટ્રકો કે જહાજો અટકી જવાથી ખાંડ, તેલ અને લોટ જેવી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ ચીજવસ્તુઓ પહોંચાડી શકતી નથી. અસરગ્રસ્ત સામાન્ય નાગરિકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે.
લાલ સમુદ્ર  અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા દરિયાઈ માર્ગો પર તણાવને કારણે અનાજ અને ઇંધણની અવરજવર ઠપ થઈ છે.
સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સ્થિતી :
1. સુદાન
સુદાન અત્યારે વિશ્વની સૌથી મોટી માનવીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના યુદ્ધને કારણે લાખો લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે,  ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અહીંના 2.5 કરોડથી વધુ લોકો  ભૂખ્યા રહેવા મજબૂર છે.
અહીં વિશ્વની સૌથી મોટી વિસ્થાપન કટોકટી છે. લગભગ 80% ઘઉંની આયાત પર નિર્ભર આ દેશમાં લાખો લોકો દુષ્કાળ જેવી સ્થિતિમાં છે.
2. ગાઝા
અહીં ચાલી રહેલા સંઘર્ષને કારણે આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે, અહીં અનાજની આયાત લગભગ બંધ છે. લોકો ઘાસ કે પશુઓનો ખોરાક ખાઈને દિવસો પસાર કરી રહ્યા છે.  બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે.
અહીં લગભગ 94% વસ્તી ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે. માનવીય સહાય પહોંચાડવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
3. યમન
વર્ષોથી ચાલતા યુદ્ધે દેશની અર્થવ્યવસ્થા તોડી નાખી છે. અહીં અડધાથી વધુ વસ્તીને જમવા માટે અનાજ  ક્યાંથી આવશે તેની ખબર નથી.
દેશની 80% વસ્તીને જીવવા માટે વિદેશી મદદની જરૂર છે. પાણી અને શુદ્ધ ખોરાકની અછતને કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.
4. લેબનોન
આર્થિક કટોકટી અને સરહદી સંઘર્ષને કારણે લાખો લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે, જેનાથી તીવ્ર ભૂખમરાનું જોખમ 14% વધ્યું છે.
5. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC): આંતરિક જૂથવાદ ચરમસીમાએ. આ આફ્રિકન દેશ કુદરતી સંપત્તિથી ભરપૂર હોવા છતાં આંતરિક જૂથોના ઝઘડાને કારણે પીડાઈ રહ્યો છે. અહીં લગભગ 2.3 કરોડ લોકો એવા છે જેમને પૂરતો આહાર મળતો નથી.
6. હૈતી
કેરેબિયન દેશ હૈતીમાં ગેંગ વોર એટલું વધી ગયું છે કે રાજધાની સુધી અનાજ પહોંચાડવું અશક્ય બની ગયું છે. અહીં ભૂખમરો એ હિંસા જેટલો જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
આફ્રિકા, નાઈજીરીયા અને ચાડ જેવા દેશોમાં સંઘર્ષ અને આબોહવા પરિવર્તનને કારણે અનાજની અછત ગંભીર બની છે.
UN ના રિપોર્ટ મુજબ, આ સંઘર્ષની અસર માત્ર મધ્ય-પૂર્વ પૂરતી મર્યાદિત નથી. એશિયાના દેશોમાં પણ ખાદ્ય અસુરક્ષામાં 24% નો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ જો 100 ડોલર પ્રતિ બેરલ થી ઉપર રહેશે, તો પરિવહન ખર્ચ વધવાથી ભારતીય ઉપખંડમાં પણ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.
 “આ માત્ર આંકડા નથી, પરંતુ માનવીય જીવન પરનું મોટું સંકટ છે.  જો વિશ્વના શક્તિશાળી દેશો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો સદીના સૌથી ભયાનક ભૂખમરાની દુનિયા સાક્ષી બનશે.

Related posts

કંપનીઓએ એચ-૧બી, એલ-૧ના વિઝા લંબાવવા માટે વધારાની ફી ચૂકવવી પડશ

GUJARAT NEWS DESK TEAM

કોલંબિયામાં ભૂકંપ બાદ ૧૩૨ના મોત, ૬ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

GUJARAT NEWS DESK TEAM

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

ટ્રમ્પે કહ્યું કે, તેઓ યુદ્ધવિરામ લંબાવી રહ્યા છે, ઈરાનના સંયુક્ત પ્રસ્તાવની રાહ જોશે, લેબનાન-ઇઝરાયલ નજીક આવ્યા

GUJARAT NEWS DESK TEAM

WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર 

GUJARAT NEWS DESK TEAM

ન્યુ જર્સીમાં અસહ્ય ગરમી થી લોકો ત્રસ્ત

Leave a Comment