ગુજરાત

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદી સામે કોંગ્રેસનું મોટું આંદોલન: ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ, જનતા માટે હેલ્પલાઇન નંબર લોન્ચ

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદી સામે કોંગ્રેસનું મોટું આંદોલન:

‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ, જનતા માટે હેલ્પલાઇન નંબર લોન્ચ

વિશેષ હેલ્પલાઇન  દ્વારા ૯૯૦૯૦ ૮૯૩૬૫ પર મિસ્ડ કોલ કરી  ‘નશા મુક્ત ગુજરાત’

સમર્થન આપી શકાશે તથા ડ્રગ્સ, દારૂ અંગેની ફરીયાદ અંગે વોટસઅપ મેસેજ કરવા આહ્વાન

‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ.

  • ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દુષણ સામે કોંગ્રેસ દ્વારા ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનની શરૂઆત, વિશેષ હેલ્પલાઇન  દ્વારા ૯૯૦૯૦ ૮૯૩૬૫ પર મિસ્ડ કોલ કરી ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનને સમર્થન આપવા અપીલ : શ્રી અમિત ચાવડા
  • ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાત રાજ્ય ડ્રગ્સ માટે લેન્ડીંગ હબ, મેન્યુફેક્ચરીંગ હબ, ટ્રેડીંગ હબ અને હવે રીટેલીંગ હબ બન્યું છે : શ્રી અમિત ચાવડા
  • જન આક્રોશ યાત્રા દરમ્યાન અનેક મહિલાઓએ દારૂ અને ડ્રગ્સના દુષણ વિરૂધ્ધ પોતાની વ્યથા વ્યક્ત કરી, કોંગ્રેસ પક્ષ આ દુષણને નાબુદ કરવા કટીબધ્ધ છે : શ્રી અમિત ચાવડા
  • નાના પેડલરોને પકડીને સરકાર શું કામ સંતોષ માને છે, માફિયાઓ સુધી હાથ કેમ નથી પહોંચતો?: શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
  • એનએસયુઆઇના માધ્યમથી સમગ્ર ગુજરાતની ૧૦૦૦ થી વધુ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને નશો ન કરવાની શપથ લેવડાવશું અને ‘ડ્રગ્સ ફ્રી કેમ્પસ’નું અભિયાન ચલાવીશું : શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
  • ડ્રગ્સ વાઈટ પાવડરના મુદ્દે સરકાર સાચો આંકડો રજૂ કરવા માટે વ્હાઇટ પેપર ક્યારે રજૂ કરશે : શ્રી જીગ્નેશ મેવાણી
  • સરકાર કહે છે તેમ પાકિસ્તાનથી ડ્રગ્સ આવતું હોય તો યુધ્ધ દરમ્યાન સરકારે સીઝફાયર કરતી વખતે ડ્રગ્સ સપ્લાય અટકાવવાની શરત કેમ ના મૂકી? : શ્રી જીગ્નેશ મેવાણી
  • ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના કારણે મહિલાઓ પર થતા અત્યાચારો, બળાત્કાર અને શોષણ વધી રહ્યા છે અને યુવાઓ મોતને ભેટે છે. : શ્રી ગીતાબેન પટેલ

                ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી, યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા સહિતના યુવા સાથીઓ – આગેવાનો જોડાયા હતા.

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી ગીતાબેન પટેલ, NSUI ગુજરાતના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વ્યાપક દુષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર સામાજિક સમસ્યા સામે લડવા માટે એક વ્યાપક ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનની સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ‘જનઆક્રોશ યાત્રા’ના તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતની યુવા પેઢી અને પરિવારો નશાની બદીથી પીડાઈ રહ્યા છે.

“આ ડબલ એન્જિનની સરકારમાં રાજ્યના તમામ વર્ગના લોકો ત્રસ્ત છે. અમારી જનઆક્રોશ યાત્રા દરમિયાન ગામે-ગામથી એક જ આક્રોશ સાંભળવા મળ્યો કે ગુજરાતમાં પીવાનું પાણી ભલે ન મળે, પણ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. આ દારૂની રેલમછેલ પાછળનું એકમાત્ર કારણ પોલીસ, પ્રશાસન અને ગાંધીનગરમાં બેઠેલી સરકારની અકર્મણ્યતા છે. આ ભ્રષ્ટ તંત્રને નિયમિત હપ્તા મળતા હોવાથી બુટલેગરો બેફામ બન્યા છે.”

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ડ્રગ્સના વધતા વેપાર પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું, “છેલ્લા દસ વર્ષમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ અને રીટેલિંગ હબ બની ગયું છે. અદાણી પોર્ટ હોય કે અન્ય દરિયાકાંઠાના વિસ્તારો, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. હવે તો ફાર્મા અને કેમિકલ કંપનીઓની આડમાં પણ ગેરકાયદે ઉત્પાદન થઈ રહ્યું છે. દુઃખની વાત એ છે કે, દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનોને કારણે અનેક પરિવારો, અનેક જિંદગીઓ બરબાદ થઈ છે. નાની ઉંમરે આપણી બહેન-દીકરીઓ વિધવા બની રહી છે. મહિલાઓએ અમને કહ્યું છે કે, હવે સહનશીલતાની હદ આવી ગઈ છે, અમારે રસ્તા પર ઉતરીને લડવું છે.” “આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે. અમે ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરી રહ્યા છીએ. હું તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને ગુજરાતના ભવિષ્ય માટે આ લડતમાં જોડાવા આહ્વાન કરું છું.”

                કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ જણાવ્યું, “ભૂતકાળમાં પંજાબમાં ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ સરકારે કડક પગલાં લીધા હતા. તો શા માટે ગુજરાતમાં ‘ઉડતા ગુજરાત’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે? સરકાર માત્ર નાના ડ્રગ્સ પેડલરોને પકડીને સંતોષ માને છે, પણ મોટા માફિયાઓ સુધી સરકારનો હાથ કેમ નથી પહોંચતો? ગુજરાત પાસે લાંબો દરિયાકિનારો હોવા છતાં, માત્ર ગુજરાત જ ડ્રગ્સનું લેન્ડિંગ હબ કેમ બન્યું? સરકારે આનો જવાબ આપવો પડશે.” “ડ્રગ્સના આ દુષણથી ગરીબ વર્ગ જ નહીં, પણ સુખી-સમૃદ્ધ અને મધ્યમ વર્ગના બાળકો પણ બરડાઈ રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓનું સૌથી મોટું માર્કેટ કોલેજ કેમ્પસ છે. અમે આગામી દિવસોમાં એનએસયુઆઇના માધ્યમથી ૧૦૦૦ થી વધુ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને નશો ન કરવાની શપથ લેવડાવશું અને ‘ડ્રગ્સ ફ્રી કેમ્પસ’નું અભિયાન ચલાવશું.”

                ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આક્રમક સવાલો કર્યા હતા. “૭૨,૦૦૦ કરોડના ડ્રગ્સના મુદ્દે સરકાર સાચો આંકડો રજૂ કરવા માટે વ્હાઇટ પેપર ક્યારે રજૂ કરશે? પાકિસ્તાનથી ડ્રગ્સ આવતું હોય તો સરકાર સીસફાયર કરતી વખતે ડ્રગ્સ ન લાવવાની શરત કેમ નથી મૂકતી? કયા એ માણસો છે જે આટલી મોટી કિંમતનું ડ્રગ્સ ખરીદવાના હતા? આના માફિયાઓ કેમ નથી પકડાતા?” “મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આજે છાતી ઠોકીને કહી શકતા નથી કે તેમના પોતાના વિધાનસભા ક્ષેત્રમાં દારૂ, જુગાર કે કુટણખાનાના અડ્ડા નથી ચાલતા. અમે જનતાને બાંહેધરી આપીએ છીએ કે કોંગ્રેસના સિપાઈ તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે અમે તમારી માહિતીને ગુપ્ત રાખીને આ ભ્રષ્ટ તંત્ર સામે લડશું. આ મુહિમમાં તમારો સાથ-સહકાર અનિવાર્ય છે.”

શ્રીમતી ગીતાબેન પટેલ: ‘મહિલાઓ રોડ પર ઉતરીને અડ્ડાઓ પર રેડ પાડશે.’

                ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલએ મહિલાઓના પીડાને વાચા આપીને જણાવ્યું, “દારૂ પીને આવેલા માણસને તો ઘરના સભ્યો ઓળખી શકે છે, પરંતુ ડ્રગ્સ લઈને આવતા યુવાનને તેના માતા-પિતા પણ ઓળખી શકતા નથી અને યુવાન મોતને ભેટે છે. ડ્રગ્સ અને દારૂના કારણે મહિલાઓ પર થતા અત્યાચારો, બળાત્કાર અને શોષણ વધી રહ્યા છે.” તેમણે મહિલા કોંગ્રેસનો કાર્યક્રમ રજૂ કરતાં કહ્યું, “આવતી કાલથી મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળશે. દરેક જિલ્લા અને તાલુકાની બહેનો સાથે જોડાઈને નશાબંધી અભિયાન ચલાવવામાં આવશે. જ્યાં પણ દારૂ, ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડા હશે, તેની જાણકારી પોલીસને કરાશે. જો પોલીસ પગલાં નહીં લે, તો મહિલાઓ રોડ પર ઉતરીને અડ્ડાઓ પર રેડ પાડશે અને આંદોલન કરશે.”

                કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને નશા મુક્ત કરવા માટે આ અભિયાનમાં જોડાવા માટે જનતાને વિનંતી કરી છે અને નીચેનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે: જેમાં મિસ્ડ કોલ કરીને તેને સમર્થન આપી શકાશે તથા વોટસઅપ મેસેજ દ્વારા દારુ, જુગાર અથવા ડ્રગ્સ વિશેની માહિતી આપી શકાશે.

જનતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર – ૯૯૦૯૦ ૮૯૩૬૫

ઉપરોક્ત પત્રકાર વાર્તામાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી સોનલબેન પટેલ, એસ.સી સેલના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રીઓ સર્વે શ્રી પ્રગતિ આહીર, ડો. અમિત નાયક, ડૉ પાર્થિવરાજ કઠવાડિયા અને યુવા અગ્રણી શ્રી શાહનવાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા

કોંગ્રેસ પક્ષે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતને નશા મુક્ત નહીં કરાય ત્યાં સુધી જનતાના સહયોગથી આ નિર્ણાયક લડાઈ ચાલુ રાખવામાં આવશે.

Related posts

સ્ટાર એરની અમદાવાદથી ઇન્દોર માટે ફ્લાઇટ શરૂ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

જે ધારાસભ્યોને ફોન આવ્યાં તેમની યાદી

GUJARAT NEWS DESK TEAM

પુનઃપ્રાપ્ય ઉર્જા ની ક્ષમતાના ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment