
રાજ્યમાં આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુ સાથે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આધાર-UID અમલીકરણ સમિતિ-UIDICની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ ગુજરાતમાં UIDAIની કામગીરીને વધુ સરળ બનાવવા અને રાજ્યભરમાં આધાર-સંબંધિત સેવાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પર પ્રાધાન્ય આપ્યું હતું. આધાર ટીમ સાથેની ચર્ચામાં મુખ્ય સચિવ શ્રી જોશી દ્વારા રાજ્યના નાગરિકોને આધાર સંબંધિત સેવા ઉપલબ્ધ કરાવવા સતત કાર્યક્ષમતા અને નવીનતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યના વિવિધ મહત્વના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને UIDAIના પ્રતિનિધિઓએ બેઠકમાં સહભાગી થયા હતા. રાજ્યભરમાં શાસન અને જાહેર સેવા પહેલને સમર્થન આપવા માટે બાળ નોંધણી, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ, સુલભતામાં સુધારો, પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા અને આધાર સેવાઓને એકીકૃત કરવા જેવી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં હતી. આ ચર્ચા-સમીક્ષામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓ અને સુશાસન કાર્યક્રમોમાં આધાર-સક્ષમ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં UIDAIની આધાર સંબંધિત તાજેતરની વિવિધ પહેલ, જેમાં યુનિવર્સલ ક્લાયન્ટ, SWIK પોર્ટલ, ફેસ ઓથેન્ટિકેશન અને આધાર એપ્લિકેશનનો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી જોશીએ તમામ વિભાગોને સેવા વિતરણ વધારવા અને અનુભવો પરથી આગળની વ્યવસ્થા સુધારવા માટે આ પ્લેટફોર્મનો સક્રિયપણે ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો.