આજરોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ તેરાપંથ સભા ભવન ખાતે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવ દેવનાનીજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીજીનું નાગરિક અભિવાદન સમારોહ રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાયો.
————————————-
આજના આ નાગરિક અભિવાદન સમારોહમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવજી દેવનાની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજસ્થાન પ્રાંતના પ્રવાસી સર્વ સમાજના પ્રતિનિધિશ્રી, આગેવાનશ્રી ઉપસ્થિત રહ્યા અને બંને વિધાનસભાના અધ્યક્ષશ્રીનું સ્વાગત સત્કાર કર્યું. વિવિધ વેપારી સંગઠનના પદાધિકારીશ્રીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીશ્રી ઉપસ્થિત રહી અધ્યક્ષશ્રીનું સ્વાગત કર્યું.
આજના આ પ્રસંગે મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા અને સૌ નગરજનોને અમદાવાદને સ્વચ્છ શહેરોમાં સ્થાન અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ આવનારા શ્રી ગણેશ મહોત્સવ અંતર્ગત માટીમાંથી બનેલ ગણેશજીની પ્રતિમા ઉપયોગ કરવાના મ્યુનિસિપલ કૉરપોરેશનના આયોજનો અંગે સૌને માહિતગાર કર્યા તેમજ ગણેશજીની પ્રતિમા દ્વારા અધ્યક્ષજીનું સ્વાગત સત્કાર કર્યું.
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી દેવનાનીજીએ સૌને સંબોધતા જણાવ્યું કે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતના બેદિવસીય પ્રવાસ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવાનો લ્હાવો મળ્યો અને સાથે સાથે દ્વારકાજીના દર્શન અને ગિરની મુલાકાત કરવાનો પણ અવસર સાંપડ્યો. ગુજરાત અને રાજસ્થાન રાજ્યો બંને ભાઈઓ છે અને બંને રાજ્યોના નાગરિકો દૂધમાં શક્કર ભળી જાય તેવી રીતે હળીમળીને સૌનો સાથે વિકાસ થાય તે માટે કાર્યરત છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવજી દેવનાનીને આવકાર્યા અને ગુજરાતમાં પ્રવાસ દરમ્યાન સમય કાઢીને ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજની ચિંતા કરીને મળવા પધાર્યા તે બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી ચૌધરીએ ઉપસ્થિત સૌને સાથે મળીને બંને રાજ્યોના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી.
આજના આ પ્રસંગે બાપુનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી દિનેશસિંહજી કુશવાહ, રાજસ્થાન હોસ્પિટલના ચેરમેનશ્રી પી આર કાંકરીયા, અગ્રણીશ્રી કિશનદાજી અગ્રવાલ, અગ્રણીશ્રી શ્રવણજી રાવ ઉપસ્થિત રહ્યા હતા.