અમદાવાદ મનપા સહિત 84 નપા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 નગરપાલિકાના વોર્ડની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે રાજ્ય ચૂંટણી આયોગગે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આ ચૂંટણીમાં 17 ફેબ્રુઆરી 2026ની મતદાર યાદીને ધ્યાનમાં લેવામાં આવશે. જે મુજબ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ મળીને કુલ 41891747 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયોગ કરશે
કેટલી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે?
રાજયમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની છ જૂની અને નવ નવી સહિત કુલ 15 મહાનગરપાલિકા, 33 જૂની અને વાવ-થરાદની નવી જિલ્લા પંચાયત સહિત 34 જિલ્લા પંચાયત, 17 નવી તાલુકા પંચાયત સહિત 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં 4 કરોડ 18 લાખ 91 હજાર 700 મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી 2.16 કરોડ પુરુષ મતદારો અને 2.72 કરોડ સ્ત્રી મતદારો નોંધાયા છે. ચૂંટણી આયોગે આજથી એટલે કે તા. 1 એપ્રિલથી આચાર સંહિતા અમલી બનાવી દીધી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ (બોક્સ)
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
જે બેઠકો પર ચૂંટણી યોજાશે તેની માહિતી
15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1044 બેઠકો પર 5716836 પુરુષ, 5322158 સ્ત્રી, 475 અન્ય મળીને કુલ 11039469 મતદારો મતદાન કરશે
84 નગરપાલિકાના 656 વોર્ડ અને 11 નગરપાલિકાના 12 વોર્ડની 2632 બેઠકો
પર 1732258 પુરુષ, 1633816 સ્ત્રી, 259 અન્ય મળીને કુલ 3366333 મતદારો મતદાન કરશે
260 તાલુકા પંચાયતની 5271 બેઠકો અને 34 જિલ્લા પંચાયતની 1092 બેઠકો પર 14168709 પુરુષ, 13317005 સ્ત્રી, 231 અન્ય મળીને કુલ 27485945 મતદારો મતદાન કરશે
આમ કુલ 10,039 બેઠકો પર 21617803 પુરુષ, 20272979 સ્ત્રી, 965 અન્ય મળીને કુલ 41891747 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે
ચૂંટણી માટે મતદાન મથકો પર વ્યવસ્થા
49,591 કુલ મતદાન મથકો ,એક મતદાન કેન્દ્ર પર વધુમાં વધુ 1200 મતદારો,996 ચૂંટણી અધિકારીઓ
1266 મદદનીશ અધિકારીઓ,2 લાખ 61 હજાર પોલીસ સ્ટાફ મતદાન સમયે ફરજ બજાવશે