સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ આજથી ત્રણ દિવસ ગાંધીનગર ખાતે ભાજપની બેઠકોનો દોર શરુ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ભાજપ દ્વારા વિધાનસભા પૂર્વેની સેમિફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જીતવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલથી ત્રણ દિવસ ગાંધીનગર ખાતે ભાજપના સંગઠનના નેતાઓ અને પદાધિકારીઓની બેઠકોનો દોર શરુ થશે. જેમાં ઝોન સંકલનની બેઠક યોજાશે ત્યાર બાદ ચૂંટણી સમિતિની બેઠકો ચાલશે. જેમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે સેમિફાઇનલ સમાન એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કબ્જે કરવા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી સહિતની કાર્યવાહી માટેની તૈયારીઓને વેગવંતી બનાવી દીધી છે. જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મહત્વપૂર્ણ બેઠકોનો દોર યોજાશે.આ બેઠકોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી વ્યૂહરચના સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકો તા. 5 થી 7 એપ્રિલ દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાશે.
આ બેઠક અગાઉ ભાજપની ઝોન સંકલન સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં જે તે વિસ્તારો મુજબના પ્રતિસાદ અને સમીકરણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી સમિતિ દ્વારા જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉમેદવારોની પસંદગી માટેના અંતિમ નિર્ણય અંગે પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાનારી ઝોન સંકલન સમિતિ અને ચૂંટણી સમિતિની આ મહત્વપૂર્ણ બેઠકોમાં રાજ્યના મુખ્ય નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેય સહિતના આગેવાનો અને નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉમેદવારોની પસંદગી માટે વિસ્તૃત ચર્ચા કરીને આખરી મહોર મારવામાં આવશે.