
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન (આઈ.આર.એફ.) એક બિન-નફાકારક સંસ્થા છે. જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્યરત છે. શ્રી ત્રિલોકભાઈ આર. પરીખના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચોવીસ વર્ષથી સંસ્થા સમગ્ર ગુજરાતમાં કિડની રોગ અંગે લોકજાગૃતિ, સારવાર, પુનર્વસન, શિક્ષણ, કેડેવર અંગદાન અંગે લોકજાગૃતિને સંશોધન ક્ષેત્રે સેવાઓ આપી રહી છે.
સંસ્થા અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, રાજકોટ, ભુજ-સોમનાથ, ભુજ અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોબાઈલવાન દ્વારા નિશુલ્ક બીપી અને શુગર ચેકઅપ સાથે લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રહી છે.
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ‘સેવ એ લાઈફ’ કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને હેમોડાયાલિસિસ જેવી મહત્વપૂર્ણ સારવાર નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ દેહગામ ખાતે વિઠલભાઈ ફાઉન્ડેશન સંચાલિત આશીર્વાદ આઈ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી નવા હેમોડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ત્રિલોકભાઈ પરીખ, ડાયરેક્ટર શ્રીમતી નિયતીબેન પરીખ વિઠલભાઈ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હરિભાઈ બી. અમીન, ડાયાલિસિસ યુનિટના દાતા શ્રી જયંતીભાઈ સંઘવી, શ્રી પી.કે.લહેરી સાહેબ, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચોહાન, ડૉ. વિશ્વાસભાઈ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા હેમોડાયાલિસિસ યુનિટ શરૂ થવાથી દહેગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કિડનીના દર્દીઓને હવે નજીકના જ સુવિધાજનક અને સમયસર સારવાર ઉપલબ્ધ થશે, જે તેમના માટે મોટી રાહત સાબિત થશે.