અમે ગુજરાતમાં નશામુક્તિ અભિયાન ચલાવીશું : અમિત ચાવડા

- સીએમ અને ગૃહમંત્રીના વહીવટદારોને અને ડ્રગ્સ પેડલરોને ખુલ્લા પાડીશું : શ્રી અમિત ચાવડા
- સરકારના આશીર્વાદથી ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ લૂંટ ચલાવે છે, રાજ્યમાં કમિશન રાજ ચાલે છે : શ્રી અમિત ચાવડા
- હપ્તાખોર સરકારને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે : ડૉ તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના નવમા દિવસની શરૂઆત વિજાપુર શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ આગેવાનો દ્વારા સરદાર પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ યાત્રા ગોઠવા, વિસનગર, બાસણા માર્ગે મહેસાણા તરફ આગળ વધેલી, યાત્રા દરમ્યાન રસ્તામાં સ્થાનિકો દ્વારા ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
પ્રસંગે શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ વર્ષોથી સત્તામાં હોવા છતાં મહેસાણા જિલ્લાના રોડ-રસ્તાઓ ખરાબ હાલતમાં છે. ટ્રાફિકની વિકરાળ સમસ્યા છે, પોલીસમાં સ્ટાફની ભારે કમી છે અને જે સ્ટાફ છે તેમને તોડબાજીના ટાર્ગેટ આપવામાં આવતા ટ્રાફિકના નિયમોનું પાલન પણ યોગ્ય રીતે થતું નથી. વર્ષોથી ગટરના પાણીની સમસ્યા યથાવત છે, ગટરનું પાણી રસ્તાઓ પર વહી જાય છે અને ડ્રેનેજના કામકાજ માત્ર કાગળોમાં પુરા બતાવી રૂપિયા ખાઈ જવામાં આવે છે. વિસનગરમાં નાની બાળકી પર થયેલી ગેંગરેપ જેવી હૃદયદ્રાવક ઘટના રાજ્યની કાયદો-વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે પ્રજાની મંજુરી વગર ગામોને મનપામાં ભેળવવામાં આવે છે, જે લોકતંત્રના મૂલ્યોના વિરુદ્ધ છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમો નિયમ તોડીને પ્રદૂષણ ફેલાવે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. લોકો વિરોધ કરે છે છતાં GPCB કાર્યવાહી કરવાને બદલે માત્ર હપ્તાખોરીમાં વ્યસ્ત રહે છે. દૂધસાગર ડેરીમાં ગુંડારાજ ચાલી રહ્યું છે, સહકારી સેક્ટરો પર ભાજપ અને તેના મળતીયાઓનો કબ્જો છે. કોઈ વિરોધ કરે તો તેને દબાવી નાખવાના પ્રયાસો થાય છે. આ સરકારમાં ન્યાય માંગવા જાઓ તો દંડાવાળી કરીને અવાજ દબાવવામાં આવે છે. પાટીદાર સમાજ પણ સરકારના અત્યાચારનો ભોગ બની ચુક્યો છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે હાલ જાહેર કરેલા રાહત પેકેજમાં 18 લાખ 72 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે, જેમાંથી માત્ર 1 લાખ 31 હજાર ખેડૂતોને સહાય આપવામાં આવી છે. હજુ પણ 17 લાખથી વધુ લોકો રાહમાં છે અને સહાય ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે સરકારની દાનત નબળી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેતરોમાંથી મીટરો કાઢી નાખવામાં આવ્યા હતા અને હોર્સ પાવર દીઠ વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે એટલું મજબૂત કામ કર્યું કે રાજ્યમાં અનેક મુખ્યમંત્રી આવ્યા, છતાં ખેડૂતોના ખેતરમાં કોઈ મીટર ન લગાવી શક્યા.
આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી શુભાસીની યાદવ, બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી શ્રી હિમાંશુ પટેલ, વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા.