
આજે 17 ઓગસ્ટ 2025 ના રોજ ઊંઝા રેલવે સ્ટેશન પર ટ્રેન સંખ્યા 16209/16210 અજમેર-મૈસુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ટ્રેન સંખ્યા 14707/14708 લાલગઢ-દાદર રાણકપુર ડેઇલી એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ માનનીય સાંસદ (લોકસભા) શ્રીહરિભાઇ પટેલ અને માનનીય સાંસદ (રાજ્યસભા) શ્રી મયંક નાયક દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યું
આ પ્રસંગે માનનીય ધારાસભ્ય ઊંઝા શ્રી કિરીટકુમાર પટેલ, માનનીય ધારાસભ્ય મહેસાણા શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય ખેરાલુ શ્રી સરદારભાઈ ચૌધરી, માનનીય ધારાસભ્ય કડી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, માનનીય ધારાસભ્ય બેચરાજી શ્રી સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ-મહેસાણા , શ્રીમતી તૃષાબેન પટેલ , શ્રી ગિરીશ રાજગોર પ્રમુખ ગુજરાત નગર પાલિકા પરિષદ, નગરપાલિકા પ્રમુખ ઊંઝા શ્રીમતી જીજ્ઞાબેન પટેલ, શ્રી એસ.કે. પ્રજાપતિ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા, ડો. જૈસ્મીન જિલ્લા વિકાસ અધિકારી, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી વેદ પ્રકાશ, મંડળના અન્ય વરિષ્ઠ રેલ અધિકારીગણ તથા ઊંઝા ના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઊંઝા રેલ્વે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ.30.02 કરોડ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પેસેન્જર સુવિધાઓને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં સર્ક્યુલેટિંગ એરિયાનો વિસ્તાર, પ્લેટફોર્મ પર નવા કવર્ડ શેડનું બાંધકામ,પ્લેટફોર્મની સપાટી, સ્વચ્છ અને વિકલાંગ મૈત્રીપૂર્ણ શૌચાલય બ્લોક્સ, સુરક્ષા માટે બાઉન્ડ્રી વોલનું નિર્માણ અને મુસાફરોની સુવિધા માટે 6 મીટર પહોળો અને 86 મીટર લાંબો ફુટ ઓવર બ્રિજ (એફઓબી) નું નિર્માણ સામેલ છે.
ઊંઝાથી પહેલી વાર બેંગલુરુ લગભગ 1740 કિમી અને મૈસુર લગભગ 1880 કિમી ની સીધી રેલ કનેક્ટિવિટી થઇ જશે. ઊંઝા સ્ટેશન પર અત્યાર સુધી 26ટ્રેનો ઉભી રહે છે જે વધીને 30 થશે. આ બે ટ્રેનોના સ્ટોપેજ થી, ઊંઝા અને આસપાસના મુસાફરોને દેશના પ્રમુખ શહેરો અજમેર, જયપુર, અમદાવાદ, પુણે, બેંગલુરુ, મૈસુર, દાદર અને લાલગઢથી સીધી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે.
ઊંઝાથી હવે અજમેર, મૈસુર, મુંબઈ જેવા મુખ્ય શહેરો સાથે સીધી રેલ કનેક્ટિવિટી સ્થાપિત થશે. આનાથી ન માત્ર વ્યવસાયિક મુસાફરી સુવિધાજનક બનશે પરંતુ યાત્રાધામ અને ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અજમેર શરીફ, મૈસુરના મંદિરો અને મુંબઈના ધાર્મિક સ્થળો હવે ઊંઝાના નાગરિકો માટે સુલભ બનશે.
ઊંઝા સ્ટેશન પર આ નવી ટ્રેનોના સ્ટોપેજનો નિર્ણય સ્થાનિક નાગરિકો માટે અત્યંત લાભકારી સાબિત થશે. આ નિર્ણયથી ન માત્ર મુસાફરોની સુવિધામાં વધારો થશે પરંતુ આ ક્ષેત્રના સામાજિક, આર્થિક અને વ્યવસાયિક વિકાસને પણ વેગ મળશે. હવે ઊંઝા અને આસપાસના વિસ્તારોના મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે અમદાવાદ, મહેસાણા કે અન્ય મોટા સ્ટેશનો પર જવું પડશે નહીં. આનાથી મુસાફરીમાં લાગતો વધારાનો સમય બચશે અને પરિવહન પર થતો ખર્ચ પણ ઘટશે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ એક બહુજ મોટી સુવિધા હશે.
ઊંઝા એક પ્રમુખ કૃષિ કેન્દ્ર છે, જ્યાં મસાલા મંડી અને અન્ય કૃષિ ઉત્પાદનો માટેનું વિશાળ બજાર છે. ટ્રેનના સ્ટોપેજને કારણે નાના વેપારીઓ અને ખેડૂતો તેમના માલની હેરફેર કરી શકશે અને વ્યાપારિક પ્રવૃતિઓ સરળતાથી કરી શકશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને બજારની પહોંચ અન્ય રાજ્યો અને શહેરો સુધી થઇ શકશે. ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા કોચિંગ માટે મોટા શહેરોની મુસાફરી કરે છે. ટ્રેનના સ્ટોપેજ તેમને સુલભ, સુરક્ષિત અને સસ્તી મુસાફરીના વિકલ્પો મળશે, જેનાથી તેમના શૈક્ષણિક વ્યવસાયોને પ્રોત્સાહન મળશે .
ઊંઝા સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજની આ સુવિધા માત્ર એક પરિવહન સુવિધા નથી પરંતુ આ પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તે સ્થાનિક જનતા માટે ગર્વ અને સંતોષની વાત છે, જે આગામી વર્ષોમાં આ નિર્ણયના દૂરગામી ફાયદાઓનો અનુભવ કરશે.
માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને માનનીય ધારાસભ્ય શ્રી કિરીટકુમાર પટેલ સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને રેલવે અધિકારીઓએ બ્રિજ સંખ્યા 934, 935 અને અંડરપાસ નંબર 934 Aનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને જરૂરી સુધારાત્મક પગલાંઓ પર વિચાર કરવામાં આવ્યો હતો.
ટ્રેન સંખ્યા 14708/14707 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ અને ટ્રેન સંખ્યા 16209/16210 અજમેર-મૈસૂર એક્સપ્રેસને ઊંઝા સ્ટેશન પર વધારાના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે:-
1. 17મી ઓગસ્ટ, 2025 થી દાદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસને ઉંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 23.51 વાગ્યેઊંઝા સ્ટેશને પહોંચશે અને 23.53 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, 17મી ઓગસ્ટ, 2025થી લાલગઢથી ઉપડનારી ટ્રેન સંખ્યા 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસને પણ ઊંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 20.15 વાગ્યે ઊંઝા સ્ટેશને પહોંચશે અને 20.17 વાગ્યે ઉપડશે.
2. 17 ઓગસ્ટ, 2025થી અજમેરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસને ઊંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 12.02 વાગ્યે ઊંઝા સ્ટેશન પહોંચશે અને 12.04 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે 19 ઓગસ્ટ, 2025 થી મૈસુરથી ઉપડતી ટ્રેન સંખ્યા 16210 મૈસૂર-અજમેર એક્સપ્રેસને ઊંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને 07.10 વાગ્યે પહોંચશે અને 07.12 વાગ્યે ઉપડશે.
ટ્રેનો અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.