

સાભાર… ડો. દિવ્યેશ વ્યાસ (લેખક માહિતી ખાતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે)
ગુજરાત મહાન દાનવીર ભામાશાનો પ્રદેશ છે. દાનનો આ પ્રાચીન વારસો આધુનિક યુગમાં આધુનિક સ્વરૂપે પણ જળવાઈ રહ્યો છે. દાનની આ સંસ્કૃતિને કારણે જ અંગદાન બાબતે પણ ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. ગુજરાતે અંગદાન ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિઓ હાંસલ થઈ છે.
તાજેતરમાં બીજી ઑગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ- ત્રણ એવોર્ડ્સ એનાયત થયા.
ગુજરાત સરકારને ‘એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન’, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને ‘બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’ તથા અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટ્યૂટને ‘ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ’ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યો છે.
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ હવે આંદોલનનું સ્વરૂપ હાંસલ કરી ચૂકી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સાથે સાથે રાજ્યની સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અંગદાન બાબતે જનજાગૃતિ માટે સતત સહયોગ કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ના નિર્માણથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.
જેને કારણે છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી કુલ મળીને 2039 અંગોના દાન પ્રાપ્ત થયાં છે.
લોકોમાં અંગદાન બાબતે સતત જાગૃતિ વધતી જાય છે, એટલે અંગદાન કરનારા પરિવારોની સંખ્યા સતત વધી રહી છે.
રાજ્યભરમાં થયેલા અંગદાનની વાત કરીએ તો 657 અંગદાતાઓ તરફથી કુલ મળીને 2039 અંગો પ્રાપ્ત થયા છે, જેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
અંગદાનથી અત્યાર સુધીમાં એટલે કે 30 જૂન, 2025 સુધીમાં 1130 કિડની, 566 લીવર, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 પેન્ક્રિયાઝ અને 10 નાનાં આંતરડાં મળ્યાં છે, જેના પરિણામે હજારો લોકોને નવજીવન પ્રાપ્ત થઈ શક્યું છે
રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન, સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને લોકસહયોગના સમન્વયથી છેલ્લાં સાત વર્ષમાં અંગદાનના અનેક શિખરો સર કરી શકાયાં છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ગુજરાતની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, અંગદાન માટે માત્ર જાગૃતિ જ નહિ, પરિણામદાયી પ્રતિબદ્ધતા ઊભી કરવા માટેની તબીબોની અથાગ મહેનત, મીડિયાનો સહયોગ અને સેવાકીય સંસ્થાઓના જનજાગૃતિના પ્રયાસોને પરિણામે આજે અંગદાનની પહેલ એક જનઆંદોલન બની છે. આ જનઆંદોલન છે, જીવથી જીવ બચાવવાનું. રાજ્યમાં જીવિત વ્યક્તિને કોઈ જરૂરિયાતમંદને અંગ આપવું ન પડે, રાજ્યમાં અંગોના પ્રત્યારોપણ માટે પ્રતીક્ષાનો સમયગાળો ઘટે તે પ્રકારના પ્રયાસ સરકાર, સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ હાથ ધર્યા છે. અંગદાન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દરેક ગુજરાતીને ગૌરવનો અનુભવ કરાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.